સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વન ડે મેચમાં રોમાંચક 12 રને જીત મેળવી હતી. ભારતે 349 રન બનાવવા છતા એક સમયે હાર તરફ ધકેલાઇ ગયુ હતુ. જોકે, અંતિમ ઓવરમાં શાર્દુલ ઠાકુરે માઇકલ બ્રેસવેલને એલબી આઉટ કરીને ભારતને 12 રને મેચ જીતાડી હતી. ભારત તરફથી બેવડી સદી ફટકારનારા શુભમન ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડના માઇકલ બ્રેસવેલે 140 રનની ઇનિંગ રમી હતી.
Advertisement
ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. પડકારનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી માઇકલ બ્રેસવેલ આઉટ થનારો અંતિમ બેટ્સમેન રહ્યો હતો અને આ પહેલા તેને લોકોના દિલ જીતી લીધા હતા. માઇકલ બ્રેસવેલે 12 ફોર અને 10 સિક્સરની મદદથી 78 બોલમાં 140 રન બનાવ્યા હતા. માઇકલ બ્રેસવેલની આ ઇનિંગ એટલા માટે ખાસ હતી કારણ કે તે 7માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 28.4 ઓવરમાં 6 વિકેટે 131 રન હતો.
આ પહેલા ભારતે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. શુભમન ગિલે બેવડી સદી ફટકારી હતી.શુભમન ગિલે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. આ દરમિયાન 19 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. શુભમન ગિલ બેવડી સદી ફટકારનાર સૌથી યંગ બેટ્સમેન બન્યો હતો. શુભમન ગિલ ભારત તરફથી વન ડેમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો હતો.
શુભમન ગિલ પહેલા સચિન તેંડુલકર, રોહિત શર્મા, વિરેન્દ્ર સહેવાગ અને ઇશાન કિશન બેવડી સદી ફટકારી ચુક્યા છે.