Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું ગાંધીજીની અહિંસા સામે ગોડસેની નફરત જીતી રહી છે?

શું ગાંધીજીની અહિંસા સામે ગોડસેની નફરત જીતી રહી છે?

0
12

30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી દીધી. જે વ્યક્તિ અહિંસાનો પ્રતીક હતો તેમને હિંસક મોત આપવામાં આવી. ગોડસેએ ભારતના વિભાજન માટે ગાંધીને જવાબદાર ઠેરવ્યા… તેવો વિચાર રાખવાનો ગોડસેને અધિકાર હતો. જોકે, બાપૂની હત્યા કરવાનો કોઈ જ અધિકાર તેની પાસે નહતો.

તે છતાં પણ આજે ગોડસે અને ગાંધીની હત્યા કરવાના નિર્ણયને માન આપવામાં આવે છે. તે ઉપરાંત હેતુથી વધારે ક્રૂર હત્યાની પ્રશંસા કરવામાં આવી રહી છે. આમાં કોઈ જ આશ્ચર્યની વાત નથી કે જે લોકો આજે ધર્મ સંસદમાં ગાંધીની હત્યા માટે ગોડસેની પ્રશંસા કરી રહ્યાં છે, તે લોકો ભારતના મુસ્લિમોની હત્યાનું પણ આહ્વાન કરી રહ્યાં છે.

અસલમાં ગાંધીની અહિંસા જ તેમની નફરતનું ફોકસ છે, કેમ કે એક અહિંસક ભારત… ગાંધીનું ભારત, આ નફરત ફેલાવતા લોકોનું ભારત નથી, અને દૂર્ભાગ્યથી આ લોકોની આવાઝો આજે વધારે મુખ્યધારામાં સંભળાઇ રહી છે. જોકે, તેમાંથી કેટલાક, જેમ કે યતિ નરસિંહાનંદ અને કાલીચરણ અત્યાર પોલીસ કસ્ટડીમાં છે પરંતુ અનેક આઝાદ પણ ફરી રહ્યાં છે અને તેમના નફરતી વાયરલ વીડિયો પ્રતિદિવસ હજારો વખત દેખાવામાં આવી રહ્યાં છે.

એક તરફ જ્યાં ભારતના ટોપ નેતાઓ પાસે નેહરૂને બદનામ કરવા માટે, મુસ્લિમો અને ખ્રિસ્તીઓને બદનામ કરવા માટે, કોઈને પણ એન્ટી નેશનલ કહેવાનો સમય મળી જાય છે.. પરંતુ ગાંધીની હત્યાનો જશ્ન મનાવનારાઓની નિંદા કરવાનો સમય તેમના પાસે હોતો નથી.

હાલના વર્ષોમાં દર 30 જાન્યુઆરીએ #NathuramGodseAmarRahe, #NathuramGodseZindabad ટ્રેંડ કરે છે. આના પાછળ બોટ્સ નથી પરંતુ અસલી ગોડશે પ્રશંસક છે, તેમાંથી કેટલાક હિન્દૂ મહાસભાના સભ્ય છે. તેમના મેરઠ કાર્યલાયમાં, ગોડસે અને તેમના સાથી નારાયણ આપ્ટેની મૂર્તિઓની પૂજા દર વર્ષે 15 નવેમ્બરે કરવામાં આવે છે, જે દિવસે તે બંનેને ફાંસી આપવામાં આવી હતી. ગ્વાલિયરમાં એક ગોડસે મંદિર પણ બનાવવામાં આવ્યો હતો. હત્યારાની પૂજા કરવા ઉપરાંત મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી નફરત કરવી તેમનો બીજો શૌખ છે. મહાસભાની ઉપાધ્યક્ષ સાધવી દેવા ઠાકૂર કહી ચૂકી છે કે, મુસ્લમાનો અને ખ્રિસ્તીઓની આબાદીને નિયંત્રિત કરવા માટે તેમની બળજબરીપૂર્વક નસબંધી કરાવવી જોઈએ. તેમના મહાસચિવ મુન્ના કુમાર શુક્લાનો દાવો છે કે ચર્ચ પર હુમલો કરવો એ કાયદાકીય ગુનો નથી.

તે એક ખોટી ધારણા છે કે ગોડસેના પ્રશંસક માત્ર હિન્દૂ મહાસભા સુધી જ સીમિત છે. 2014માં બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ગોડસેને દેશભક્ત કહ્યાં હતા પરંતુ તે છતાં 2019માં તેમને ચૂંટણીની ટિકિટ મળી હતી. 2019માં બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકૂરે ગોડસેને સંસદની અંદર દેશભક્ત કહ્યાં. ત્યારે ગોડસેની પ્રશંસા કરનારા બીજેપી નેતાઓનું લિસ્ટ લાંબુ થતું જઈ રહ્યું છે- મધ્ય પ્રદેશની કેબિનેટ મંત્રી ઉષા ઠાકૂર, કર્ણાટકના બીજેપી સાંસદ, અનંત કુમાર હેગડે અને નલિન કુમાર કતીલ, આંધ્ર પ્રદેશ બીજેપીના રાજ્ય સચિવ રમેશ નાયડૂ નાગોથૂ- આ બધાને ગોડસેની પ્રશંસા કરી, પરંતુ શું બીજેપીના વરિષ્ઠ નેતાઓએ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી? નહીં.

ગાંધી જયંતિ પર, 2019માં નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્ક ટાઈમ્સ માટે લેખ લખ્યો- Why India and the World Need Gandhi (શા માટે ભારત અને વિશ્વને ગાંધીની જરૂર છે) મોદીજીએ પોતાના ભાષણોમાં પણ વારં-વાર ગાંધીની પ્રશંસા કરી છે. પરંતુ જ્યારે કાલીચરણ મહારાજ ગાંધીને ગાળો આપી રહ્યો છે અને ગોડસેને ગાંધીને મારવા માટે ધન્યવાદ કહી રહ્યો છે, તેવા સમયે સન્નાટો કેમ પ્રસરી જાય છે? અને કંઈ કહેવાની જગ્યાએ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી કાલીચરણની ધરપકડનો વિરોધ કરે છે. તો પછી, ન્યૂયોર્ક ટાઈમ્સમાં તે લેખ કેમ? માત્ર ગાંધીની દુનિયામાં જે ઈજ્જત છે તેનો ફાયદો ઉઠાવવા માટે?

ગાંધીવાદી કરૂણાના વધુ એક અદ્દભૂત પાઠ માટે- શું તમે જાણો છો કે ગોડસે અને આપ્ટેને મળેલી મૃત્યુદંડની સજા વિરૂદ્ધ કોણે દલીલો આપી હતી? બાપુના જ બે પુત્ર- મણિલાલ અને રામદાસ ગાંધીએ.

વર્તમાન ભારતમાં ગોડસે હવે ગણ્યા ગાંઠ્યા લોકોનો હિરો રહ્યો નથી. ગોડસેની નફરત અને હિંસાને અપનાવીને રાજનીતિને ચમકાવવાનું કામ હવે ખુબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગાંધી અને તેમની અહિંસા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યાં છે. બધા જ દેશપ્રેમીઓ માટે આ એક ગંભીર ચિંતાનો વિષય છે. વર્તમાન સમયમાં દાવાનળની જેમ નફરત લોકોની નશોમાં ફેલાઈ ગઈ છે. તેથી અદ્રશ્ય રીતે દેશવાસીઓના ભાગલા પડી રહ્યાં છે, સાથે રહીને પણ તેઓ એકબીજાથી દૂર થઈ રહ્યાં છે. વર્તમાન સમયમાં દિલો ઉપર પ્રેમની જગ્યાએ નફરતનો કબ્જો થઈ રહ્યો છે.

જો આવું જ ચાલતું રહ્યું તો આગામી સમયમાં નફરત અને હિંસા એટલા પ્રમાણમાં વધી જશે કે દેશની અંદર અરાજકતાનો માહોલ ઉભો થઈ જશે. રાજનીતિ થકી પોતાની સુુરક્ષા સુનિશ્ચિત કરી ચૂકેલા અને કરોડપતિ લોકોને તો કોઈ વાતની ચિંતા નથી પરંતુ સામાન્ય જનતા કે જેઓ નફરતના ઘૂંટડા ભરી રહી છે તેમનો અંત ચોક્કસ આવી જશે. ગોડસેને ગોડ ફાધર માનનારાઓ દેશને સ્મશાન બનાવીને છોડી દેશે. માત્ર ગાંધીની અહિંસા જ છે જે વિકાસના રસ્તા ઉપર લઈ જઈ શકે છે, જે જીવંત રાખી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat