Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPLમાં દિલ્હી કેપિટલ્સનો રાજસ્થાન રોયલ્સ સામે 13 રને વિજય

IPLમાં દિલ્હી કેપિટલ્સનો રાજસ્થાન રોયલ્સ સામે 13 રને વિજય

0
85

દુબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દિલ્હી કેપિટલ્સે(IPL-Delhi capitals wins) તેના પ્રમાણમાં નીચા સ્કોરનું રક્ષણ કરવામાં સફળતા મેળવતા રાજસ્થાન રોયલ્સને 13 રને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સે 7 વિકેટે 161 રન કર્યા હતા તેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ 8 વિકેટે 148 રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી તુષાર દેશપાંડે અને એ નોર્ટજેએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે રબાડા, અશ્વિન અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.

સ્ટોક્સ-સેમસન આઉટ થતાં મેચ હાથમાંથી સરકી

દિલ્હી કેપિટલ્સે આપેલા 162 રનના લક્ષ્ય સામે રાજસ્થાન રોયલ્સે (IPL-Delhi capitals wins)પહેલી ત્રણ ઓવરમાં જ 37 રન કર્યા ત્યારે તેના માટે આ લક્ષ્યાંક એકદમ સરળ લાગતો હતો. પરંતુ બેન સ્ટોક્સ અને સંજુ સેમ્સન ટૂંકા સમયગાળામાં આઉટ થયા તે બાબત તેમના માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. તેના પછી રાજસ્થાન રોયલ્સના હાથમાંથી મેચ સરકી ગઈ હતી. બટલરના 41 રન અને ઉથપ્પાના 32 રનને બાદ કરતાં રાજસ્થાન રોયલ્સનો કોઈપણ ખેલાડી આ વખતે ખાસ રમત દાખવી શક્યો ન હતો. તેમા પણ પરાગના સ્વરૂપમાં પાંચમી વિકેટ પડવાની સાથે તેનો પરાજય નિશ્ચિત થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ વનડેમાં પસંદગી છતાં રમવાથી વંચિત પૂર્વ રણજી ખેલાડીએ કરી આત્મહત્યા

આઇપીએલનો ફાસ્ટેસ્ટ બોલ નાખતો નોર્ત્જે

આ મેચમાં દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર નોર્ત્ઝેએ આઇપીએલ 2020ની સૌથી ફાસ્ટ બોલ ફેંકી હતી. તેણે કલાકના 156.22 કિલોમીટરની ઝડપે બોલ ફેંક્યો હતો. આ બોલ આઇપીએલના ઇતિહાસનો સૌથી ફાસ્ટેસ્ટ બોલ છે. જો કે તે બોલે ચોગ્ગો ગયો હતો. તેના પછીનો બોલ તેણે 155.21 કિલોમીટરની ઝડપે ફેંકીને બટલરને બોલ્ડ કર્યો હતો. આ બંને બોલને આઇપીએલના અત્યાર સુધીના ઇતિહાસના સૌથી ફાસ્ટ બોલ મનાય છે. આ પહેલા સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેઇનના નામે હતો. જ્યારે જોફ્રા આર્ચરે આ સીઝનમાં 153.36ની સ્પીડે બોલ ફેંક્યો હતો.

આ પણ વાંચોઃ વિકૃતિની હદ થઇ ગઇઃ CSK હારતા Dhoniની પુત્રી જીવા પર રેપની ધમકી

આ પહેલા દિલ્હીએ બેટિંગમાં ઉતર્યા પછી દસ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પૃથ્વી શો ખાતુ પણ ખોલી શક્યો ન હતો અને જોફ્રા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે રહાણે ઉથપ્પાના હાથમાં ઝીલાતા ફક્ત બે રન કરી પેવેલિયન ભેગો થયો હતો. પણ તેના પછી કેપ્ટન શ્રેયસ ઐયર અને શિખર ધવન વચ્ચે 85 રનની ભાગીદારી નોંધાઈ હતી.

જો કે તે બંનેના આઉટ થયા પછી દિલ્હી કેપિટલ્સ અપેક્ષા મુજબનો સ્કોર કરી શક્યું ન હતું. રાજસ્થાન રોયલ્સના બોલરોએ તેને 161 રન સુધી મર્યાદિત રાખવામાં સફળતા મેળવી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી જોફ્રા આર્ચરે ત્રણ, જયદેવ ઉનડકટે બે, કાર્તિક ત્યાગી અને એસ ગોપાલે એક-એક વિકેટ ઝડપી હતી.