Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પતી-પત્નીના ઝગડામાં સોસાયટીના લોકોના 13 બાઈક બળીને ખાખ

પતી-પત્નીના ઝગડામાં સોસાયટીના લોકોના 13 બાઈક બળીને ખાખ

0
2114

ગાંધીનગર નજીક આવેલા વાવોલ ગામમાં આવેલ દલદર્શન એપાર્ટમેન્ટમાં ગઈકાલે એટલે કે, 26 જૂને ભોયતળીયે પાર્ક કરેલા બાઈકોમાં આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. હવે મહત્વપૂર્ણ પ્રશ્ન તે છે કે, આ આગ લાગી કેવી રીતે? આનો જવાબ પણ સોસાયટીમાં રહેતા રહીશોને તરત જ મળી ગયો હતો. વાત જાણે એમ હતી કે, સોસાયટીમાં રહી રહેલા એક દંપતી વચ્ચે થયેલ છૂટાછેડાની તકરારમાં પત્નીને દેખાડી દેવાના ઈરાદાથી યુવાને વાહનોમાં આગ લગાડી દેવાનું સામે આવ્યું હતું. આ બાબતે યુવાનના પત્નીએ સેક્ટર સાતમાં આવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને આ બાબાતે વધુ તપાસ હાથ ધરી છે. મળી રહેલ જાણકારી અનુસાર આ યુવાને પહેલા પણ પત્નીના વાહનો સળગાવી દીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલના જલદર્શન એપાર્ટમેન્ટમાં ગઈકાલે રાત્રે ભોંયતળીયે પાર્ક થયેલા વાહનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી.આ ફલેટના રહીશોએ તુરંત જ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવયો હતો.

જોકે ફાયર બ્રિગેડ આગ ઉપર કાબૂ મેળવે ત્યાર સુધીમાં 13 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારે આગની ઘટનામાં નવો જ વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે તેમને આ ફલેટમાં રહેતા મનાલીબેન કશ્યપભાઈ દવેએ સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે રાત્રે તે પરિવાર સાથે ઘરમાં સુઈ રહ્યા હતા તે દરમ્યાન તેમના બ્લોકના નીચેના ભાગે વાહનો તેના પતિ મનિષકુમાર રમેશચંદ્ર ત્રિવેદીએ સળગાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ગઈકાલે તેના પતિ મનિષકુમાર રમેશચંદ્ર ત્રિવેદી સાથે છુટાછેડાની કોર્ટ મેટરની મુદત હતી. જે મુદત પુરી થયા બાદ મનીષે ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે હવે જોઈ લેજો આજે રાત્રે શું થાય છે અને તમે કેવા ઉપર ફલેટમાં રહો છો. તે રાત્રે જ ફ્લેટ નીચે મૂકેલ તમામ બાઈકમાં આગ લાગી ગઈ હતી.

ગુજરાતના અન્ય સમાચારો ઉપર પણ એક નજર ફેરવી લો

સૌરાષ્ટ્રના ખીલોરી ગામમાં એક જ દિવસમાં પડ્યો સાત ઈંચ વરસાદ

ગુજરાતના ગોંડલમાં મોટી ખીલોરી ગામમાં અત્યાર સુધીના ચોમાસાનો સૌથી વધુ વરસાદ એક જ દિવસમાં પડ્યો છે. ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રમાણે દોઢ કલાકમાં 7થી 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જોકે સત્તાવાર આંકડા પ્રમાણે પાંચ ઈંચ જેટલો વરસાદ થયો છે.

ગુજરાતના ગોંડલના દેરડી, મોટી ખિલોરી, રાણસીકી, વિંઝીવડ અને નાના સખપુર સહિતના ગામોના સીમ વિસ્તારમાં અતિભારે વરસાદ થયો હતો. એકધારા અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણીએ વેણ બદલતાં ખેડૂતોને નુકસાન થાય તેવી ભીતી સેવાઈ રહી છે. આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા આવેલા પુરહોનારતની યાદો ફરી તાજી થઈ.

અલ્પેશ ઠાકોરે હાઈકોર્ટમાં મારી પલટી, કહ્યું, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ નથી

કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીને લઈને આજે ગુરુવારે અલ્પેશ ઠાકોર હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા.

રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા અલ્પેશ ઠાકોર અત્યારે વિવાદોમાં ઘેરાયેલા છે. પોતાના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે અનેક પ્રશ્નો ઊભા થયેલા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી હાથધરાતા આજે ગુરુવારે અલ્પેશ ઠાકોર હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. અને તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગત જણાવી હતી. સોગંદનામામાં જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ ન હતું.

મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસમાંથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે થોડા મહિનાઓ પહેલા રાજીનામું આપવાની વિગતો સામે આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નહીં હોવાથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામુ રજૂ કર્યું હતું.

વડોદરા: વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિકના માથામાં માર્યો પથ્થર, પોલીસે કરી ધરપકડ

વડોદરાના અંખોલ ગામે રહેતા ચાર વિદેશી વિદ્યાર્થીઓએ અને સ્થાનિકો ઘર્ષણ થયું. ઝિમ્બાબ્વેના ચાર વિદ્યાર્થીઓએ સોસાયટીના રજિસ્ટરમાં એન્ટ્રી કરવા બાબતે સોસાયટીના એક રહીશ તન્મય તંબોલી સાથે બોલાચાલી થઈ હતી અને તેમને માથા પર પથ્થર મારીને ઘાટલ કરી દીધા હતા.

ગુજરાતમાંથી સૌથી વધારે નકલી અને જૂની 500-1000ની ચલણી નોટો ઝડપાઈ રહી છે

આ ઘટનાને પગલે પોલીસે ચારેય વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી અને પોલીસે આ બનાવની જાણ ઝિમ્બાબ્વે એમ્બેસીને કરી છે. આ ચારેય વિદ્યાર્થીઓ નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ ચાર પૈકી બે વિદ્યાર્થીઓ અહીં આવેલી શ્યામલ ગ્રીન સોસાયટીમાં રહે છે. જ્યાં તેમના અન્ય બે સાથીઓ આ બે વિદેશીઓને મળવા માટે આવ્યા હતા. ત્યારે સોસાયટીમાં એન્ટ્રી નોંધવા બાબતે માથાકૂટ થઈ હતી.

વરાછામાં સ્ટોરના પતરા ખોલીને જાણભેદુ તસ્કરોએ કરેલી ચોરી સીસીટીવીમાં કેદ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કાળીદાસનગર મેઇન રોડ પરના પ્રાઇમ સ્ટોરમાં તસ્કરોએ પતરા ઉંચા કરીને ચોરી કરી હતી. સ્ટોરની ઓફિસમાંથી શિફ્ટ પૂર્વક કરાયેલી 60 હજારની ચોરી કોઇ જાણભેદુએ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત તક્ષશિલા અગ્નિકાંડ, આમરણાંત ઉપવાસ માટે પોલીસ કમિશરને રજૂઆત

સુરતમાં સરથાણા તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનો વિતી ગયો છે. મૃતકોના વાલીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ન્યાય માટે લડત ચલાવવામાં આવી રહી છે. દરમિયાન આજે સમાજિક સંસ્થાના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને બાળકોના મોત મામલે ન્યાય મળે તે માટે આમરણાંત ઉપવાસની પરવાનગી આપવા રજુઆત કરી હતી.