ડૉ. જય નારાયણ વ્યાસ: વાત કંઈક આમ છે. એક રાત્રે શંકરાચાર્યજી એમની કુટિર બહાર પડતા રસ્તા ઉપર કંઈક શોધવાનો ભગીરથ પ્રયત્ન કરી રહ્યા હતા.
દરમિયાનમાં એમનો એક વિદ્યાર્થી બહાર ગયો હશે તે પરત આવી રહ્યો હતો. એણે જિજ્ઞાસાવશ પોતાના ગુરુને પૂછ્યું, ‘આચાર્ય, અત્યારે આ સમયે આપ આ રસ્તામાં શું શોધી રહ્યા છો?’
શંકરાચાર્યજીએ જવાબ આપ્યો, ‘મારી સોય ખોવાઇ છે. હું એને શોધું છું.’
પેલો વિદ્યાર્થી પોતાના ગુરુની સાથે આ શોધખોળમાં જોડાયો. થોડીવાર પછી એણે કુતુહલવશ પૂછ્યું, ‘ગુરુજી, આપનાથી આ સોય ક્યાં પડી ગઈ હશે તે અંગે સ્વસ્થ ચિત્તે વિચાર કરીને કંઈ કહી શકો?’
શંકરાચાર્યજીએ કહ્યું, ‘અરે ભાઈ! અલબત્ત મને તે યાદ છે. મારી કુટિરમાં પથારી પાસે મારાથી એ ક્યાંક પડી ગઈ છે.’
પોતાના ગુરુનો આવો વિચિત્ર જવાબ સાંભળી પેલો વિદ્યાર્થી તો ઘા ખાઈ ગયો. એણે કહ્યું, ‘ગુરુજી, આપ કહો છો તે મુજબ આપે સોય ઘરની અંદર ખોઈ નાખી છે તો પછી ઘરની બહાર રસ્તામાં એને શા માટે શોધો છો?’
બિલકુલ નિર્દોષતાપૂર્વક શંકરાચાર્યજીએ જવાબ આપ્યો, ‘કુટિરમાં જે દીવો છે એનું તેલ ખૂટી ગયું એટલે ઘરની અંદર ઘોર અંધારું છે. એથી ઊલટું આ રસ્તા ઉપર પુષ્કળ રોશની છે. એટલે મને લાગ્યું અહીંયાં શોધું.’
ગુરુજી પ્રત્યે અવિનય ન થાય તે માટે મહાપરાણે પોતાનો હસવું રોકીને પેલા વિદ્યાર્થીએ કહ્યું, ‘ગુરુજી! જો તમે સોય તમારા ઘરની અંદર ખોઈ નાખી છે તો પછી ઘરની બહાર એ જડશે એવી અપેક્ષાએ એના માટેની શોધખોળ કઈ રીતે કરી શકો?’
પોતાના શિષ્ય સામે સ્મિત કરીને શંકરાચાર્યજીએ કહ્યું, ‘શું આપણે બધાં આવું જ નથી કરતા? આપણે દૂરદૂરના મંદિરોમાં પહોંચી જઈએ છીએ, પર્વતોનો દુર્ગમ રસ્તો તય કરીને ઊંચાઇઓ પર પહોંચીએ છીએ ત્યાં એવાં મંદિરો આવેલા છે જ્યાં જઈને આપણે પોતાની જાતમાં જે ખોઈ નાખ્યું છે તેને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે બધા આપણા મનની ગર્તાઓમાં
(આપણી જાતની અંદર) જે ખોવાયું છે તેને બહાર શોધીએ છીએ. શા માટે? કારણ કે આપણા મનની અંદર ઘનઘોર અંધારું છે. મૂર્ખ જ છીએ ને આપણે?’
આ વાંચતાં પંક્તિઓ યાદ આવી જાય છે –
આકાશે તારાની ભાત
ધરતી હૈયે ફૂલબિછાત
સર્જી, તો કાં સર્જી તાત!
માનવના મનમાં મધરાત!
આ પણ વાંચો: #Column: અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત
આ ઘનઘોર અંધકારને દૂર કરી, તિમિર હણીને જ્યોતિ પ્રગટાવવો હશે તો આપણે આપણી અંદર જ દીપ પ્રગટાવવો પડશે. આપણું સાચા અર્થમાં ગુમાવેલું ધન અહીં જ પડ્યું છે.
વાત અહીં પૂરી કરીએ.
આપણે આપણી જાતને જ ઢંઢોળવાની છે.
જ્યાં સુધી હૈયાની બારી નહીં ઉઘડે
અંદરનો અંધકાર દૂર નહીં થાય
અને…
પરમ જ્ઞાનનો જ્યોતિ નહીં પ્રકાશે
ત્યાં સુધી…
પેલો અખૂટ અને અમૂલ્ય ખજાનો મળવાનો નથી