Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શું ખરેખર ધમણ-1 નકલી વેન્ટિલેટર મશીન છે? રાજ્ય સરકાર શંકાના દાયરામાં

શું ખરેખર ધમણ-1 નકલી વેન્ટિલેટર મશીન છે? રાજ્ય સરકાર શંકાના દાયરામાં

0
1033

ગાંધીનગર, શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓ માટે કાર્યરત અને રાજકોટની એક ખાનગી કંપનીએ બનાવેલા સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 (Make in Gujarat ventilator Dhaman-1) નકલી હોવાના ખુલાસાઓ સામે આવતા હોબાળો મચી ગયો છે. રાજ્ય સરકાર અને કોંગ્રેસ (Congress) ધમણ-1 મુદ્દે આમને સામને આવી ગયા છે. કોંગ્રેસે હવે ફરી એકવાર નીતિન પટેલ (Dy CM Nitin Patel)ને જવાબ આપતા કહ્યુ છે કે, ધમણના કારણે અનેક લોકોનાં મોત થયા છે. જેના પાપના ભાગીદાર નાયબ મુખ્યમંત્રી પણ એટલા જ છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, “સરકારે કંપનીનું માર્કેટિંગ કરવાના બદલે ગુજરાતની જનતા માટે કામ કરવું જોઇએ. જે દિવસે ધમણના નિર્માતાઓએ ધમણ-1ની મર્યાદાઓની વાત કરી ત્યારે નીતિનભાઇએ કહેવાની જરૂર હતી કે આ વેન્ટિલેટર નથી, માત્ર ઓક્સિજન સપ્લાય કરવાનું મશીન છે. વેન્ટિલેટરના નામે જે પ્રસિદ્ધિ કરવામાં આવી તેને બંધ કરવી જોઇએ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ પાપમાં ભાગીદાર લાગી રહ્યા છે. તેઓ આટલા દિવસ લૉકડાઉનમાં એસીમાં ઘરમાં રહ્યા છે, બહાર નીકળ્યા નથી. સિવિલના ડૉક્ટરે પત્ર લખ્યા બાદ સરકાર જાગી છે. ઘમણ-1માં જે અખતરા કરવાના હતા તે પહેલા કરવાની જરૂર હતી. એ ન કર્યા હોવાથી હવે ગુજરાતીન જનતા પર અખતરા કરી રહ્યા છે.”

વધુમાં ચાવડાએ કહ્યુ હતુ કે, સરકાર ધમણ-1 મફત મળ્યાની વાત વાગોળે છે. અમે ધમણનો વિરોધ કે ભ્રષ્ટાચારની વાત ક્યારેય નથી કરી. આજે મોતનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં ગુજરાતનો આંક સૌથી વધારે છે. જો તપાસ થાય તો તેનું કારણ ધમણ-1 નીકળશે. કોઈ મફતમાં ઝેર આપે તો તે ન ખાઈ લેવાય કે ન તે તેની વહેંચણી કરાય. લોકોને મોતના મુખમાં મોકલવાનુ કામ સરકાર કરી રહી છે. નીતિન પટેલને વિનંતી કે આરોગ્ય મંત્રી તરીકે તમારી જવાબદારી છે કે ધમણ-1નાં કારણે કોઇ દર્દીનું મોત ન થાય. ફરી ચકાસણી કરી જેટલા ધમણ-1 ઇન્સ્ટોલ કર્યા છે એ પરત ખેંચો. ધમણના નિર્માતાએ ગુજરાને મફત વેન્ટિલેટર આપીને આખા દેશ દુનિયામાંથી ઓર્ડર મેળવ્યા છે. આ એક ષડયંત્ર છે, જેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતુ કે, “ગુજરાતની જનતાની કોરોના સંક્રમણના કપરા સમયે સેવા કરવા ગુજરાતના જ યુવા ઊદ્યોગ સાહસિકે 1 હજાર વેન્ટિલેટર સરકારને વિના મૂલ્યે ભેટમાં આપ્યા છે. કોઇ કૌભાંડ થયું જ નથી. કોંગ્રેસ ધમણ-1ના નામે રાજનીતિ કરવાનું બંધ કરે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની મિત્રતા નિભાવવા વેન્ટિલેટર ખરીદ્યા છે તે તદ્દન પાયાવિહોણી છે.”

ધમણ-1નો વિવાદ નેશનલ લેવલે પહોંચી ગયો હોવાના કારણે પોંડૂચેરીના મુખ્યમંત્રી વી. નારાયણ સ્વામીએ ધમણ-1ના ઓર્ડર રદ્દ કરી દીધા છે.

Covid-19: શું ગુજરાતના કબ્રસ્તાન અને સ્મશાન ગૃહ ઉભરાઈ જશે?