Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: બેરોજગારીની વકરતી જતી સમસ્યા – કોરોનાએ પડતા ઉપર પાટુ મારવાનું કામ કર્યું છે

#Column: બેરોજગારીની વકરતી જતી સમસ્યા – કોરોનાએ પડતા ઉપર પાટુ મારવાનું કામ કર્યું છે

0
298

એક સમયે કોવિડ બાદની પરિસ્થિતિ અને લૉકડાઉન તેમજ પરપ્રાંતીયોનું સ્થળાંતર થવાને કારણે બેકારીનો દર એકદમ આસમાનને આંબી ગયો. 7 મેએ પૂરા થતા અઠવાડિયામાં બેરોજગારીનો દર વધીને 27.11 ટકા જેટલો ઊંચો ગયો, જે મે 17, 2020માં થોડો ઘટીને 24 ટકા રહેવા પામ્યો. મે મહિનામાં ભારતીય અર્થવ્યવસ્થામાં કુલ મૂલ્યવૃદ્ધિ (ગ્રોસ વેલ્યુ એડીશન)માં 9 ટકા જેટલું નુકસાન થયું. પરિસ્થિતિ ત્યારબાદ સુધરતી ચાલી છે એમાં કોઈ શંકા નથી. એક સમયે દેશમાં કોરોનાના રોજના એક લાખ જેટલા નવા કેસ આવતા હતા જે હવે ઘટીને ચાલીસ હજારની આજુબાજુ પહોંચ્યા છે. આની સાથોસાથ બેરોજગારીનો દર પણ ઘટવા માંડ્યો છે. 2017-18ના નાણાકીય વરસ દરમિયાન બેરોજગારીનો દર 45 વરસની ઊંચામાં ઊંચી સપાટીએ એટલેકે 6.1 ટકા જેટલો થયો હતો. 2020નું વરસ અંત તરફ જઇ રહ્યું છે ત્યારે જુલાઇ 2020માં બેકારીનો દર ઘટીને 7.43 ટકા સુધી નીચો ગયો હતો. આમ બધું સમુસૂતર ચાલી રહ્યું છે અને અર્થવ્યવસ્થાએ પાછી વિકાસની વાટ પકડી છે. ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો થઇ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. ગોલ્ડમૅન સૅશ દ્વારા આર્થિક ગતિવિધિઓમાં આવી રહેલ આ તેજીને અનુસંધાને 2020-21ના જીડીપી વિકાસદરમાં ઘટાડો થવાનો અંદાજ હવે સુધારાયો છે. એજન્સીના મત મુજબ આ વરસે ભારતના જીડીપીનો વૃદ્ધિદર (માઇનસ) -10 ટકા કરતાં થોડોક જ વધારે રહેશે. આવતા વરસે એટલે કે 2021-22માં એમાં નોંધપાત્ર સુધારો થઈને જીડીપી વિકાસદર 13 ટકા રહેવાનો અંદાજ ગોલ્ડમૅન સૅશ કંપની મૂકે છે. બીજી એક હરખ પમાડે તેવી વાત એ છે કે ભારત પરચેજીંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઇ)ના વૃદ્ધિદરમાં 13 વરસનો રેકોર્ડ તોડીને 58મા સ્થાન પર પહોંચી ગયું છે. છેલ્લાં છ મહિનામાં પહેલીવાર ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન – IIP (ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક) પણ વધ્યો છે. આ બધી બાબતો જોતાં ગોલ્ડમૅન સૅશ નામની રેટિંગ એજન્સીએ પોતાનો 2020-21 માટેનો ભારતીય અર્થવ્યવસ્થાના વૃદ્ધિદર સંબંધી વરતારો 4.5 ટકા સુધારીને (માઇનસ) -10.3 ટકા રહેવાની ધારણા મુકી છે. સાથોસાથ 2021-22માં જો ભારતીય અર્થવ્યવસ્થા 13 ટકાનો વૃદ્ધિદર હાંસલ કરે તો એ દુનિયામાં તેજીથી વધતી અર્થવ્યવસ્થા હશે.

વાત કરીએ વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝની. મૂડીસે અગાઉ 2020-21ના નાણાકીય વરસમાં ભારતીય અર્થવ્યવસ્થા (માઇનસ) -9.6 ટકાના દરે વધશે એમ કહ્યું હતું જે અંદાજ સુધારીને તેણે (માઇનસ) -8.9 ટકા કરી દીધો છે. ભારતીય રિઝર્વ બેંક પણ આમાં લગભગ સંમત હોય તેમ ચાલુ નાણાકીય વરસમાં તેણે ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર (માઇનસ) -9.5 ટકા અંદાજ્યો છે.

અર્થવ્યવસ્થાની આ પરિસ્થિતિમાં સામાન્ય માણસ એટલે કે આમ આદમી માટે બહુ સારા સમાચાર નથી. ફેબ્રુઆરી અને એપ્રિલ 2020 વચ્ચે 46 ટકા જેટલા કિસ્સાઓમાં પારિવારિક આવક (હાઉસહોલ્ડ ઇન્કમ)માં ઘટાડો થયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, લૉકડાઉન, પરપ્રાંતીય શ્રમિકોનું મોટાપાયે સ્થળાંતર અને દિવાળી ટાણે મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગની ખરીદશક્તિમાં ઘટાડો થવાને કારણે મધ્યમ અને એથીય વિશેષ નીચલા સ્તરની આવક ધરાવતા લોકોએ ઘણી બધી નોકરીઓ ગુમાવી છે. કેટલાક કિસ્સામાં નોકરીઓ નથી ગઈ ત્યાં પગારમાં બહુ મોટો કાપ સ્વીકારીને નોકરીમાં ચાલુ રહેવા માટેની મજબૂરીએ મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના નોકરીયાત લોકોની પારિવારિક આવક ઉપર કુઠારાઘાત કર્યો છે. નાનાં નાનાં વેપારીઓ, ફેરીયા, લારીગલ્લાવાળાઓ તેમજ અન્ય છૂટક વેચાણ કરી રોજનો રોટલો રોજ રળી ખાતા લોકોની હાલત પણ કંઈ સારી નથી.

અસંગઠિત ક્ષેત્ર જે આ દેશમાં લગભગ 94 ટકા જેટલી નોકરી/વ્યવસાય ઉભા કરવા માટે જવાબદાર છે ત્યાં આ અસર સૌથી વધારે છે. દાખલા તરીકે કેટલાંક ઘરોમાંથી કાં તો ઘરઘાટીઓ અથવા ઘરકામ કરનાર વ્યક્તિઓ પોતાને વતન ભાગી ગયા જ્યારે ઘણા બધા કિસ્સાઓમાં બે છેડા ભેગા કરવા માટેની મથામણમાં ખર્ચમાં કાપ મૂકવા માટે ગૃહિણીઓ જાતે જ ઘરકામ કરતી થઇ. આ લૉકડાઉનની સીધી અસર છે. આ પરિસ્થિતિમાં બેરોજગારી એક સળગતો પ્રશ્ન બનીને સામે આવ્યો છે. બેરોજગારીનો દર એ માત્ર આંશિક ઇન્ડિકેટર ગણવો જોઈએ કારણ કે એની ગણતરીમાં અસંગઠિત ક્ષેત્રની તો બાદબાકી જ થઈ જાય છે જે મોટી રોજગારી પૂરી પાડે છે. આવો જ બીજો દાખલો ખેતી અને ગ્રામ્ય રોજગારીનો છે. કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર આપણે ત્યાં અડધોઅડધ કરતાં વધુ નોકરી અથવા વ્યવસાયની તકો પૂરી પાડે છે એમ કહેવાય છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ જોકે ખેતી સાથે જોડાયેલ માનવબળને આભાસી નોકરી અથવા વ્યવસાય ગણે છે. ખેતી સાથે આખું કુટુંબ જોડાય એટલે બધા જ બેકાર નથી એ માન્યતા સાથે તેઓ સંમત નથી. તેઓનું માનવું છે કે આમાંથી 70 ટકા જેટલું માનવબળ ખેતીથી અલગ કરી દેવામાં આવે તો પણ ખેતીના ઉત્પાદન પર ઝાઝી અસર નહીં પડે. આનો અર્થ એ થાય કે આ માનવબળ અન્ય કોઈ આર્થિક પ્રવૃતિ થકી દેશના કુલ ઘરગથ્થુ ઉત્પાદનમાં વધારો કરવા માટે વાપરી શકાય.

વળી પાછા બેરોજગારીની વાત પર આવીએ. કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ લગભગ શૂન્ય થઈ ગઈ છે તેના ઉપરથી તારણ કાઢીને હવે પછી જીડીપી વૃદ્ધિદર એ (જોબલેસ ગ્રોથ)નો સૂચક હશે એમ કહે છે. આનો અર્થ એ થાય કે તમે ગમે તેટલો ઊંચો આર્થિક વૃદ્ધિદર મેળવો તો પણ એના કારણે નોકરીની તકોમાં વધારો નહીં થાય. બીજી બાજુ ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે. અહીંયાં 70 ટકા વસ્તી 35 વરસની નીચેની છે. કામ કરી શકે તેવા વયજૂથ એટલે કે 15 થી 55 વરસમાં ઘણી મોટી વસતીનો સમાવેશ થાય. આ લોકોને જો કામ નહીં મળે તો શું પરિસ્થિતિ થશે? બેકારી અને અર્ધબેકારી આ બંને વધતાં જશે જેનાં પરિણામો વિસ્ફોટક હશે. બીજું આ દેશનો જન્મદર વાર્ષિક 2 ટકા છે એટલે દર વરસે લગભગ 2.5 કરોડ જેટલી વસતી વધે તેવી આજની પરિસ્થિતિ છે. અગાઉનો બેકલોગ અને આ વસતીવધારાને કારણે જરૂરી નવી તકો બંનેનો સમન્વય કરીએ તો વરસે 3 થી 3.5 કરોડ નવી નોકરી/વ્યવસાયની તકો ઊભી થાય તો જ બેકારીની સમસ્યા ઉકેલી શકાય. આમ કરવા માટે શું કરવું જોઇએ તેની હવે વાત કરીએ.

પહેલાં તો ફિસ્કલ ડેફિસિટ એટલે કે નાણાકીય ખાધ જાળવી રાખીને અમે નાણા વ્યવસ્થાપનની શિસ્ત જાળવી રાખી છે એવો વેદિયો તર્ક એક બાજુ નાખી દેવો પડે. સરકારી ખર્ચ ખાસ કરીને મૂડીગત કામોમાં ખૂબ મોટા પાયે વધારવો પડે. અત્યારે મોટાં મોટાં કામોના કોન્ટ્રાક્ટરોને ચુકવણું નથી થતું એ એક સામાન્ય ફરિયાદ છે. ઘણા બધાં શહેરોના મેટ્રો રેલ પ્રોજેક્ટ ઘોંચમાં પડયા છે એ આનું આદર્શ ઉદાહરણ છે. આ એકમાત્ર દાખલો નથી. કેન્દ્ર સરકારે ફિસ્કલ ડેફિસિટની એસીતેસી કરીને ખુબ મોટા પાયે આવા રોજગારી ઊભી કરતા પ્રોજેક્ટમાં ખર્ચ કરવો જોઈએ, જેની વ્યાપક હકારાત્મક અસરો ઉત્પાદન ક્ષેત્રમાં પણ જોવા મળશે. જરૂર પડે કેન્દ્ર સરકારે ગંજાવર દેવું કરતા પણ ગભરાવું ના જોઈએ. જીએસટીનાં રાજ્ય સરકારોને ચૂકવવાનાં થતાં નાણાં તેમજ એ ઉપરાંત રાજ્યોને આપવાના થતાં નાણાં બાકી બોલે છે તે ચૂકવાવાં જોઈએ જેથી રાજ્ય સ્તરે પણ મૂડીગત ખર્ચમાં મોટો વધારો કરી શકાય.

આ પણ વાંચો: #Column: જો બાઇડન અને કમલા હેરિસની સફળતા ઈચ્છીએ કારણ કે એમાં માત્ર અમેરિકાનું નહીં દુનિયાનું ભલુ છે, આપણું પણ !

મનરેગા ગરીબો સુધી પહોંચતી એક સારી યોજના છે પણ એમાં પુરા સો દિવસની રોજી આપી શકાતી નથી, ખૂબ મર્યાદિત લોકો સુધી આ યોજના પહોંચે છે એ પણ હકીકત છે. આવી ગરીબોના હાથમાં સીધા પૈસા મૂકતી યોજનાઓ આક્રમક રીતે અમલમાં મૂકાવી જોઈએ. સાથોસાથ મનરેગા પાછળ થતા નાણાં ખર્ચમાંથી કઈ રીતે કેપિટલ એસેટ ઉભાં કરવાં જે આગળ જતા અર્થવ્યવસ્થામાં પૂરક ફાળો આપનાર બને તે પણ વિચારવું જોઈએ.

એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ જે ઉદ્યોગોમાં પોઝીટીવ છે તેવા ઉદ્યોગોને અલગ તારવી વિકાસની સાથોસાથ રોજગારીનું સૂત્ર સાર્થક કરવા માટે એમને પ્રોત્સાહનો આપવાં જોઈએ. જરૂર જણાય ત્યાં જીએસટી અને બીજા કરવેરા ઘટાડવા જોઇએ. આજની પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ અને નોકરિયાતો પાસે ખર્ચ કરવા વધુ નાણાં હાથ પર રહે તે માટે પાંચ વરસ સુધી માત્ર ટોકન 100 રૂપિયા ઇન્કમટેક્ષ રાખી આવકવેરામાંથી નોકરીયાતો અને કોર્પોરેટ સિવાયના કરદાતાઓને સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ. આમ થશે તો આશાનું એક હકારાત્મક વાતાવરણ ઉભું થશે.

કોરોનાના કારણે મુકવામાં આવેલ નિયંત્રણોની સૌથી ખરાબ અસર સેવા ક્ષેત્રને થઈ છે. રેસ્ટોરાં, કેટરિંગ, ટ્રાન્સપોર્ટ, પ્રવાસન, ડેકોરેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ જેવી પ્રવૃત્તિઓ ટૂંકા ગાળા માટે પણ મોટી રોજગારી ઊભી કરે છે. આ પ્રવૃત્તિઓની મલ્ટીપ્લાયર ઇફેક્ટ એટલે કે ગુણક અસર બહુ મોટી હોય છે. કોરોનાના પહેલા રાઉન્ડ બાદ આ પ્રવૃત્તિઓ પાટે ચઢી રહી હતી ત્યારે હવે બીજો રાઉન્ડ અને એની વધુ ઘાતક અસર શિયાળા દરમિયાન થશે એવા વરતારાને કારણે આ સેકટર પર વળી પાછો નિયંત્રણોનો પંજો કસાયો છે. પરિણામે ફૂલ અને પૂજાપો વેચનાર નાના વેપારીઓથી માંડીને બેન્ડવાજાવાળા, કેટરિંગ સાથે જોડાયેલ માનવબળ, ટ્રાન્સપોર્ટ અને એની સાથે જોડાયેલ ગેરેજથી માંડીને ઓટો પાર્ટ્સ સુધીના વેપારીઓ, મંડપ અને ડેકોરેશનવાળાઓ, ઇલેક્ટ્રિસિટી અને રોશની સાથે જોડાયેલ વર્ગ, ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર, બગીવાળા તેમજ બેન્ડબાજાવાળાઓ અને એથીય નીચેના સ્તરે ઢોલ-નગારાં કે ત્રાસાં વગાડવાવાળાઓ, આ બધા જ અત્યારે હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ ગયો હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે. લોકોનાં ટોળાં ભેગાં ન થવા જોઈએ એ વાત સાચી પણ એ માટે અસરકારક પોલીસ પેટ્રોલિંગ અને 144ની કલમ જેવી હાથવગી સત્તાઓનો ઉપયોગ ન કરતા અમદાવાદમાં એકાએક બે દિવસનો કર્ફ્યુ ઝીંકી દેવાનું પગલું જરા વધુ વિચારીને લેવા જેવું હતું એવી સાર્વત્રિક લાગણી છે. સ્ટેટેસ્ટિક્સ એ બેધારી તલવાર છે જે નીચેના કોષ્ટક પરથી જોઇ શકાશે.

અનુક્રમ નંબર શહેર વસતી તારીખ 23 નવેમ્બર 2020ના રોજ કુલ નવા કેસની સંખ્યા એક લાખ દીઠ નવા કેસ
અમદાવાદ 55.7 લાખ 319 5.72
સુરત 44.6 લાખ 217 4.86
વડોદરા 21.8 લાખ 103 4.72
રાજકોટ 12.9 લાખ 95 7.36

ઉપરોક્ત કોષ્ટક પરથી જોઇ શકાશે કે અમદાવાદના કેસનો આંકડો 319 હોય પણ એની વસતી સુરત જેનો આંક 217 છે તેના કરતાં વધારે છે ત્યારે માત્ર આંકડાથી દોરવાઈ જઈને અમદાવાદમાં જે વહીવટી અધિકારીએ ગભરાટ દાખવ્યો તે સામે ચોક્કસ પ્રશ્નાર્થો થાય છે. એક સિનિયર અધિકારીને જ્યારે પરિસ્થિતિનો હવાલો સોંપવામાં આવે છે ત્યારે તેણે બધાં જ પાસાંઓનો વિચાર કરવો જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ અથવા સરકારને નિર્ણય લેવા સલાહ આપવી જોઈએ. અમદાવાદના કિસ્સામાં આ વિવેક ચૂકાયો હતો એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે. બાકી વહીવટી તંત્ર પાસે દરેક વસ્તુ માટે હાથવગાં કારણો હોય છે.

બેરોજગારી આજનો યક્ષપ્રશ્ન છે. અનેક લોકો પાસે કામ નથી. કેટલાકને બે ટંકનું ભોજન પણ નથી મળી રહ્યું ત્યારે આ પ્રશ્ન બાબત હજુ પણ સમય રહેતા નહીં વિચારાય તો આગળ જતાં એના વિસ્ફોટક પરિણામો આવી શકે છે. કોરોનાએ આપણને એક ચેતવણીની સાયરન વગાડી આપી છે. આ સાયરન સાંભળીને યોગ્ય પગલાં લેવાય તો એક હદ સુધી બેકારીની સમસ્યા નાથી શકાશે. જો નહીં લેવાય તો કોરોના કરતાં પણ ભૂખમરી અને બેરોજગારીની સમસ્યા વધુ વિકરાળ બનીને આપણી સામે આવશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9