નવી દિલ્હી: ભારતીય રૂપિયો પ્રતિદિવસ ઘસાતો જઈ રહ્યો છે અને અમેરિકન ડોલરની સરખામણીમાં નવા રેકોર્ડે નીચલા સ્તર પર પહોંચવાના સમાચાર અઠવાડિયામાં અનેક વખત જોવા મળે છે. અસલમાં રૂપિયાની કિંમતમાં ઘટાડો કંઇ નવી વાત નથી, કેમ કે આઝાદી પછી રૂપિયાની કિંમત ખુબ જ ઘટી ગઈ છે, પરંતુ તેના અનેક કારણો રહ્યાં છે. પરંતુ જ્યારે 2014માં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સત્તામાં આવ્યું, ત્યારથી લઇને પણ રૂપિયામાં અત્યાર સુધી લગભગ 42 ટકા ઘટાડો આવી ચૂક્યો છે, જે ખુબ જ વધારે છે.
Advertisement
Advertisement
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના આર્કાઈવ અનુસાર જે દિવસે PM નરેન્દ્ર મોદી પહેલીવાર પીએમ પદના શપથ લીધા હતા, એટલે કે 26 મે, 2014ના રોજ યુએસ ડોલર સામે રૂપિયો 58.58 પર બંધ થયો હતો અને આજે એટલે કે ઓક્ટોબર 20, 2022ના ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 83.12ના સ્તરે પહોંચ્યો હતો, જે 41.89 ટકા વધારે છે. એટલું જ નહીં, 3 મે, 2004ના રોજ યુએસ ડૉલરની કિંમત 44.97 રૂપિયા હતી અને પછીના 10 વર્ષોમાં (58.58 સુધી પહોંચતા) તેમાં 30.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
હવે છેલ્લા આઠ વર્ષમાં રૂપિયાનું અવમૂલ્યન ઐતિહાસિક છે અને તે મોદી યુગમાં લગભગ 42 ટકાના ઘટાડા સાથે રૂપિયા 83ની સપાટીને પાર કરી ગયો છે. બુધવારે ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગ દરમિયાન રૂપિયો અમેરિકી ડૉલરના મુકાબલે 83ના સ્તરને પાર કરી ગયો હતો, પરંતુ તે 82.37 પર બંધ રહ્યો હતો. પરંતુ ગુરુવારે ફરી એકવાર તે ટ્રેડિંગ દરમિયાન 83 રૂપિયાના સ્તરને વટાવીને 83.12ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.
ઉલ્લેખનિય છે કે 2 મે, 2022ના રોજ રૂપિયાની કિંમત આ વર્ષે 76.43 રૂપિયા હતી અને એપ્રિલથી રૂપિયો આ સ્તરે જ રહ્યો હતો. 2 જૂન, 2022 સુધીમાં તેમાં લગભગ 1.5 ટકાનો ઘટાડો થયો અને 77.58 પર પહોંચી ગયો. આ પછી 1 જુલાઈ, 2022 સુધી તે જૂનની તુલનામાં 1.95 ટકા ઘટ્યો અને તે 79.09 પર પહોંચી ગયો. ઓગસ્ટ સુધીમાં આ ઘટાડો કંઈક અંશે અટકી ગયો અને રૂપિયો 1 ઓગસ્ટ, 2022 ના રોજ આખા મહિનામાં માત્ર 0.08 ટકાના ઘટાડા સાથે 79.16 ના સ્તરે પહોંચ્યો હતો.
આ પછી તે 1 સપ્ટેમ્બર 2022 ના રોજ 79.39 પર પહોંચી ગયો હતો અને છેલ્લા એક મહિના દરમિયાન તેમાં કુલ 0.29 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઑક્ટોબર 3, 2022 સુધીમાં તે ફરી એકવાર 2.96 ટકા ઘટ્યો અને 81.74 પર બંધ થયો. હવે છેલ્લા 19 દિવસમાં રૂપિયાની કિંમત 1.68 ટકા ઘટીને 83.12 પર તેના સૌથી નીચા સ્તરે ટ્રેડ થઈ રહી છે.
Advertisement