રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણીમાં હાર કે જીતનું મહત્વ કેટલુ હોય તે ભાજપના ઉમેદવાર સારી રીતે જાણી શક્યા હશે. એક એક મત કેટલો કિંમતી હોય છે તેનો દાખલો મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં જોવા મળ્યો હતો. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર રૂચિતાબેન જોશીનો માત્ર 11 મતે વિજય થયો હતો. રૂચિતા બેન કોંગ્રેસના રસીલાબેન ગેરીયા સામે માત્ર 11 મતે જીત્યા હતા.
રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના રૂચીતાબેન જોશીને 8600 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મત મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં પહેલી વાર માયાવતીના બસપની એન્ટ્રી, ભાજપની પેનલ તોડી
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડના 273 ઉમેદવારો મેદાનમાં હતા. 21 ફેબ્રુઆરીએ રાજકોટ મનપાની ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ 72 બેઠકમાંથી 48માં આગળ ચાલી રહી છે.
ભાજપ લાંબા સમયથી તમામ છ મહાનગરપાલિકામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં સત્તા પર છે. અમદાવાદમાં 2008, વડોદરામાં 2005, સુરતમાં 1990, રાજકોટમાં 2005 અને ભાવનગરમાં 1995 તેમજ જામનગરમાં 1995થી ભાજપ પાસે બહુમત છે. ફરી એક વખત છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા છે.