અમદાવાદ: ગુજરાતમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી ચૂંટણી રેલીઓ કરીને ભારતીય જનતા પાર્ટીની જીત સુનિશ્ચત કરવાના કામમાં પડ્યા છે. જોકે, ગુજરાતની પાયાની સમસ્યાઓ તેમનો પીછો છોડી રહી નથી. અમિત શાહ સાણંદમાં એક રેલીને સંબોધન કરવાના હતા અને ત્યાં તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા કરવામાં આવ્યા હતા. આ લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. જોકે, આ દરમિયાન બીબીસીના એક પત્રકારે અમિત શાહના સમર્થનમાં મોટી સંખ્યામાં આવેલી મહિલાઓ સાથે વાતચીત ચાલું કરી હતી. આ વાતચીત ખુબ જ ચોંકાવનારી રહી હતી.
જ્યારે બીબીસીના પત્રકારે મહિલાઓને પૂછ્યું કે, તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા છે ખરી? તો અમિત શાહનું સમર્થન કરવા આવેલી મહિલાઓએ જણાવ્યું કે, વર્ષોથી અમે પાણી માટે વલખા મારી રહ્યાં છીએ, પરંતુ હજું સુધી અમારા વિસ્તારમાં પાણી પહોંચ્યું નથી. જણાવી દઇએ કે, આ વિસ્તારના લોકો પાછલા ઘણા સમયથી નર્મદા પાણીની માંગ કરી રહ્યાં છે. વર્ષોથી લોકો ખેતી માટે અને પીવા માટે નર્મદાના પાણીની રાહ જોઈ રહ્યાં છે.
મહિલાઓએ બીબીસીના પત્રકારને જણાવ્યું કે, સિંચાઇના પાણી સિવાય પીવાના પાણીની પણ મોટી સમસ્યા છે. પરંતુ સરકારે અત્યાર સુધી તેમની સમસ્યાનો ઉકેલ કર્યો નથી. પત્રકારે એક વ્યક્તિના નિવેદનના આધારે કહ્યું કે, તમારા સાથે આવેલા ભાઇ કહે છે કે તમારા વિસ્તારમાં વિકાસ પહોંચી ગયો છે, તો એક વૃદ્ધ મહિલાએ જવાબ આપ્યો કે, વિકાસ પહોંચ્યો નથી એવું કોણ કહે છે કે વિકાસ પહોંચી ગયો છે? (સૌજન્ય- બીબીસી ગુજરાતી ન્યૂઝ)
‘કોણ કહે છે વિકાસ પહોંચ્યો છે, મરી ગયાં મોંઘવારીમાં’
અમિત શાહની રેલીમાં મહિલાઓ ભાજપ સરકાર પર જ ગુસ્સે કેમ થઈ?
વીડિયો – સાગર પટેલ@AmitShah #GujaratAssemblyPolls #Gujarat pic.twitter.com/LwLxrmjQxh
— BBC News Gujarati (@bbcnewsgujarati) December 1, 2022
તે ઉપરાંત અનેક મહિલાએ મોંઘવારી ઓછી કરવા માટેની માંગણી કરી હતી. તો કેટલીક મહિલાઓએ તેમની દૈનિક મજૂરીના પૈસા વધારવાની પણ વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, દિવસના માત્ર 300 રૂપિયા મજૂરી મળી રહી છે. જે મોંઘવારીના સમયમાં ખુબ જ ઓછી છે. તે સ્થિતિમાં પરિવારનું ભરણપોષણ કરવું ખુબ જ અઘરૂ પડી રહ્યું છે. તેવામાં તેમની મજૂરીના પૈસામાં વધારો થવો જોઈએ.
જ્યારે રેલીમાં બીજેપી દ્વારા લાવેલી મહિલાઓ જ સરકારની પોલ ખોલી રહી હતી, ત્યારે બીજેપી લઘુમતિ મોરચાના ઉપપ્રમુખે મહિલાઓ દ્વારા દર્શાવવામાં આવતી સમસ્યાઓ પર પડદો નાંખવાનું કામ કર્યું હતુ, પરંતુ તેઓ સફળ રહ્યાં નહતા. મહિલાઓએ સત્યને ઉજાગર કરવાનું ચાલું રાખ્યું હતું. અમિત શાહની રેલીમાં આવેલી મહિલાઓએ જ તેમની સરકારની કામગીરીને કેમેરા સામે જગજાહેર રીતે દર્શાવી હતી.
આ વિસ્તારની મહિલાઓ અગાઉ પણ પાણીની સમસ્યાને લઇને સત્તાધીશો પાસે પહોંચી હતી. જોકે, અત્યાર સુધી તેમની સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું નથી. તેવામાં એક વખત ફરીથી મહિલાઓને અમિત શાહની રેલીમાં જ પોતાની વાત રાખવાની તક મળી ગઈ હતી.