સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપ 2022માં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. એડિલેડમાં રમાયેલી રોમાંચક મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યુ હતુ. આ સાથે જ દક્ષિણ આફ્રિકા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયુ છે જ્યારે ભારત સેમિ ફાઇનલમાં પહોચી ગયુ છે. ભારત સેમિ ફાઇનલમાં ક્વોલિફાઇ કરનાર ત્રીજી ટીમ બની ગઇ છે.
Advertisement
Advertisement
હવે ગ્રુપ-2માં સેમિ ફાઇનલમાં પહોચનારી ચોથી ટીમ કઇ હશે? તેનો નિર્ણય પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમાઇ રહેલી મેચ બાદ થઇ જશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે તે સેમિ ફાઇનલમાં પહોચનારી ચોથી ટીમ બનશે. દક્ષિણ આફ્રિકાની હાર સાથે જ ગ્રુપ-2નું સમીકરણ બદલાઇ ગયુ છે.
ભારતીય ટીમ અંતિમ મેચ હારે તો પણ સેમિ ફાઇનલમાં
મહત્વપૂર્ણ છે કે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ અંતિમ ગ્રુપ મુકાબલો રમશે. ભારતીય ટીમ આ મેચ હારે છે તો પણ તે સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી જશે કારણ કે ટીમ ઇન્ડિયા 6 પોઇન્ટ સાથે પોતાના ગ્રુપ-2માં ટોપ પર છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 5 પોઇન્ટ સાથે બહાર થઇ ગઇ છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી ચોકર્સ સાબિત થઇ
દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એક વખત વર્લ્ડકપમાં ચોકર્સ સાબિત થઇ છે, તેની પાસે આ મેચ જીતીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવાની તક હતી, સામે નબળી નેધરલેન્ડની ટીમ હતી પરંતુ આફ્રિકન ટીમ ફરી આ તકને ઝડપી શકી નહતી. મેચમાં દક્ષિણ આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ટીમ માટે કૉલિન એકરમેને 26 બોલમાં આક્રમક 41 રનની ઇનિંગ રમી હતી, તેની માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સિવાય સ્ટીફન મેબર્ગે 37 અને ટૉમ કૂપરે 35 રન બનાવ્યા હતા.
તે બાદ 159 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. આફ્રિકન ટીમે 112થી 141 રન વચ્ચે 8 વિકેટ ગુમાવી હતી અને મેચ હાથમાંથી નીકળી ગઇ હતી. આફ્રિકન ટીમ 8 વિકેટ પર 145 રન બનાવી શકી હતી અને 13 રને મેચને ગુમાવી દીધી હતી. ટીમ માટે સૌથી વધુ 25 રન રિલી રોસોએ બનાવ્યા હતા.
Advertisement