Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું જે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં કોરોનાનો પ્રકોપ નથી? સત્ય ડરામણું છે

શું જે રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં કોરોનાનો પ્રકોપ નથી? સત્ય ડરામણું છે

0
163

હાલમાં જ પશ્ચિમ બંગાળના ચિકિત્સકોના સંગઠન વેસ્ટ બંગાળ ડોક્ટર્સ ફોરમે ચૂંટણી પંચને પત્ર લખીને પ્રદેશમાં ચાલી રહેલા પ્રચાર અભિયાન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. દલીલ આપવામાં આવી હતી કે ચૂંટણી અભિયાનમાં કોઈપણ રીતનું સોશિયલ ડિસ્ટેન્સિંગ અને કોવિડ પ્રોટોકલનો ધ્યાન રાખવામાં આવતું નથી. એક મહિનાની અંદર કોરોનાના દસ ગણા વધારે કેસ મળી રહ્યાં છે. કોરોનાના કારણે રાજ્યની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે. પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં તો સ્થિતિ હાથમાંથી નિકળવાનો ડર છે.

અમિત શાહ પશ્ચિમ બંગાળના રાનાઘાટ દક્ષિણ, બસિરહાટ દક્ષિણથી લઈને 24 પરગનામાં ચૂંટણી રેલી અને કાર્યક્રમાં ભાગ લઈ રહ્યાં છે અને સીએમ મમતા બેનર્જી વ્હીલચેર પર વર્ધમાનમાં રેલી કરતી જોવા મળી છે. રાહુલ ગાંધી 14 એપ્રિલે ગોઆલપોખર અને નક્સલવાડીમાં પ્રચાર અભિયાનમાં રહેશે. તો આજે પીએમ મોદી પોતે અલગ-અલગ જગ્યાએ ત્રણ વિશાળ જનસભાઓને સંબોધિત કરશે.

આમ અંતે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સ્વાસ્થ્ય વિભાગ ગમે તેટલી ચિંતા ભલેને વ્યક્ત કરી લે પરંતુ રાજકીય પાર્ટીઓને તેનાથી થોડો એવો પણ ફરક પડતો નથી. બંગાળમાં સામાજિક અંતર અને કોવિડ પ્રોટોકોલને અભરાઇ ઉપર ચડાવી દેવામાં આવ્યા છે અને લોકો પાસેથી હાલમાં કોઈ જ દંડ લેવામાં આવી રહ્યો નથી. રેલીઓમાં માસ્ક વગર તમે જઈ શકો છો, ટોળાના સ્વરૂપમાં એકઠા થઈ શકો છો પરંતુ તમારા પાસેથી પોલીસની તાકાત નથી કે દંડ લે. આ બધી જ વાતો તે નેતાઓના ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ રહી છે જે કેન્દ્રથી લઈને રાજ્યોમાં મોટા બંધારણીય પદો પર બેસ્યા છે.

સ્વભાવિક છે કે, હવે તો સામાન્ય લોકો વચ્ચે તે પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે કે, શું જે રાજ્યોમાં ચૂંટણી હોય છે ત્યાં કોરોના હોતો નથી કે શું? તો આપણે ચર્ચા પણ તે મુદ્દા ઉપર જ કરી રહ્યાં છીએ કે કોરોના કાળમાં ક્યાં રાજ્યોની સ્થિતિ કેવી છે, જ્યાં ચૂંટણી ચાલી રહી છે.

પશ્ચિમ બંગાળ

પંશ્ચિમ બંગાળમાં કુલ દર્દી 6.10 લાખ છે અને કુલ મોતનો આંકડો 10 હજાર 390 છે.

પાછલા મહિને 10 માર્ચે સરેરાશ પ્રતિદિવસ 222 નવા કેસ આવી રહ્યાં હતા. 10 એપ્રિલે આ સંખ્યા 2 હજાર 691 સુધી પહોંચી ગઈ. 10 માર્ચે 5,77 લાખથી વધીને 6.10 લાખ કેસ થઈ ગયા. એક મહિનાની અંદર બંગાળમાં 33 હજાર 231 નવા દર્દી જોડાઈ ગયા છે. તેનાથી પહેલા મહિને એટલે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાનની વાત કરીએ તો એક મહિનાની અંદર 5452 નવા દર્દી મળ્યા હતા.

આનો અર્થ છે ચૂંટણી દરમિયાન ડોક્ટરોના દાવા અનુસાર દસ ગણા વધારે કેસ, બીબીસીનો રિપોર્ટ કહે છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી કોરોનાનો નવો રેકોર્ડ જોવા મળી શકે છે.

બીબીસીને આપેલા નિવેદનમાં પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગના મહામારી વિશેષજ્ઞ અનિર્વાણ દલુઈ કહે છે, “પાછલા વર્ષે 24 મેના દિવસે 208 કેસ સામે આવ્યા હતા. સંક્રમિતોની સંખ્યામાં દસ ગણો વધારો થવામાં ત્યારે બે મહિનાથી વધારેનો સમય લાગ્યો હતો. પરંતુ હવે માર્ચથી ચાર એપ્રિલ સુધી એટલે ઠિક એક મહિનામાં જ આમાં દસ ગણો વધારો થઈ ગયો છે. જો આપણે તરત જ આના પર અંકુશ લગાવવાના ઉપાય કર્યા નહીં તો મહિનાના અંત સુધી દૈનિક કેસોની સંખ્યા છથી સાત હજાર સુધી પહોંચવાની આશંકા છે.”

તમિલનાડૂ

તમિલનાડૂમાં કુલ કેસ 9 લાખ 26 હજાર 816 છે. 12 હજાર 889 લોકોના મોત થયા છે. 10 એપ્રિલે એક દિવસમાં પાંચ હજાર 989 કેસ મળ્યા છે. 10 માર્ચે એક સપ્તાહ દરમિયાન સરેરાશ નવા દર્દીઓ મળવાની સંખ્યા 564 હતી તે ઠિક એક મહિના પછી ચૂંટણની કાર્યક્રમો પછી વધીને 4 હજાર 370 પર પહોંચી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, તમિલનાડૂ એક એવો રાજ્યો છે, જ્યાં કોરોનાથી સૌથી વધારે લોકોના મોત થયા છે.

આવી સ્થિતિ ત્યારે છે, જ્યારે તમિલનાડૂમાં મતદાન એક જ તબક્કામાં 6 એપ્રિલે કરાવવામાં આવ્યા. ચૂંટણીની તારીખોની જાહેરાત પછી તમિલનાડૂમાં પણ કોરોનાના વધતો કહેર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

તમિલનાડૂ, પશ્ચિમ બંગાળ, કેરલ, અસમ અને પોડૂંચેરીમાં કુલ 824 વિધાનસભા ક્ષેત્રોમાં 18 કરોડ 68 હજાર મતદાતા છે અને લગભગ 2.7 લાખ વોટિંગ સેન્ટર્સ. આ રાજ્યોમાં 18 કરોડ મતદાતા રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે, જો નિયમો અને કડકાઈપૂર્વક પાલન વ્યવસ્થિત રીતે થશે નહીં તો આ રાજ્યોમાં ચૂંટણીનો મહિનો કહેર બનીને તૂટી શકે છે. સત્તાની લડાઈમાં મોટી સંખ્યામાં લોકો કાળનો કોળીયો બની શકે છે.

અસમ

અસમમાં કુલ દર્દી 2 લાખ 19 હજાર 985 છે, જ્યારે કુલ 1117 લોકોના મોત નોંધાઇ ચૂક્યા છે. ચૂંટણીના મહિનાની વાત કરીએ તો માર્ચમાં એક અઠવાડિયામાં કોરોનાના નવા દર્દીઓના સરેરાશ સંખ્યા 19 હતી તે વધીને 194 પર પહોંચી ગઈ. પાછલા મહિને 2 લાખ 17 હજાર 726 દર્દી હતા, તે 2 હજારથી વધીને 2 લાખ 19 હજાર 958 પર પહોંચી ગયા. 10 એપ્રિલે 240 નવા કેસ સામે આવ્યા છે.

કેરલ

કેરલમાં કુલ દર્દી 11 લાખ 60 હજાર 204 છે. જેમાં 4 હજાર 767 લોકોના મોત થયા છે. એક મહિના પહેલા એટલે 10 માર્ચે કેરલમાં સપ્તાહમાં સરેરાશ 2 હજાર 335 નવા દર્દી મળી રહ્યાં છે, જે 10 એપ્રિલે 3 હજાર 968 દર્દીઓના આંકડાઓ પર પહોંચી ગયું છે. એક મહિના પહેલા 10 લાખ 83 હજાર 530 કેસ સામે આવતા હતા તે 10 એપ્રિલ સુધી વધીને 11 લાખ 60 હજાર 204 પર જઈ પહોંચ્યા છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એક જ મહિનામાં 76 હજાર 674 કેસ નવા જોડાઈ ગયા છે.

પોંડીચેરી

પોંડીચેરીમાં કુલ 43 હજાર 737 દર્દીઓની સંખ્યા છે, જ્યારે 689 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચૂંટણીની જાહેરાતના સમયે પ્રતિદિવસે કોરોનાના 20થી 25 નવા કેસ સામે આવી રહ્યાં હતા, જે આંકડો 10 એપ્રિલ સુધી વધીને 272 નવા કેસો પર પહોંચી ગયો છે. 10 માર્ચે કુલ દર્દીઓ 39 હજાર 932 હતા, હવે તેની સંખ્યા 43 હજાર પાર પહોંચી ગઈ છે. એક મહિનાની અંદર કુલ 3805 નવા કેસ રિપોર્ટ થયા છે. જ્યારે તેનાથી પહેલા ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન એક જ મહિનામાં માત્ર 560 નવા દર્દી સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણીના આ મહિના દરમિયાન ત્યાં કોરોનાના વધતા કેસોને ખેલ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

ચૂંટણી પંચે શું કાર્યવાહી કરી?

પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોરોના વાયરસના સુરક્ષા નિયમોનું પાલન ના કરવા પર ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોની રેલીઓ પર પ્રતિબંધ લાગી શકે છે તેવું ચૂંટણી પંચનું કહેવું છે. પંચે વધતા કોરોનાના કેસોના નિયમોને નજર અંદાજ કરનારા ઉમેદવારો અને કાર્યકર્તાઓને ચેતવણી આપતા કહ્યું છે કે, નિયમોનો ઉલ્લંઘન કરનારાઓના કેસોમાં ચૂંટણી પંચ કોઈપણ પાર્ટીના ઉમેદવારો, સ્ટાર પ્રચારકો અને રાજકીય નેતાઓની જાહેર બેઠકો અને રેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં સંકોચ કરશે નહીં.

જોકે, અત્યાર સુધી ચૂંટણી પંચે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી નથી. ઉપરોક્ત બધા જ રાજ્યોમાં જોર-શોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. બંગાળમાં તો બીજેપીના નેતાઓ અને મમતા બેનર્જી વિશાળ જનસભાઓને સંબોધિત કરે છે, જ્યાં કોવિડ પ્રોટોકોલનો એકપણ નિયમ પાળવામાં આવતો હોય તેવું દેખાઇ રહ્યું નથી. ચૂંટણી પંચ પણ માત્રને માત્ર ખોખલી ધમકીઓ આપી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસના કારણે ભારતની સ્થિતિ કફોડી બની ગઇ છે. તેવામાં દેશમાં હાંહાકાર મચી ગયો છે. હોસ્પિટલો ઉભરાઈ રહી છે, તો બીજી તરફ રસીથી લઈને કોરોનામાં રક્ષણ આપતી દવાઓ સહિત ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. આવી કપરી સ્થિતિમાં જવાબદારી લેનાર કોઈ દેખાતું નથી. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશ અને દેશવાસીઓની ચિંતા છોડીને વધુ એક રાજ્યને જીતવાની કોશિશમાં લાગ્યા છે.

બંગાળ સહિત ચૂંટણીવાળા રાજ્યોમાં લાખો લોકોની જનસભાઓને સંબોધિત કરવામાં આવી રહી છે, તો મોટી-મોટી રેલીઓ કાઢવામાં આવી રહી છે. દેશના બીજા ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ બની ગઈ છે,  તો બંગાળમાં રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે કોરોનાના આંકડાઓને પણ નજર અંદાજ કરી રહ્યાં છે. બંગાળ સહિતના રાજ્યોમાં સત્તા મેળવવા માટે કરોડો લોકોના જીવન દાવ ઉપર લગાવી દેવામાં આવ્યા છે.

દેશના વડાપ્રધાન પોતે દેશવાસીઓની ચિંતા છોડીને એક રાજ્યને જીતવાની કોશિશમાં લાગ્યા છે, તો બીજી તરફ કોરોના સામે લડનાર મેનેજમેન્ટ વેર-વિખેર થઈ ગયો છે. કોરોનાના કારણે હોસ્પિટલોથી લઈને સ્મશાન ગૃહો સુધી લાઈનો લાગી ગઈ છે, લોકોના જીવ બચાવવા તંત્ર લાચાર બની ગયું છે. સાધન સામગ્રી અને જરૂરી ચીજ-વસ્તુઓના અભાવના કારણે સંખ્યા બંધ લોકોના મોત થઈ રહ્યાં છે, તેવી સ્થિતિમાં દેશના પીએમ અને ગૃહમંત્રી ચૂંટણી જીતવામાં વ્યસ્ત છે.

વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિની તો દેશમાં કોઈ ભૂમિકા ના હોય તેવું લાગી રહ્યું છે. રામનાથ કોવિંદ તો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યાં છે. દેશની સત્તા સંભાળી રહેલા લોકોના કારણે લાખો લોકોના જીવ સંકટમાં આવી ગયા હોવા છતાં રાષ્ટ્રપતિ કોઈ જ નિવેદન આપી રહ્યાં નથી.

સત્તાધારીઓ એક તરફ દેશના અનેક વિસ્તારોમાં કોરોનાનો હવાલો આપીને કડકાઇપૂર્વક નિયમો લગાવીને કરોડો રૂપિયાનો દંડ વસૂલી રહ્યાં છે. તો બીજી તરફ ચૂંટણી જીતવા અને સત્તા મેળવવા માટે લોકોના જીવની પણ પરવાહ કરી રહ્યાં નથી.

વર્તમાનમાં રાજકીય નેતાઓ હિન્દુત્વ અને અન્ય જાતિગત મુદ્દાઓને લઈને લોકોને મૂરખ બનાવી રહ્યાં છે. તો બીજી તરફ પ્રજા પણ મૂરખ બની રહી છે. તેવામાં કોરોનાકાળમાં દેશની પ્રજાએ પોતાના જીવનને બચાવવાની જવાબદારી પોતે જ લેવી પડશે. કારણ કે, તેઓએ વિકાસ, શિક્ષણ, સ્વાસ્થ્યના મુદ્દાઓ પર વોટ આપ્યા જ નથી. તેથી તેઓ રાજકીય પક્ષોને પણ પોતાના જીવને બચાવવવા માટે કહી શકે નહીં. હિન્દુત્વના નામ પર વોટ આપનારાઓ આજે સ્મશાન ગૃહોની લાઈનોમાં ઉભા રહીને વગર વાંકે અને સંશાધનના અભાવથી મરનારાઓનું અંતિમ સંસ્કાર કરવા માટે નંબર ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યાં છે, જ્યારે મુસ્લિમ કટ્ટરતાના નામે વોટ આપનારાઓ કબ્રસ્તાનમાં જેસીબીથી કબરો ખોદાવી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat