સ્પોર્ટ્સ ડેસ્ક: બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની દિલ્હીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ દિવસના અંતે વિના વિકેટે 21 રન બનાવી લીધા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પ્રથમ ઇનિંગમાં 263 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. દિવસના અંતે રોહિત શર્મા (13*) અને કેએલ રાહુલ (4*) રને રમતમાં છે. ભારત ઓસ્ટ્રેલિયાથી હજુ 242 રન પાછળ છે.
Advertisement
Advertisement
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 263 રનમાં ઓલ આઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 50ના સ્કોર પર ઓપનર ડેવિડ વોર્નર (15)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તે પછી ઉસ્માન ખ્વાજા (81)એ ઇનિંગને સંભાળી હતી. જોકે, બીજી તરફ વિકેટ પડતી રહી હતી. માર્નશ લાબુશેન (18), સ્ટીવ સ્મિથ (0), ટ્રેવિસ હેડ (12) અને એલેક્સ કેરી (0) આઉટ થયા હતા. સાતમી વિકેટ માટે હેન્ડ્સકૉમ્બ અને કમિન્સ (33) વચ્ચે 59 રનની ભાગીદારી થઇ હતી.
હેન્ડ્સકૉમ્બે પોતાની ટેસ્ટ કરિયરની પાંચમી અડધી સદી ફટકારતા ટીમને મજબૂતી આપી હતી, તેને 50.70ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 142 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેને 9 ફોર ફટકારી હતી.
ભારતીય સ્પિનર્સે બતાવ્યો દમ
ભારતીય સ્પિનર્સ ફરી એક વખત કાંગારૂ બેટ્સમેનો પર ભારે પડ્યા હતા. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ લેતા ઓસ્ટ્રેલિયાને મહત્વના ઝટકા આપ્યા હતા. મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ,નાથન લાયન અને કુહેનમાનને આઉટ કર્યા હતા.
Advertisement