Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 2020 PLAYOFF: ફાઇનલમાં પહોચવા માટે DCVsSRH વચ્ચે ટક્કર

IPL 2020 PLAYOFF: ફાઇનલમાં પહોચવા માટે DCVsSRH વચ્ચે ટક્કર

0
118

IPL 2020 PLAYOFFની બીજી ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઇનલમાં 10 નવેમ્બરે મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ ડેવિડ વોર્નરની કેપ્ટન્સીમાં એક વખત IPLનો ખિતાબ જીતી ચુકી છે જ્યારે દિલ્હી કેપિટલ્સ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટ જીતવાના પ્રયાસ સાથે મેદાનમાં ઉતરશે. સાંજે 7:30 કલાકથી મેચ રમાશે.

અબુધાબીમાં શુક્રવારે રમાયેલા એલીમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને છ વિકેટે હરાવીને ક્વોલિફાયર-2માં પહોચી છે જ્યારે દિલ્હી કેપિટલ્સનો મુંબઇ ઇન્ડિયન્સ સામે પરાજય થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે તમામ ઉતાર-ચઢાવ પછી પ્લે ઓફમાં જગ્યા બનાવી છે. હૈદરાબાદે અંતિમ લીગ મેચમાં ગત વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને 10 વિકેટે હરાવ્યુ હતું. મુંબઇ તે મેચમાં પુરી તાકાતથી ના ઉતરી શકી કારણ કે ત્યારે જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા નહતા રમી રહ્યા પરંતુ મુંબઇ પાસે તો દરેક ખેલાડીનો વિકલ્પ છે માટે માત્ર તેમના ના રમવાથી હૈદરાબાદની જીતનું મહત્વ ઓછુ નથી થઇ જતુ. તે મેચમાં હૈદરાબાદે પહેલા મુંબઇને 8 વિકેટે 149 રને રોકી દીધી હતી અને તે પછી કેપ્ટન ડેવિડ વોર્નરના અણનમ 85 અને રિદ્ધિમાન સાહાના અણનમ 58 રનની મદદથી જીત મેળવી હતી. હૈદરાબાદે મુંબઇ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ લીગ મેચમાં આસાનીથી 5 વિકેટે હરાવ્યુ હતું.

હૈદરાબાદની ધારદાર બોલિંગ

પ્લે ઓફમાં પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ દિલ્હીના શિખર ધવન, પૃથ્વી શો અને અજિંક્ય રહાણે પોતાનું ખાતુ પણ ખોલી શક્યા નહતા તો કેપ્ટન શ્રેયસ અય્યર પણ સારૂ પ્રદર્શન કરી શક્યો નહતો. ટીમના કોચ રીકિ પોન્ટિંગે રિષભ પંત સાથે લાંબી વાતચીત કરતા તેના બેટમાંથી રન ના બન્યા જેટલા બનવા જોઇતા હતા. બોલિંગમાં રબાડા અને નોર્ખિયાની મુંબઇના બેટ્સમેનોએ ધોલાઇ કરી હતી. તેને જોતા એમ કહી શકાય કે દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદનું મનોબળ વધુ હશે.

હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર અત્યાર સુધી આ સીઝનમાં 15 મેચમાં 546 રન બનાવી ચુક્યો છે. દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન પણ 2 સદીની મદદથી 15 મેચમાં 525 રન બનાવી ચુક્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: બાળકોના જીવના જોખમે ચાલતી રાણીપની જ્ઞાનદીપ સ્કૂલ

હૈદરાબાદની ટીમમાં રાશિદ ખાન, શાહબાજ નદીમ અને ફાસ્ટ બોલર સંદીપ શર્મા તેમજ જેસન હોલ્ડર અને ટી.નટરાજન જેવા બોલર વિરોધી બેટ્સમેન પર ભારે પડી શકે છે. બેટિંગમાં પણ ડેવિડ વોર્નર જે અંદાજથી રમી રહ્યો છે. જો રિદ્ધિમાન સાહા પણ ફિટ થઇ ગયો તો હૈદરાબાદની બેટિંગ લાઇન અપ મજબૂત બની જશે. મનિષ પાંડે મિડલ ઓર્ડરની જવાબદારી સારી રીતે સંભાળી રહ્યો છે. કેન વિલિયમસન પણ મિડલ ઓર્ડરમાં ગમે તેવા પ્રેશર સામે ટીમને એકલા હાથે મેચ જીતાડવાનું દમ ધરાવે છે. જેસન હોલ્ડર પણ ઓલ રાઉન્ડ પ્રદર્શન દ્વારા ટીમને કેટલીક મેચ જીતાડી ચુક્યો છે.

બન્ને સંભવિત ટીમ આ રીતે છે

દિલ્હી કેપિટલ્સ: શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમેયર, રિષભ પંત (વિકેટકીપર), આર.અશ્વિન, અક્ષર પટેલ, કાગિસો રબાડા, નોર્ખિયા

સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નર (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, મનિષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, જેસન હોલ્ડર, અબ્દુલ શમદ, રાશિદ ખાન, શાહબાજ નદીમ, સંદીપ શર્મા, ટી. નટરાજન