Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: મીક્સોપથી – વિવાદનો ઉકેલ સંવાદ છે, સંઘર્ષ નહીં

#Column: મીક્સોપથી – વિવાદનો ઉકેલ સંવાદ છે, સંઘર્ષ નહીં

0
203

ડૉ. જય નારાયણ વ્યાસ: કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવા મંજૂરી આપતા હુકમો કરતું નોટિફિકેશન 19 નવેમ્બર 2020ના રોજ બહાર પડ્યું હતું.
આ નિર્ણય બાદ હવે આયુર્વેદના ડોક્ટરો પણ સર્જરી કરી શકશે.
આ નોટિફિકેશન અનુસાર આયુર્વેદના સ્નાતકોત્તર કોર્ષમાં હવે સર્જરીનો વિષય પણ જોડવામાં આવશે.
આ સાથે આ અધિનિયમનું નામ બદલીને ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ (સ્નાતકોત્તર આયુર્વેદ શિક્ષા) સંશોધન અધિનિયમ 2020 કરી દેવામાં આવ્યું છે.
આ નિયમને કારણે હવે આયુર્વેદના પોસ્ટ ગ્રેજયુએશન કરનાર વિદ્યાર્થીઓ ઓપરેશનની તાલીમ લઇ શકશે અને કાયદેસર રીતે સર્જરી પણ કરી શકશે.
આ વિદ્યાર્થીઓ હવે શલ્ય ચિકિત્સા એટલે જનરલ સર્જરી જેમાં કોઈ સડેલું અંગ કાપવું, પેટ ચીરીને ઓપરેશન કરવા, સ્કીન ગ્રાફ્ટિંગ જેવાં કામ કરી શકશે.
શાલ્યક ચિકિત્સા એટલે કે આંખ, કાન, નાક, ગળા અને દાંતની સર્જરી શીખી શકશે અને પ્રેક્ટિસ પણ કરી શકશે.
શાલ્યક ચિકિત્સા તંત્ર હેઠળ આંખ કાનના આધુનિક ઓપરેશનો, મોતિયા બિંદુ કાઢવું જેવાં સર્જરીના કામો શીખશે અને કરી શકશે.
આ નોટિફિકેશન પહેલા પણ આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં સર્જરીનો વિષય શીખવાડવામાં આવતો જ હતો અને આયુર્વેદિક કોલેજના ઓપરેશન થિયેટરમાં સર્જરી પણ કરવામાં આવતી હતી.
આ વિષયને લગતા એટલે કે આંખ, કાન, નાક અને ગળાના ઓપરેશનના વિષય 25 વર્ષથી અનુસ્નાતક અભ્યાસક્રમમાં શીખવાડવામાં આવે જ છે અને તેને લગતા સર્જિકલ ઓપરેશન થિયેટર પણ આયુર્વેદિક સંસ્થાઓમાં છે.
મસાના ઓપરેશન માટે આયુર્વેદની ક્ષારસૂત્ર ચિકિત્સા પદ્ધતિ હેઠળ હજારો ઓપરેશનો થયા છે.
કેબિનેટ અને નીતિ આયોગ સાથે ચર્ચા-વિચારણા કરી હવે આ વિષય સંદર્ભે માન્યતા પણ આપવામાં આવી છે.
આયુર્વેદ અથવા આયુર્વેદ શાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે.
જે શાસ્ત્રમાં આયુષ અને રોગનું જ્ઞાન આપવામાં આવે તે આયુર્વેદ છે.
શરીર, ઇન્દ્રિય અને સત્વ (મન) તેમજ આત્માના સંયોગનું નામ એ જ જીવન છે અને પ્રાણયુક્ત શરીરને જીવિત કહેવાય છે.
શસ્ત્ર ક્રિયા અથવા શલ્ય ચિકિત્સા સાથે જેમનું નામ સંકળાયેલું છે તે આચાર્ય સુશ્રુતના જન્મ અને કાર્યકાળ અંગે માત્ર અંદાજ જ મૂકી શકાય.
આચાર્ય સુશ્રુત વિશ્વામિત્રના કુળમાં જન્મ્યા હતા. તેમણે ‘સુશ્રુત સંહિતા’ની રચના છઠ્ઠી સદી પૂર્વે કરી.
‘શલ્ય’ શબ્દનો અર્થ પીડા થાય છે.
પ્રાચીન સમયમાં યુદ્ધમાં ઘાયલ થતા યોદ્ધાઓને સ્વસ્થ કરવા માટે પ્રયોગો થતા રહ્યા.
આચાર્ય સુશ્રુતે પોતાના ગહન ચિંતનને અંતે સુશ્રુત સંહિતા નામના પુસ્તકમાં 120 અધ્યાયોમાં આ જ્ઞાન કલમબધ્ધ કર્યું.
આચાર્ય સુશ્રુતે ચીરફાડ (શસ્ત્રક્રિયા)ના નવા નવા તરીકા વિકસાવ્યા અને પોતાના શિષ્યોને તરબૂચ, કોળું અને અન્ય ફળોને ચીરીને એ વિધિ સમજાવી.
સુશ્રુત સંહિતામાં શરીરની રચના, કાર્યસંહિતા, સ્ત્રીરોગ, મનોરોગ નેત્ર એવં મસ્તિસ્ક રોગ, ઔષધી વિજ્ઞાન, શલ્ય વિજ્ઞાન અને વિષ વિજ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે.
સુશ્રુત સંહિતામાં નાક-કાન-હોઠોની પ્લાસ્ટિક સર્જરીનું પણ વિવરણ છે.
જેને આપણે આજે પ્લાસ્ટિક સર્જરી કહીએ છીએ તેવી ચહેરા આદિ પર વિકૃતિ, કપાયેલા નાકને સ્થાને નવું નાક સ્થાપિત કરવાની વિધિ આચાર્ય સુશ્રુતે વિકસિત કરી હતી અને તે માટે કપાળમાંથી ત્વચા લેવાનો આરંભ કર્યો હતો.
આચાર્ય સુશ્રુતના ગ્રંથોનો અરબીમાં પણ અનુવાદ થયો હતો.
ઈરાની ચિકિત્સા શાસ્ત્રી ‘રાજી’એ આચાર્ય સુશ્રુતના જ્ઞાન પર આધારિત પુસ્તક લખ્યું હતું.
આચાર્ય સુશ્રુતને વિશ્વના પ્રથમ શલ્ય ચિકિત્સક માનવામાં આવે છે.
સુશ્રુતે શોધેલા ઉદાહરણોમાં વિશેષ પ્રકારના ચપ્પુઓ, સોય, ચીપિયો વિગેરે છે.
આચાર્ય સુશ્રુતે 300 પ્રકારના ઓપરેશનની પ્રક્રિયાઓનું વર્ણન કર્યું.
તેઓ કોસ્મેટિક સર્જરીના નિષ્ણાત હતા.
આમ આચાર્ય સુશ્રુત અને એમનું આ જ્ઞાન ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીના સમયથી આપણી સંસ્કૃતિનો ભાગ હતો.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને આયુર્વેદના ડોક્ટરોને સર્જરીની મંજૂરી આપવામાં આવે તે સામે વાંધો છે.
તેમણે ભારત સરકારના આ નિર્દેશો સામે વ્યાપક આંદોલન ઉપાડયું છે.
આ આંદોલન અંતર્ગત ઈન્ડીયન મેડીકલ એસોસિએશને તેના દેશભરમાં કાર્યરત સભ્યોને ‘સેવન હેલ્થ કેર ઇન્ડિયા મુવમેન્ટ’ શરૂ કરવા તાત્કાલિક નિર્દેશ આપ્યો છે.
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મિક્સોપેથી તથા અલગ અલગ સારવાર પદ્ધતિના આ પ્રયોગને ‘ખીચડીકરણ’ કહે છે.
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન માને છે કે મિક્સોપેથી લોકોના આરોગ્ય સંભાળની સલામતી માટે મોટો ખતરો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો અને દેશભરના આધુનિક મેડિસિનના ડોક્ટરો ૧લી ફેબ્રુઆરી ૨૦૨૧થી 24 by 7 એમ અઠવાડિયાના સાતેસાત દિવસ અને દિવસના ૨૪ કલાક વારાફરતી ભૂખ હડતાળ પર રહેશે.
જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે પોસ્ટરો અને બેનરો બહાર પડાશે.
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન કહે છે કે તેઓ આ યુદ્ધ લોકોના જાનમાલની સલામતી માટે લડી રહ્યા છે.
જનજાગૃતિ ઉપરાંત આઇએમએના બધા સભ્યો દેશના પ્રધાનમંત્રીશ્રીને તેમની લાગણી લખીને પહોંચાડશે તેમજ આઇએમએના તમામ નેતાઓ જનજાગૃતિ માટે દેશના વિવિધ સ્થળોની મુલાકાત લેશે.
આ ડોક્ટરોનું કહેવું છે કે આજે આખું વિકસિત વિશ્વ ભારતીય ડૉક્ટરોની આધુનિક ચિકિત્સા પદ્ધતિનો લાભ લઇ રહ્યું છે તે સંજોગોમાં ભારત સરકારનો 19 નવેમ્બર 2020નો આયુર્વેદિક ડૉક્ટરોને શસ્ત્રક્રિયા કરવાની મંજૂરી આપતું નોટિફિકેશન સંપૂર્ણ અવૈજ્ઞાનિક, અસુરક્ષિત, અવ્યવહારૂ અને દર્દીઓના હિત વિરુદ્ધ છે.
આધુનિક ચિકિત્સા પદ્ધતિ અને દવાઓ પુરાવા આધારિત છે.
વિવિધ કોલેજોમાં એમબીબીએસનો સાડા પાંચ વર્ષનો અભ્યાસક્રમ ભણાવાય છે.
સર્જીકલ વિશેષતામાં ક્ષમતા મેળવવા માટે વધુ ત્રણ વર્ષ કડક શિક્ષણ અને પ્રેક્ટિસ જરૂરી છે.
આમ લગભગ દસ વરસના અંતે પ્રશિક્ષિત સર્જન તૈયાર થાય છે.
તબીબી પ્રેકટીસ માટેની મૂળભૂત આવશ્યકતા પૂરતી લાયકાત અને તાલીમ છે.
સર્જને કોઈ પણ ગરબડ/ગૂંચવણ ન થાય તે માટે સંપૂર્ણતા સાથેના બધા ભાગો અને સંબંધિત શરીર રચનાને જાણવી પડે છે.
ઓપરેશન માટે એનેસ્થેસિયા આવશ્યક છે અને તે શસ્ત્ર ક્રિયાની જરૂરિયાત મુજબ આધુનિક દવા થકી આપવામાં આવે છે.
આવા નિષ્ણાતો માટે યોગ્ય નિદાન અને અનુગામી સમયગાળાની સાચી સમજ હોવી જરૂરી છે.
આ કારણથી આઇએમએ દર્દીઓના હિતમાં અને તેમના જાનમાલની વ્યાપક સલામતી માટે મિક્સોપેથી સામે યુદ્ધ છેડ્યું છે.
જેના માટે આ બધી લડાઈ છે તે દર્દી એટલે કે સામાન્ય માણસ તો આમાં બહુ ઓછું સમજે છે.
એ અત્યાર સુધી ઓપરેશન માટે મોટા મોટા ડૉક્ટરો પાસે જ ગયો છે.
આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએશન ક્વોલીફીકેશનવાળા ડોક્ટર ઓપરેશન કરે તે વાત તેના મગજમાં ઉતરતા પણ સમય લાગશે.
છેવટે તો વૈદ્ય (ડૉક્ટરો સમેત) ઔષધો અને મંત્રમાં જેવી જેની શ્રદ્ધા હોય તેટલું જ ફળ આપે છે.
મિક્સોપેથી સર્જનો માટે પણ આ આટલું જ સાચું પડવાનું છે.
આપણી સંસ્કૃતિ તો કહે છે – आनो भद्रा क्रतवो यन्तु विश्वतः
એટલે કે દરેક દિશામાંથી મારામાં કલ્યાણકારી વિચારો આવો.
એ એવું પણ કહે છે કે औषधं जाह्नवीतोयं वैद्यो नारायणो हरिः
અર્થાત ઔષધ ગંગાજળ સમાન પવિત્ર છે અને વૈદ્ય કે ડોક્ટર સ્વયં ભગવાન નારાયણના અવતાર છે.
આવો આ સામાન્ય માણસ આજે મૂંઝવણમાં છે.
એક બાજુ આયુર્વેદિક ડોક્ટર અને ભારત સરકારનું નોટીફીકેશન
અને બીજી બાજુ…

આ પણ વાંચો: #Column: કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે

વૈદરાજો અને આચાર્ય સુશ્રુતની ચિકિત્સાપદ્ધતિ
એલોપથીની શસ્ત્રક્રિયા જે ભારતમાં લગભગ અઢીસો વર્ષ પહેલાં આવી
આચાર્ય સુશ્રુતની શલ્ય ચિકિત્સા ઇ.સ. પહેલા ૬૦૦ વર્ષ જૂની છે.
આમ આ શલ્ય ચિકિત્સા પદ્ધતિ પણ ભારતમાં લગભગ અઢી હજાર વર્ષ કરતાં વધુ જૂની છે.
આ બંને સાથે મળીને ન ચાલી શકે?
વિવાદનો ઉકેલ સામાન્ય માણસના હિતને કેન્દ્રમાં મૂકી…
સંવાદ છે, સંઘર્ષ નહીં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat