Gujarat Exclusive > દેશ-વિદેશ > એક જ દિવસમાં કોરોનાના 17 હજારથી વધુ કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 4.90 લાખને પાર

એક જ દિવસમાં કોરોનાના 17 હજારથી વધુ કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 4.90 લાખને પાર

0
63

• 24 કલાકમાં 407 લોકોના મોત
• વિશ્વના કોરોના પ્રભાવિત દેશોમાં ભારત ચોથા ક્રમે, એશિયામાં પ્રથમ
• એક જ દિવસમાં નવા પોઝિટિવ કેસોને રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ Covid-19ના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભારતમાં ફરીથી એક વખત 24 કલાકમાં કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસોનો રેકોર્ડ તૂટી ગયો છે. જેમાં 24 કલાકમાં દેશમાં સૌથી વધુ 17,296 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 407 લોકોના મરણ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, હવે દેશમાં કોરોનાના કન્ફોર્મ કેસોની કુલ સંખ્યા વધીને 4,90,401 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1.89 લાખ એક્ટિવ કેસ છે, જ્યારે 2.85 લાખ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સિવાય કોરોનાના કારણે મૃત્યુઆંક પણ વધીને 15,301 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: ‘કોરોના કેર એટ હોમ’ સુરતીઓને હવે ઘરે બેઠા મળશે સારવારની સુવિધા

વિશ્વભરમાં કોરોના વાઈરસના કન્ફોર્મ કેસો 95 લાખ ઉપર પહોંચી ગયા છે. જ્યારે વિશ્વમાં અત્યાર સુધી 4.88 લાખ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે વિશ્વમાં જીવલેણ વાઈરસથી પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા, બ્રાઝીલ અને રશિયા બાદ ભારત ચોથા ક્રમે આવી ગયું છે. જ્યારે એશિયામાં સૌથી વધુ કેસ મામલે ભારત પ્રથમ, ઈરાન બીજા અને પાકિસ્તાન ત્રીજા નંબર પર આવી ગયું છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિતા રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં પણ એક જ દિવસમાં સૌથી વધુ 4841 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,47,741 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા વધીને 6931 પર પહોંચી ગઈ છે.

આ સિવાય દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 3390 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 74 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યારે વધુ 64 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 2429 પર પહોંચી ગયો છે.

ચીન અને નેપાળ બાદ હવે ભૂતાને વધારી ભારતની ચિંતા, સિંચાઈનું પાણી રોક્યું