- મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે લોકો જેટલું કમાય છે એટલું જ ઘર ચલાવવા પાછળ વપરાય જાય છે, બચતના નામે તો મીંડું જ વળી જાય છે
- આંગડીના વેઢે ગણાય એટલી આમદની, બીજી બાજુ ગણતરી જ ન કરી શકાય એટલા રૂપિયા પરિવારના ભરણ પોષણ પાછળ વપરાય
- ભાવ વધારા મુદ્દે જે અવાજ ઉઠાવે છે એને સીધે સીધો દેશ વિરોધી ચીતરી દેવામાં આવે છે, દેશ ભક્તિ અને ભાવ વધારાને શુ લેવા દેવા છે?? શુ અન્યાય સામે અવાજ ઉઠાવનારને દેશ ભક્ત ન કહેવાય?
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સરકાર કહે છે કે દેશમાં બેરોજગારી ઘટી છે, સરકારની એ વાતને અવગણી શકાય એમ પણ નથી.પરંતુ મોંઘવારી જ એટલી હદે વધી ગઈ છે કે લોકો જેટલું કમાય છે એટલું જ ઘર ચલાવવા પાછળ વપરાય જાય છે, બચતના નામે તો મીંડું જ વળી જાય છે.સરકારે પેહલા પેટ્રોલ, ડીઝલના ભાવો વધાર્યા અને પછી લોકોને ખુશ કરવા થોડા ઘટાડયા પણ ખરા.પેટ્રોલ, ડીઝલના ભાવ વધારવા અને ઘટાડવા પાછળનું ગણિત માત્ર એટલું જ કે ચૂંટણી પહેલા લોકોના મગજમાં એક વાત ઠુસાવી દેવી કે અમે પણ જનતાનું કઈક વિચારીએ છીએ, અમે જનતાની પરેશાની સમજીએ છીએ.
સામાન્ય લોકોની જો વાત કરીએ તો મોંઘવારી સામે એમની કમાણીની તો બિલકુલ પણ ગણતરી જ ન કરાય.આજે કોઈ આત્મહત્યા કરે, ચોરી કરે કે લૂંટ ફાટ કરે એની પાછળનું મુખ્ય કારણ જ મોંઘવારી છે.એક તો આંગડીના વેઢે ગણાય એટલી એમની આમદની હોય તો બીજી બાજુ ગણતરી જ ન કરી શકાય એટલા રૂપિયા પરિવારના ભરણ પોષણ પાછળ વપરાતા હોય.પેહલાના જમાનાની જો વાત કરીએ તો ઘરનો એક સભ્ય કમાય તો આખું પરિવાર પોષાઈ જતું હતું જ્યારે હાલમાં તો ઘરના દરેક સભ્યોની કમાણીથી પણ પૂરું થતું નથી.
સરકારે પેટ્રોલ, ડીઝલના ભાવ જરૂર ઘટાડયા પણ એની સામે રાંધણ ગેસ અને વિજબીલના ભાવ વધારી દીધા છે.એટલે સરકાર પણ લોકોને કાન અવળા હાથે પકડાવે છે.પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટાડાની ખોટ રાંધણ ગેસ અને વિજબીલના ભાવો વધારી પુરી કરી દીધી.પરંતુ લોકો પણ એ ક્યાં સમજે છે, લોકો તો બસ પેટ્રોલ, ડિઝલનો ભાવ ઘટ્યો એની ખુશીમાં જ રાચે છે.અને આ ભાવ વધારા મુદ્દે જે અવાજ ઉઠાવે છે એને સીધે સીધો દેશ વિરોધી ચીતરી દેવામાં આવે છે.દેશ ભક્તિ અને ભાવ વધારાને શુ લેવા દેવા છે?? શુ અન્યાય સામે અવાજ ઉઠાવનારને દેશ ભક્ત ન કહેવાય??
મોંઘવારી મુદ્દે જે કોઈ પણ વ્યક્તિ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણે એમાં ખોટું શું છે, લોકો વ્યક્તિગત નરેન્દ્ર મોદીને નહિ પણ એમના વડાપ્રધાનના પદને જવાબદાર ગણે છે.દેશના સર્વોચ્ચ સ્થાન પર બેઠેલો વ્યક્તિ જો સામાન્ય માણસનું નહિ વિચારે તો બીજું કોણ વિચારશે?? વડાપ્રધાનનો વિરોધ એટલે કે નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો એ દેશ વિરોધી છે? ના બિલકુલ નહીં.જો અન્યાય મુદ્દે વિરોધ કરનારને લોકો દેશ વિરોધી તરીકે ગણે તો એને હિટલરશાહી જ કહી શકાય લોકશાહી તો બિલકુલ ન કહી શકાય.આઝાદી પેહલા અંગ્રેજોના શાસન વખતે ભારતીયો અન્યાય સામે જે લડત લડતા હતા, તો એવા લોકોને સજા ફરમાવતી હતી.હાલમાં પણ કંઇક એવું જ છે, બસ ફરક એટલો જ છે કે વિરોધીઓને સજા નથી ફરમાવાતી ફક્ત દેશ વિરોધીનું બિરુદ આપી બદનામ કરાય છે.
એક સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિને ધ્યાનમાં રાખી સરકાર જો નિર્ણયો કરતી હોય તો કદાચ લોકોની હાલત આટલી દયનિય થાય જ નહિ.આજે ભાજપની સરકાર છે એટલે સ્થિતિ બગડે તો વિરોધ થાય એ સ્વાભાવિક છે.અત્યારે જે કોઈ પણ સરકારનો વિરોધ કરે છે એને એમ કહી ચુપ કરી દેવાય છે કે ભૂતકાળમાં 60 વર્ષોમાં કોંગ્રેસે પણ કંઈજ કર્યું નથી.ચાલો એવું માની લઈએ કે કોંગ્રેસે કંઈજ કર્યું નથી, પણ અત્યારની સરકાર ભૂતકાળની સરકારની નાકમિયાબીનો જ પ્રચાર કરે અને પોતાની સરકારની ત્રુટીઓ છૂપાવવાનો પ્રયાસ કરે એ કેટલે અંશે વ્યાજબી કહેવાય???
જો અત્યારે કોંગ્રેસની સરકાર હોત અને સ્થિતિ ખરાબ હોત તો પણ એટલો જ વિરોધ થાત, અને કરવો પણ જોઈએ.આજે તો દિવસો એવા આવી ગયા છે કે તહેવારોની જે ઉજવણી પેહલા 100 રૂપિયામાં થતી હતી એ જ ઉજવણી અત્યારે 1000 રૂપિયામાં થાય છે.મોંઘવારી અને સોંઘવારી વચ્ચેનો ફરક દેશના અમીરો, દેશના નેતાઓને નહિ દેખાય, એ તો ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિને જ દેખાશે.કોરોના કાળ લગભગ પૂરો થયો, 2 વર્ષ બાદ પહેલો એવો દિવાળીનો તહેવાર આવ્યો કે જેની ઉજવણી લોકો ધુમધામથી કરતા હોય છે.પણ કોરોના કાળમાં ધંધા રોજગાર બંધ હતા એમાં ઉપરથી આ કારમી મોંઘવારી, કેટલાયે પરિવાર એવા હશે કે જેમણે દીવાળીનો તહેવાર મનાવવાનું માંડી વાળ્યું હશે.
કેટલાયે માતા-પિતા એવા હશે કે જેમણે પોતાના સંતાનોની જીદ પુરી કરી નહિ હોય.શુ એવા લોકોને ખુશી મનાવવાનો અધિકાર નથી??? પણ આ કારમી મોંઘવારીએ લોકોની ખુશી છીનવી લીધી છે એમ કહીએ તો બિલકુલ ખોટું નથી. લોકો અને ખાસ કરીને ગરીબ-મધ્યમ પરિવારના લોકો એમ ઈચ્છી રહ્યાં કે ભલે અમે ધામ ધૂમથી કોઈ તેહવાર ન ઉજવીએ પણ 3 ટંકનું જમવાનું મળી રહે અને પોતાના સંતાનોને સારું ગુણવત્તાવાળું શિક્ષણ આપી શકીએ તો યે બસ છે.