Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: ત્રેવડ ત્રીજો ભાઈ છે

#Column: ત્રેવડ ત્રીજો ભાઈ છે

0
272

ડૉ. જય નારાયણ વ્યાસ: ગુજરાતી તો વેપારી કોમ છે. પૈસાનું મહત્વ અને મૂલ્ય બંને સમજે છે અને આ ગુજરાતીઓની ગરવી ભાષા એવું કહે છે કે – ત્રેવડ ત્રીજો ભાઈ છે. તમે જરૂરી હોય તેટલો જ ખર્ચો કરો અને જે બચત થાય તે આપત્તિના સમયે, જરૂરિયાતના સમયે, તમારી સાથે ખભેખભો મિલાવીને જેમ તમારો સગો ભાઈ ઊભો રહે તે રીતે ઊભો રહે છે.

આજે આ ‘ત્રેવડ ત્રીજો ભાઈ છે’ એ વાતને કેન્દ્રસ્થાને મૂકીને એક દ્રષ્ટાંત ટાંકવું છે જે ‘પ્રગતિ અને પરંપરા’ નામના શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના જીવન પ્રસંગોને આવરી લેતું પુસ્તક, જે સિદ્ધપુરની લક્ષ્મીચંદ સુંદરજી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને મારા સિનિયર, વિદ્વતામાં મૂઠી ઊંચેરા માનવી તરીકે જેમનું નામ પ્રસ્થાપિત છે એવા પ્રિન્સિપાલ ધીરૂભાઈ ઠાકર સાહેબે લખ્યું છે, તેમાં આલેખાયેલું છે. તેમણે જ ગુજરાતી વિશ્વકોશની કલ્પના કરી અને તેમના પ્રયાસોએ એ કલ્પના સાકાર બનાવી.

ભારતમાં ગુજરાતી શાહસોદાગર અને ઉદ્યોગપતિ એવા શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને કોણ ન ઓળખે? દોમ દોમ સાહ્યબી, કરોડોની કમાણી, અબજોનો વહીવટ. કસ્તૂરભાઈ ખૂબ જ ચીવટથી નાણાંનો વહીવટ કરતા. એક એક પાઈ પૈસાનો હિસાબ રાખે.

વિચાર કરો કે કરોડો રૂપિયાના દાન જેણે આપ્યા, અમદાવાદમાં ઈજનેરી કૉલેજ – એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ માટે જેણે પચીસ લાખ રૂપિયા તરત છુટા કર્યા, જેના હાથે કરોડો રૂપિયાના દાન અપાયા છે, અનેક સંસ્થાઓ, અનેક જૈન પ્રશાસનના કામો, અનેક વિદ્યાર્થીઓને મદદ, આવા અનેક કામોમાં જેમણે ક્યારેય હાથ ટૂંકો નથી કર્યો એ કસ્તૂરભાઈ શેઠ પોતાને લાગેવળગે છે ત્યાં સુધી, ઘરને લાગે વળગે છે ત્યાં સુધી – બહુ સ્પષ્ટ રીતે ત્રેવડ ત્રીજો ભાઈ છે તેમ સમજીને ચાલતા હતા. કોઈ પણ પ્રકારનો બગાડ ચાલે જ નહી, જરાય ન ચાલે.

એ માણસના જીવનનો એક પ્રસંગ શ્રી ધીરુભાઈ ઠાકર દ્વારા લખાયેલ ‘પરંપરા અને પ્રગતિ – સ્વ. કસ્તુરભાઈ લાલભાઈનું જીવન ચરિત્ર’ના પાન નંબર 208-209 પર આલેખાયેલો છે –

“મજુમદાર, એક મુશ્કેલી ઊભી થઈ છે.”
“શું થયું?”
“આજનો હિસાબ મળતો નથી.”
“કેટલી ભૂલ આવે છે?”
“છ પેન્સની. ક્યાં વાપર્યા તેનો ખ્યાલ આવતો નથી.”
“કંઈ વાંધો નહીં. એ મોટી વાત નથી.”
“એ ચાલે નહીં.”
“તો શું કરીશું?”
“તમે છ પેન્સ મને આપી દો તો હિસાબ મળી રહે. પછી યાદ આવશે તો એડજસ્ટ કરી લઈશું.”
મજુમદારે હસીને છ પેન્સ આપ્યા. હિસાબ મળી રહ્યો તે પછી જ કસ્તુરભાઈને ઊંઘ આવી.
એક પણ પૈસો હિસાબમાં લખાયા વિના ન રહેવા પામે એવી જૂના વખતની વણિક પ્રકૃતિ તેમનામાં જોવા મળે છે.

બીજાના પૈસા સાચવવાની ચીવટ પણ એટલી જ. શેરહોલ્ડરોનાં નાણાં પોતે ટ્રસ્ટી તરીકે સાચવે. ઉદ્યોગ માટે શેર કાઢીને મૂડી ઊભી કરે પણ તેની પાઈએ પાઈ પાછી આપવાની ચોખ્ખી દાનત. ડિવિડન્ડ જાહેર કરવામાં પણ એક વર્ષે આપ્યું હોય તેનાથી બીજે વર્ષે ઓછું ડિવિડન્ડ આપીએ તો આબરું ઘટે એવી તેમની માન્યતા. તેથી દર વર્ષે ડિવિડન્ડ વધતું જાય એ રીતે ગોઠવે. જે વર્ષે ડિવિડન્ડ ન અપાયું હોય કે મિલે ખોટ કરી હોય તે વર્ષે પોતે કમિશન કે મહેનતાણું ન લે એવી અમદાવાદના મિલમાલિકોમાં પ્રથા ઊભી કરવામાં કસ્તૂરભાઇનો ફાળો નોંધપાત્ર છે.

આ પણ વાંચો: #Column: મોટા માણસના નાના મને નાના માણસને મોટો બનાવ્યો

કસ્તુરભાઈના જીવનમાંથી શીખવા લાયક બે બાબતો

પહેલી, જે નાણાંનો તમે ખરચ કરો છો એનો ચોકસાઈપૂર્વકનો હિસાબ રાખવો જ જોઈએ. કરોડોના દાન આપનાર કસ્તુરભાઈ છ પેન્સનો હિસાબ ન મળે તે કારણથી મધરાત સુધી જાગે અને છેવટે મજુમદારની રૂમનું બારણું ખખડાવે, એ છ પેન્સ સરભર થાય ત્યારે જ ઊંઘે. એટલે જ કહ્યું છે કે “Not you spend but what you save makes you rich”. ગુજરાતીમાં – ત્રેવડ ત્રીજો ભાઈ છે.

બીજી શીખ તે કોઇ પણ કંપનીના શેરહોલ્ડરો, પછી ભલે તે વ્યક્તિ એક જ શેર ધરાવતો હોય, કંપનીના માલિક છે. મેનેજમેન્ટ એમના વતી કામ કરે છે એટલે શેરહોલ્ડરને એની મૂડીનું શક્ય તેટલું વધુ સારામાં સારું અને નિયમિત વળતર મળવું જ જોઈએ. તમે ડિવિડન્ડ ન આપો કે ઓછું આપો એ કંપનીના મેનેજમેન્ટની વિશ્વસનીયતા ઓછી કરવાનો ધંધો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9