Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બોડેલી ખાતે રૂ. 120 કરોડના ખર્ચે નવ નિર્મિત બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું CM ભૂપેન્દ્ર પટેલે ઉદ્દઘાટન કર્યું

બોડેલી ખાતે રૂ. 120 કરોડના ખર્ચે નવ નિર્મિત બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું CM ભૂપેન્દ્ર પટેલે ઉદ્દઘાટન કર્યું

0
45
  • રાજ્યમાં દરેક ઉદ્યોગને સહુલિયત રહે અને ક્યાંય કનડગત ન થાય તેની સરકાર દરકાર લેશે

  • PM મોદીએ નવા કાયદાકીય સુધારા કરી સહકારી માળખાને મજબૂતી આપી : CM

ગાંધીનગર: રાજ્યમાં દરેક ઉદ્યોગને સહુલિયત રહે અને ક્યાંય કનડગત ન થાય તેની રાજ્ય સરકાર દરકાર લેશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ. 120 કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂક્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં ખૂબ વિકસી છે. ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહે નવા સુધારા દ્વારા સહકારી માળખાને મજબૂતી આપી છે.

ડેરી ઉદ્યોગ એ સહકારિતાની નાભી જેવો ઉદ્યોગ છે. જે લાખો પશુપાલકોને આત્મ નિર્ભર બનાવે છે. સહુનો સાથ, સહુનો વિકાસ અને સહુનો વિશ્વાસ એ પ્રધાનમંત્રીનું સૂત્ર સહકારી ડેરી ઉદ્યોગને ખૂબ લાગુ પડે છે. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત જરૂરી છે. ગુજરાતને આત્મ નિર્ભર બનાવવામાં સહકારિતા ઉદ્દીપકનું કામ કરે છે.

સ્વરાજની ચળવળ વખતે ગુજરાતમાં સહકારીના પાયા નંખાયા ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બેલડી દ્વારા તેમને પ્રોત્સાહન અપાયું હતું. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ વટવૃક્ષ બની દેશના સીમાડા વટાવી ગઇ છે. હવે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકારિતા મંત્રી અમિત શાહ સમગ્ર દેશને સહકારથી સમૃદ્ધિનો નવો રાહ ચિંધે છે.

તેમણે જણાવ્યું કે, વહીવટમાં શક્ય તેટલી સરળતા દ્વારા લોકોના કામો સરળ બનાવવા એ અમારો સંકલ્પ છે. અમે લોકોની મુશ્કેલીઓ નિવારવા બનતા બધાં જ પ્રયત્નો કરીશું.

પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના પ્રશ્ન સૌને સાથે લઇને ઉકેલવામાં આવ્યો છે. બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ. 27 કરોડ ચૂકવવામાં આવશે. તેમાંથી રૂ. 18 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે અને બાકીની રકમ આગામી માર્ચ સુધીમાં ચૂકવી દેવાનું ડેરીનું આયોજન છે.

આ વિસ્તારમાં રૂ. 550 કરોડના ખર્ચથી 191 જેટલા વિકાસના કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ. 180 કરોડના વિકાસ કામો પૂર્ણ થઇ ગયા છે. બોડેલી ફાટકનું કામ પણ ઝડપથી મંજૂર કરવામાં આવનાર છે.

બરોડા ડેરીની મૃત્યુ સહાય યોજના હેઠળ ડેરીના મૃતક કર્મચારી નીતિન પટેલના ધર્મપત્ની દીપિકાબેન પટેલને રૂ. 10 લાખનો ચેક મુખ્યમંત્રીએ અર્પણ કર્યો હતો.

બરોડા ડેરીના પ્રમુખ દિનુ પટેલ જણાવ્યું કે 1957માં માત્ર છ મંડળી અને 500 લીટર દૂધથી શરૂ થયેલી બરોડા ડેરી આજે 1200 દૂધ મંડળી સાથે રોજનું 6.50 લાખ લીટર દૂધ એકત્ર કરે છે.બરોડા ડેરીને મજબૂત કરવામાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોનો સિંહ ફાળો રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

પ્લાન્ટ શરૂ થવાથી શુ થશે ફાયદા

મુખ્યમંત્રી દ્વારા ઉદ્દઘાટિત નવ નિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં 3 થી 6 લાખ લીટર પ્રતિ દિન વધારો થશે. દૂધની પેકિંગ ક્ષમતા પ્રતિ દિન 3 લાખ થવા સાથે સ્ટોરેજ ક્ષમતા 4 લાખ લીટર થશે. એટલુ જ નહિ ભવિષ્યમાં 11 લાખ લીટર પ્રતિ દિવસ દૂધ સંપાદન પહોંચે ત્યાં સુધીની ક્ષમતા ઉભી થઇ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat