Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: કરફ્યુમાં દારુના નશામાં ઘૂત મોબાઈલ વેપારી બેભાન હાલતમાં મળ્યો

અમદાવાદ: કરફ્યુમાં દારુના નશામાં ઘૂત મોબાઈલ વેપારી બેભાન હાલતમાં મળ્યો

0
1202
  • પાલડી મહાલક્ષમી પાંચ રસ્તા પાસે શુક્રવાર મોડી રાતની ઘટના

  • વેપારીને ભાનમાં લાવવા લોકોએ ઉપરા છાપરી લાફા મારવા પડ્યા

  • કાર્યવાહી કરવાની ઉતાવળમાં પોલીસ માસ્ક પહેરવાનું જ ભૂલી ગઇ

શાહબાઝ શેખ,અમદાવાદ: અમદાવાદના પાલડી નજીક મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે શુક્રવારે મોડી રાત્રે મોબાઈલ ફોનનો વેપારી રોડની વચ્ચો વચ્ચ નશામાં ધૂત હાલતમાં કારમાં પડેલો મળી આવ્યો હતો. બેભાન હાલતમાં વેપારીને જોતા લોકોનાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતાં. આ બનાવને લઈ રાત્રિ બંદોબસ્તમાં હાજર પોલીસે તાત્કાલિક આવી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: માસ્ક પહેરવાનું કહેતા યુવકે પોલીસ કૉન્સ્ટેબલને જાનથી મારી નાંખવાની આપી ધમકી

હાલ રાજયમાં કોરોના વાયરસની મહામારીને લઈ સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. તો પણ ઘણા લોકો બિનદાસ્ત લટાર મારવા માટે બહાર નિકળી પડતા હોય છે. તેવામાં દારુડિયાઓ પણ પોતાની મરજી પડે તેમ ફરતા જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  શુક્રવારે મોડીરાત્રે  પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે મારુતી સુઝુકીના શો રુમની નજીક એક કારમાં કોઇ વ્યક્તિ બેભાન સ્થિતિમાં પડી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તે મોબાઇલ ફોનનો વેપારી છે અને નશામાં ધૂત થતાં કારમાં જ બેભાન થઇ ઢળી પડ્યો હતો.

આ વેપારીને લોકો છેલ્લા અડધો કલાકથી લાફા મારી મારી ઊઠાડવાનો પ્રયતન કરી રહ્યા હતા. પરંતું વધુ પ્રમાણમાં દારુ ઢીંચી લીધો હોવાથી તે ભાનમાં આવતો નહતો. જેથી લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને આ મોબાઈલ ફોનના વેપારીને જગાડવા માટે લોકોએ તેના પર પાણીનો મારો પણ માર્યો હતો.

આ પણ વાંચો: કોલકતાના શખ્સે શેર વેચવાનું કહી અમદાવાદના યુવક સાથે ₹ 16 લાખની ઠગાઈ આચરી

જાહેર રોડ પર ભેગા થઇ ગયેલા લોકોએ તેને ગાડીની આગળની સીટ પરથી પાછળ સુવડાવી તેની કારને સાઈડમાં લીધી હતી અને તેને ફરી એકવાર ઉઠાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, કરફ્યુમાં લોકોના ટોળે ટોળા ભેગા થતા સ્થળ પર હાજર પોલીસે આવી લોકોને વેર વિખેર કર્યા હતા. આ બનાવની જાણ લોકોએ તેના પરિવારજનોને કરતા તેઓ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ લખાઈ રહ્યું હતું ત્યાં સુધી પોલીસ તરફથી કાર્યવાહીની શરૂઆત કરાઈ હતી.

માસ્ક વિના ફરતા લોકોને દંડનારી પોલીસ માસ્ક વગર

રાજયમાં કોરોનાનો કેર દિવસો દિવસે વધતો જોવા મળી રહ્યો છે. દરરોજના કોરોનાના કેસ 1000ને પાર જવા લાગ્યા છે, આ મહામારી સામે રાજય સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધું છે, જેના કારણે પોલીસ  માસ્ક વિના નિકળનારાઓ પાસેથી કાયદાકીય દંડ પણ વસુલી રહી છે.ત્યારે નવાઈ પમાડે તેવી વાત તો એ હતી કે આ ઘટનામાં પોલીસ તપાસ માટે તો આવી પહોંચી હતી પરતું માસ્ક વગર ફરનારાને પકડીને કાયદો બતાવતી ખુદ પોલીસ માસ્ક વગર નજરે પડી હતી. તેથી હાજર લોકો ચર્ચા કરવા લાગ્યા હતા કે પોલીસ જ માસ્ક નહીં પહેરી કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે.

માસ્ક પહેરવાનું કહેતા યુવકે પોલીસ કૉન્સ્ટેબલને જાનથી મારી નાંખવાની આપી ધમકી

 અન્ય એક ઘટનામાં શાહપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર (PSO) દિનેશભાઇ હરજીભાઈ ગુરુવારે રાત્રે ફરજ પર હાજર હતા. તે સમયે કંટ્રોલ મેસેજ આધારે પોલીસ સ્ટાફના માણસો ફોન કરનાર ફરિયાદીને પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા. ફરિયાદી સાથે આવેલા યુવકે માસ્ક ન પહેર્યું હોવાથી દિનેશભાઈએ માસ્ક પહેરવાનું કહ્યું હતું.

આથી ઉશ્કેરાયેલા યુવકે ઊંચા અવાજે તમેં પબ્લિકના માણસોને ખોટા હેરાન કરો છો તેમ કહેતાં દિનેશભાઈએ તેને શાંતિથી વાત કરવાનું જણાવી તેનું નામ પૂછ્યું હતું. આથી યુવકે દિનેશભાઈને અપશબ્દો બોલી ધમકી આપતા કહ્યું કે, “મારું નામ કૃણાલ દિપક પરમાર છે, હું ઘીકાંટા અડવૈયાના ડેલામાં રહુ છું. તું પોલીસ સ્ટેશનની બહાર નીકળ તને જાનથી મારી નાખીશ”.