ભારત સહિત દુનિયાભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યાં છે. લંડનમાં બુધવારે ઓમિક્રોનના 129 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ઓમિક્રોનના 14 દર્દીઓના મોત નિપજ્યાં છે. બીજી તરફ બ્રિટનમાં કોરોનાના નવા કેસ પણ નોંધપાત્ર નોંધાયા છે. બુધાવરે 1,06,122 કેસ જ્યારે વધુ 140નાં મૃત્યુ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે. અહી એક દિવસમાં 1.81 લાખ નવા કેસ નોંધાયા છે.
યુરોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર ડો. હાન્સ કલુજે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે યુરોપમાં ઓમિક્રોનનું નવું વિકરાળ મોજું આવી રહ્યું છે. યુરોપના 53 દેશોમાંથી 38 દેશોમાં ઓમિક્રોન પગપેસોરો કરી ચૂક્યો છે અને યુકે, ડેનમાર્ક અને પોર્ટુગલમાં તે પ્રભાવી વેરિઅન્ટ બની ચૂક્યો છે. ગયા સપ્તાહે યુરોપમાં 27,000 જણાના કોરોનાના ચેપના કારણે મોત થયા હતા અને નવા 26 લાખ કેસો નોંધાયા હતા.
યુકેની સરકારે ઓમિક્રોન સામે લડવા માટે નવી રસી મેળવવા માટે બે નવા કરાર કર્યા છે. મર્ક શાર્પની ડોહમેના મોલનુપિરાવરના 1.75 મિલિયન ડોઝ અને ફાઇઝરની પેક્સલોવિડટીએમના 2.5 મિલિયન ડોઝ મેળવવા માટે યુકેની સરકારે કરાર કર્યા છે.
ઇઝરાયલે ઓમિક્રોનના ચેપને નાથવા માટે આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધારે વયના લોકોને કોરોનાની રસીનો ચોથો ડોઝ આપવાની તૈયારી કરવા માંડી છે.
દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુરૂવારે દેશમાં સૌથી વધારે 27,000 કેસો નોંધાયા બાદ મંગળવારે કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટીને 15,424 થઇ હતી જે દર્શાવે છે કે કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યા બાદ તેનો ચેપ ઝડપથી ઘટી પણ શકે છે.
બીજી તરફ ફ્રાન્સમાં બાળકોને કોરોનાની રસી ઍાપવા માટે 350 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. હાલ ફ્રાન્સમાં કોરોનાની ગંભીર બિમારીથી પીડાતાં 145 બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.