Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: પેટનો બળ્યો ગામ બાળે

#Column: પેટનો બળ્યો ગામ બાળે

0
258

ડૉ.જયનારાયણ વ્યાસ: લોકોના ઘર વિશે એ ઘરમાં રહેતા કુટુંબના સભ્યોને જેટલી માહિતી હોય છે તેટલી બીજા કોઈને નથી હોતી. એ જ રીતે બે ભાગીદારો ભેગા કોઈ ધંધો કરતાં હોય ત્યારે એ ધંધા વિશે તેમજ ધંધાને લગતી જે કોઈ ગુપ્ત માહિતી હોય તે વિશે આ ભાગીદારોને જ ખબર હોય છે. આ કારણથી કુટુંબ અથવા મિત્રતા અથવા ભાગીદારી વિગેરેમાં જ્યારે ખટપટો ઊભી થાય અને અત્યાર સુધી એક સંપ રહી કામ કરતાં કુટુંબના સભ્યો જ એકબીજા સામે થઈ જાય ત્યારે આ મતભેદના કારણે તેમના બધા ભેદ ખૂલી જાય અને પરિણામે બહારનો શત્રુ અથવા પ્રતિસ્પર્ધી જીતી જાય.

એક વાર્તા સાંભળી હતી. ‘કાકુ શેઠની કાંસકી’ એનું શીર્ષક. કાકુ શેઠની દીકરી માટે એમણે સરસ રત્નજડિત કાંસકી બનાવડાવી હતી. આ કાંસકી લઈને કાકુ શેઠની દીકરી રાજકુમારી જે એની બહેનપણી હતી તેની પાસે રમવા ગઈ. રાજકુમારીને પેલી કાંસકી ગમી ગઇ. એણે જીદ કરી, ‘મને આ કાંસકી જોઈએ.’ કાકુ શેઠની દીકરી એ કાંસકી લઈને ઘરે જતી રહી. રાજકુમારી અફાટ રુદન કરે. રાજાએ કારણ જાણ્યું એટલે કાકુ શેઠને બોલાવી પેલી કાંસકી રાજકુમારી માટે આપવા કહ્યું. બદલામાં પોતે એથી પણ વધુ મોંઘી કાંસકી બનાવરાવી આપશે એવી વાત કરી. પણ કાકુ શેઠની દીકરી એ પણ બાળક હતી. રાજકુમારીની બાળહઠ સામે કાકુ શેઠની દીકરીની બાળહઠ ટકરાઈ. રાજાએ સિપાઈઓને હુકમ કર્યો કાકુ શેઠની દીકરીના હાથમાંથી કાંસકી ઝૂંટવી લેવાનો. પોતાની દીકરી સાથેનો આ વર્તાવ જોઈને કાકુ શેઠને ખૂબ દુઃખ થયું. એ સીધો જ સિંધના સુલતાન પાસે ગયો અને એને ઉશ્કેરીને આ વલભીપુર રાજ્ય પર ચઢાઈ માટે લઈ આવ્યો. સુલતાનના વિશાળ અને તાકાતવર સૈન્ય સામે રાજાનું સૈન્ય ટકી ન શક્યું. રાજા પણ આ યુદ્ધમાં હણાયો. કાકુ શેઠે રાજકુમારીના હાથમાંથી પેલી કાંસકી છીનવી લીધી અને પોતાની દીકરીને પરત કરી.

એક નાનીશી બાળહઠ
અહમનો ટકરાવ

એને કારણે ઊભું થયેલું દુ:ખ અને પોતાના એ દુઃખને કેન્દ્રસ્થાને મૂકીને કાકુ શેઠે સૌને દુઃખી કર્યા. પેટના બળ્યાએ ગામ બાળ્યું.

આવો જ એક બીજો કિસ્સો છે. ઇ.સ. ૧૭૫૭માં થયેલા પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ-દૌલાની મોટી સેના સામે પ્રમાણમાં ઓછી સંખ્યામાં કહી શકાય એવા અંગ્રેજોએ જીત્યા તેના ત્રણ મુખ્ય કારણો હતા. પહેલું, અંગ્રેજ સેના શિસ્તબદ્ધ અને કેળવાયેલી હતી. બીજું, તેમની પાસે આધુનિક શસ્ત્રો હતા અને ત્રીજું પણ સૌથી અગત્યનું કારણ સિરાજ-ઉદ-દૌલાનો સેનાપતિ મીર જાફર ફૂટી ગયો હતો જેને કારણે મોટી ખુવારીને અંતે સિરાજ-ઉદ-દૌલા હાર્યો અને પ્લાસીની આ જીતથી ઇસ્ટ ઈન્ડિયા કંપની અને અંગ્રેજ સલ્તનતનો મજબૂત પાયો નખાઈ ગયો. ઇતિહાસ નોંધે છે કે પ્લાસીના યુદ્ધમાં ૭૦૦ અંગ્રેજ સૈનિકો, ૧૦૦ તોપચી, ૨૧૦૦ ભારતીય સિપાહી, ૧૦૦ ગનર, ૫૦ નાવિકો અને ૮ ગોલંદાજ હતા. તે સામે સિરાજ-ઉદ-દૌલા પાસે ૧૫૦૦૦ ઘોડેસવાર સૈનિકો અને ૩૫૦૦૦ની સેના હતી.

આ પણ વાંચો: #Column: સુખે જીવવું હોય તો હળવા થાવ – જતું કરો

આપણામાં પણ કહેવત છે, ‘ઘર ફૂટે ઘર જાય’. જેટલું નુકસાન તમને પોતાની સાથે રહેતા, પોતાની સાથે કામ કરતા, જેને પોતે આશરો આપીને ઉછેર્યા છે તે કરી શકે છે તેટલું નુકસાન કદાચ દુશ્મન પણ નથી કરી શકતા. ક્યારેક દ્વેષમાં આવીને, ક્યારેક ક્રોધમાં આવીને, ક્યારેક ઈર્ષાથી, ક્યારેક અવિચારીપણે લીધેલું કોઈ પગલું અંતે નુકસાનકારક નિવડ્યું હોય એવા ઈતિહાસના પાને અનેક દાખલા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat