Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારત-અમેરિકા વચ્ચે ‘ટૂ-પ્લસ-ટૂ’ વાર્તામાં આજે BECA પર થશે સમજૂતિ

ભારત-અમેરિકા વચ્ચે ‘ટૂ-પ્લસ-ટૂ’ વાર્તામાં આજે BECA પર થશે સમજૂતિ

0
66
  • મિલિટ્રી સેટેલાઈટોના ડેટા સુધી પહોંચ માટે અમેરિકા સાથે થશે ડીલ
  • BECA ડીલથી ભારતને ફાયદો, પાકિસ્તાન પરેશાન, ચીનની ચિંતા વધશે

નવી દિલ્હી/વૉશિગ્ટન: અમેરિકન વિદેશ મંત્રી માઈક પૉમ્પિયો (Mike Pompeo) અને ડિફેન્સ મિનિસ્ટર માર્ક ટી એસ્પર (Mark Esper)ભારત આવી ચૂક્યાં છે. અમેરિકન વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી “ટૂ પ્લસ ટૂ” ડાયલોગની ત્રીજી બેઠક માટે ભારત આવ્યાં છે. જેમાં આજે ભારત અને અમેરિકા વચ્ચે બેસિક એક્સચેન્જ એન્ડ કો-ઑપરેશન એગ્રીમેન્ટ (BECA) (BECA Agreement) પર હસ્તાક્ષર થવા જઈ રહ્યાં છે.

LAC પર તનાવ વચ્ચે બન્ને દેશો વચ્ચે થવા જઈ રહેલી આ સમજૂતિથી ચીન અને પાકિસ્તાન જેવા દેશોની પરેશાની વધી જશે. તો ચાલો તમને જણાવીએ કે આખરે શું છે BECA સમજૂતિ (BECA Agreement) અને તેનાથી કેવી રીતે દેશની તાકાત વધવાની છે?

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) અને તેમના અમેરિકન સમકક્ષ માર્ક ટી એસ્પરે (Mark Esper) સોમવારે મુલાકાત દરમિયાન આ વાત પર સંતોષ વ્યક્ત કર્યો કે, બન્ને દેશો વચ્ચે મંગળવારે BECA હસ્તાક્ષર (BECA Agreement) કરવામાં આવશે. આ સાથે જ નક્કી થઈ જશે કે, દ્વિપક્ષીય સૈન્ય સબંધોને આગળ વધારવા માટે લાંબા સમયથી પેન્ડિંગ BECA સમજૂતિને (BECA Agreement) આખરી ઓપ આપી દેવામાં આવશે. આ સમજૂતિ અંતર્ગત બન્ને દેશો અત્યાધૂનિક સૈન્ય શસ્ત્ર સરંજામ અને જિયોસ્પેશિયલ મેપ શેર કરી શકશે.

BECA ભારત અને અમેરિકા વચ્ચે ચાર મૂળભૂત સમજૂતિઓમાંથી (BECA Agreement) એક છે. જેનાથી બન્ને દેશો વચ્ચે લૉજિસ્ટિક્સ અને સૈન્ય સહયોગ વધશે. જેમાંથી પ્રથમ સમજૂતિ 2002માં થઈ હતી. જે સૈન્ય સૂચનાની સુરક્ષા સાથે સંલગ્ન હતી. બે અન્ય સમજૂતિ 2016 અને 2018માં થઈ હતી, જે લૉજિસ્ટિક્સ અને સુરક્ષિત કૉમ્યુનિકેશનને લઈને હતી.

BECA સમજૂતિ (BECA Agreement) ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ સમજૂતિ બાદ ભારત અમેરિકાના જિયોસ્પેશિયલ મેપ્સ અને ક્ષમતાનો ઉપયોગ કરી શકશે. જેનાથી ઑટોમેટેડ હાર્ડવેર સિસ્ટમ્સ અને ક્રૂઝ-બેલિસ્ટિક મિસાઈલ સહિત હથિયારોની એક્યૂરેશી વધી જશે.

આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે મહત્વની બેઠક, LAC પર સ્થિતિ સહિત અનેક મુદ્દે થશે ચર્ચા

મીડિયા રિપોર્ટ મુજબ, આ ડીલ (BECA Agreement) ભારત દ્વારા અમેરિકા પાસેથી હથિયારોથી સજ્જ માનવ રહિત હથિયારો (UAVs)ની ખરીદી માટે આધારનું કામ કરશે.

આ અનમેન્ડ એરિયલ વીહિકલ (UAVs) દુશ્મનો પર આકાશમાંથી હુમલો કરવા માટે અમેરિકાના જિયોસ્પેશિયલ ડેટા પર નિર્ભર કરે છે. આ સમજૂતિ (BECA Agreement) એવા સમયે થવા જઈ રહી છે, જ્યારે ભારત અમેરિકા પાસેથી 30 જનરલ એટૉમિક્સ MQ-9 ગાર્જિયન ડ્રોન ખરીદવા પર વિચાર કરી રહ્યું છે.

અમેરિકા અને ભારત વચ્ચે પહેલા પણ ગુપ્તચર બાતમીઓના આદાન-પ્રદાન થઈ ચૂક્યું છે. 2017માં ડૉકલામમાં ચીનની સાથે વિવાદ દરમિયાન અમેરિકાએ જ ભારતીય સેનાને ચાઈનીઝ સૈનિકોની મુવમેન્ટની ગુપ્ત બાતમી પૂરી પાડી હતી.

આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારતનો ચીન સાથે સરહદ પર તનાવ ચાલી રહ્યો છે અને આ મુદ્દા પર પણ ચર્ચા થવાની સંભાવના છે. અમેરિકા છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ મુદ્દે ચીનની આકરી આલોચના કરતું આવ્યું છે. આ મુદ્દાઓમાં ભારત સાથે સરહદ વિવાદ, દક્ષિણ-ચીન સાગરમાં વધતી સૈન્ય આક્રમક્તા, કોરોના મહામારી અને હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શનો વગેરે મામલે ચીનની નીતિઓની ટીકા કરવામાં આવી છે.

પૉમ્પિયોની યાત્રા પહેલા અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમેરિકા ભારતના એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરવાનું સ્વાગત કરે છે. અમેરિકા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC)માં આગામી કાર્યકાળ દરમિયાન ભારત સાથે સહયોગ કરવા માટે ઉત્સુક છે.

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા મંજૂરી મળ્યા બાદ સપ્ટેમ્બર 2018માં દિલ્હીમાં પ્રથમ ટૂ પ્લસ ટૂની બેઠક યોજાઈ હતી. જેની બીજી આવૃતિ ગત વર્ષ ડિસેમ્બરમાં વૉશિંગ્ટનમાં આયોજિત થઈ હતી.