Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના સામે જંગ: Covid-19ની વૅક્સીનને લઈને શું કરી રહ્યું છે ભારત? સરકારે આપી જાણકારી

કોરોના સામે જંગ: Covid-19ની વૅક્સીનને લઈને શું કરી રહ્યું છે ભારત? સરકારે આપી જાણકારી

0
269

નવી દિલ્હી: વિશ્વભરના દેશો કોરોના વાઈરસના ખાત્મા માટે વૅક્સીન બને તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેની વૅક્સીન બનાવવાની દિશામાં 100થી વધુ રિસર્ચ થઈ રહ્યાં છે. જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ સફળતા નથી મળી શકી. ભારતમાં પણ વૅક્સીન બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, પરંતુ વૅક્સીન આવતા હજુ પણ એક વર્ષ સુધીનો સમય થઈ શકે છે. વૅક્સીનને લઈને ખુદ સરકારે આ જાણકારી આપી છે.

આ અંગે ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજય રાઘવને જણાવ્યું કે, વૅક્સીન અમે સામાન્ય લોકોને આપીએ છીએ, બીમાર કે લાસ્ટ સ્ટેજના દર્દીઓને નહીં. એટલા માટે જરૂરી છે કે, વૅક્સીનની ક્વૉલિટી અને સેફ્ટીને સંપૂર્ણ રીતે ટેસ્ટ કરવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે વૅક્સીન 10-15 વર્ષે બને છે અને તેનો ખર્ચ પણ 200 મિલિયન ડૉલરના આસપાસ થાય છે. હવે અમારો પ્રયત્ન છે કે, તેને એક વર્ષમાં જ વિક્સાવવામાં આવે. આ માટે એક વેક્સીન પર કામ કરવાની જગ્યાએ અમે 100થી વધુ વૅક્સીન પર કામ કરી રહ્યાં છીએ.

પ્રો. રાઘવને જણાવ્યું કે, મહામારીને જોતા માત્ર એક પ્રકારની નહીં, પરંતુ અનેક પ્રકારની વૅક્સીન બનાવવા માટે રોકાણની જરૂરત પડશે, જે થોડી મોંઘી પણ પડશે. ભારતમાં 30 ગ્રુપ એવા છે, જે વૅક્સીન શોધવા પર કામ કરી રહ્યાં છે. જેમાં મોટી-મોટી કંપનીઓથી લઈને નવા સ્ટાર્ટઅપ પણ સામેલ છે. જ્યાં સુધી વૅક્સીન કે દવા ના આવે, ત્યાં સુધી લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાના સહારે જ આ મહામારી સામે લડવું પડશે.

કોરોના વાઈરસની વૅક્સીન બનાવવામાં વ્યસ્ત અમેરિકન કંપની મૉર્ડર્નાને હ્યૂમન ટ્રાયલના ફેઝ-1માં સારૂં પરિણામ મળ્યું છે. 8 સ્વસ્થ લોકોમાં આ વૅક્સીન કેન્ડિડેટથી સંક્રમણ વિરૂદ્ધ ઈમ્યૂન રિસ્પોન્સ જોવા મળ્યું અને તે સુરક્ષિત જણાઈ છે. હ્યુમન ટ્રાયલનો બીજો ફેઝ પણ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. જેમાં વધુ લોકો પર આ વૅક્સીન કેન્ડિડેટની અસર પારખવામાં આવશે.

આ ઉપરાંત ઈટાલિયન મેડિકલ ફર્મે પણ દાવો કર્યો છે કે, તેમણે એક એવી વૅક્સીન તૈયાર કરી લીધી છે, જે કોરોના વાઈરસને ખતમ કરી શકે છે. અગાઉ ઈઝરાયલે પણ આવો જ એક દાવો કર્યો હતો.

ઈટલીના રોમની એક હોસ્પિટલમાં એક વૅક્સીનને ટેસ્ટ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, તે કોઈ પણ વ્યક્તિના શરૂમાં જઈને વાઈરસની અસરને ખતમ કરી શકે છે. ઈટલીના વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટ ઉંદરો પર કર્યો. જેમાં તેમણે જોયું કે, આ વૅક્સીનથી એન્ટીબોડી તૈયાર થઈ રહી છે. જે માણસના શરીરમાં જઈને વાઈરસની અસરને ખતમ કરી શકે છે. આ પરિણામ તેમને માત્ર એક વાર જ વૅક્સીનનો ડોઝ આપવા પર મળ્યું છે.

શું લૉકડાઉન 5.0ની ચાલી રહી છે તૈયારી? ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા