સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. પીઠની ઇજાને કારણે બુમરાહ 4થી 6 અઠવાડિયા સુધી ક્રિકેટના મેદાનની બહાર રહેશે. ટી-20 વર્લ્ડકપની શરૂઆત 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં થઇ રહી છે.
Advertisement
Advertisement
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સીરિઝમાંથી વાપસી કરી હતી, તે પહેલા તે ઇજાને કારણે બહાર હતો પરંતુ તે વાપસી બાદ માત્ર બે જ મેચ રમી શક્યો હતો, સાથે જ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી પ્રથમ મેચમાં પણ તે પ્લેઇંગ-11માં સામેલ થયો નહતો. ઇજાને કારણે જસપ્રીત બુમરાહ એશિયા કપ 2022માં ભાગ લઇ શક્યો નહતો અને ભારતીય ટીમ સુપર-4માંથી બહાર થઇ ગઇ હતી.
જસપ્રીત બુમરાહને થયેલી ઇજા ગંભીર છે અને તે ક્રિકેટના મેદાનમાંથી આશરે 4થી 6 અઠવાડિયા સુધી દૂર રહી શકે છે. પીટીઆઇએ બીસીસીઆઇના સૂત્રોના હવાલાથી જસપ્રીત બુમરાહના ટી-20 વર્લ્ડકપની બહાર થવાની પૃષ્ટી કરી છે.
બુમરાહની ઇજાએ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધાર્યુ
જ્યારથી ટી-20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત થઇ છે ત્યારથી ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી રહ્યુ છે. પહેલા રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે વર્લ્ડકપની બહાર થયો હતો અને તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહતો. દીપક હુડ્ડાને પણ ઇજા થઇ છે, જેને કારણે તે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સીરિઝમાંથી બહાર થઇ ગયો છે અને હવે જસપ્રીત બુમરાહને ઇજા થતા તે ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે.
બુમરાહની જગ્યાએ કોણ?
જસપ્રીત બુમરાહનું ટી-20 વર્લ્ડકપની બહાર થવુ ભારત માટે મોટો ઝટકો છે. દીપક ચહર અને મોહમ્મદ શમી સ્ટેન્ડબાય ખેલાડીઓનો ભાગ છે. એવામાં તેમનામાંથી કોઇ એકને મેન સ્કવોર્ડમાં સામેલ કરવામાં આવી શકે છે. આઇસીસી નિયમ અનુસાર, 15 ઓક્ટોબર સુધી ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપની મેન ટીમમાં બદલાવ કરી શકે છે.
Advertisement