Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 2020 PLAY OFF: RCBVsSRH વચ્ચે કરો યા મરોનો મુકાબલો, જે ટીમ હારશે તે થશે બહાર

IPL 2020 PLAY OFF: RCBVsSRH વચ્ચે કરો યા મરોનો મુકાબલો, જે ટીમ હારશે તે થશે બહાર

0
89

IPL 2020નો (IPL 2020 Play Off) એલિમિનેટર મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી અબુ ધાબીના શેખ જાયદ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલાને જીતનારી ટીમ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ બીજી ક્વોલિફાયર મેચ રમાશે. બીજી તરફ હારનારી ટીમ માટે ટૂર્નામેન્ટ પૂર્ણ થઇ જશે. હૈદરાબાદ વિરૂદ્ધ આ મહત્વના મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ક્રિસ મોરિસ અને નવદીપ સૈનીની વાપસી થઇ શકે છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ પણ અબુ ધાબીની પીચને જોતા ટીમમાં કેટલાક બદલાવ કરી શકે છે.

IPL 2020માં બન્ને ટીમ 1-1 મેચ જીતી

(IPL 2020 PLAY OFF) સીઝનમાં બન્ને ટીમ વચ્ચે 2 મેચ રમાઇ છે જેમાંથી એક મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ જ્યારે એક મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ જીતી હતી. દુબઇમાં રમાયેલી સીઝનની ત્રીજી મેચમાં બેંગ્લુરૂએ હૈદરાબાદને 10 રને હરાવ્યુ હતું. તે પછી શારજાહમાં સીઝનની 52મી મેચમાં હૈદરાબાદે બેંગલુરૂને 5 વિકેટે હરાવ્યુ હતું.

વોર્નરના નામે સીઝનમાં 500+ રન

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે આ સીઝનમાં અત્યાર સુધી 44.08ની એવરેજથી 529 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે. તે 6 સીઝનમાં 500થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ છે. વોર્નર સિવાય ટીમમાં મનીષ પાંડે (380), જોની બેરિસ્ટો (345) અને રિદ્ધિમાન સાહા (214) બેટિંગની જવાબદારી હશે.

આ પણ વાંચો: બુમરાહે ઘાતક બોલિંગથી IPLમાં બનાવ્યો મોટો રેકોર્ડ, પર્પલ કેપ પર જમાવ્યો કબ્જો

રાશિદ-નટરાજન ટોપ વિકેટ ટેકર

સનરાઇઝર્સ હૈદરાબાદમાં બોલિંગનો દારોમદાર રાશિદ ખાન અને ટી નટરાજન પર રહેશે. રાશિદે સીઝનમાં ટીમ માટે સૌથી વધુ 19 વિકેટ ઝડપી છે. નટરાજનના નામે 14 વિકેટ છે. સંદીપ શર્મા 13 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.

પડિક્કલ-કોહલી બેંગલુરૂના ટોપ સ્કોરર

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે દેવદત પડિક્કલે સીઝનમાં સૌથી વધુ 472 રન બનાવ્યા છે. તે બાદ કેપ્ટન વિરાટ કોહલીનો નંબર આવે છે, જેણે સીઝનમાં અત્યાર સુધી 460 રન બનાવ્યા છે. એબીડી વિલિયર્સ 398 રન સાથે ત્રીજા સ્થાન પર છે.

સીઝનના ટોપ-5 બોલર્સમાં ચહલ એકમાત્ર સ્પિનર

સીઝનમાં પર્પલ કેપના દાવેદારોમાં ટોપ-5માં બેંગલુરૂનો યુઝવેન્દ્ર ચહલ એકમાત્ર સ્પિનર છે. ચહલે સીઝનમાં અત્યાર સુધી 20 વિકેટ ઝડપી છે. ચહલ પછી ક્રિસ મોરિસ 11 વિકેટ સાથે બીજા નંબર પર છે.

બન્ને સંભવિત ટીમની પ્લેઇંગ ઇલેવન

સનરાઇઝર્સ હૈદરાબાદ: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ડેવિડ વોર્નર (કેપ્ટન), મનિષ પાંડે, કેન વિલિયમસન, અબ્દુલ સમદ, પ્રિયમ ગર્ગ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, શાહબાજ નદીમ, ટી નટરાજન અને સંદીપ શર્મા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: દેવદત્ત પડ્ડિકલ, એરોન ફિન્ચ, વિરાટ કોહલી (કેપ્ટન), એબીડી વિલિયર્સ, મોઇન અલી/ક્રિસ મોરિસ, ગુરકીરત સિંહ માન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ