Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કેવી રીતે ભણે ગુજરાત! નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે જાય છે સ્કૂલમાં

કેવી રીતે ભણે ગુજરાત! નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે જાય છે સ્કૂલમાં

0
436

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત સરકાર બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે નવી નવી યોજનાઓ બહાર પાડી રહી છે ત્યારે જ ગુજરાતના છેવાડાના ગામમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા માટે મજબૂર બન્યા છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં વિદ્યાર્થીઓએ ભણવા માટે નદી પાર કરીને જવુ પડે છે.


નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીંછીપરા ગામના લગભગ 35 જેટલા બાળકો નજીકના જ રામપુરી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા અશ્વિની નદી પરના કોઝ વે પાર કરીને જાય છે.પણ એમના માટે વિકટ સમસ્યા ચોમાસામાં ઉભી થાય છે.જ્યારે ધોધમાર વરસાદ પડે ત્યારે આ કોઝ વે પરથી અશ્વિની નદીનું પાણી પસાર થતું હોય છે,તે છતાં જીવના જોખમે પોતાના ભવિષ્ય ખાતર બાળકોએ પુલ પરથી પસાર થવાનો વારો આવે છે.જ્યારે વધારે પાણી ભરાય ત્યારે તો ગ્રામજનો એક પછી એક બાળકોને પુલની સામે પાર છોડવા જતા હોય છે.વિદ્યાર્થીઓનું તો એવું કહેવું છે કે ચોમાસામાં અમારે 4-5 દિવસ તો આવી રીતે જીવના જોખમે શાળાએ જવું પડે છે.હવે ના કરે નારાયણ બાળકો જ્યારે પુલ પરથી પસાર થઈ રહ્યા હોય અને અચાનક પાણીનો પ્રવાહ વધે તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓને બિલ્કુલ પણ નકારી શકાય નહીં.હવે હાલના ચોમાસામાં પણ છેલ્લા 5 દિવસથી બાળકો આ જ રીતે જીવના જોખમે ગ્રામજનોની મદદથી શાળાએ જઈ રહ્યા છે.

રામપુરી ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મનોજ બારીયાએ જણાવ્યું હતું કે પીંછીપરા ગામના બાળકો દર ચોમાસામાં જીવના જોખમે જ શાળાએ આવે છે,ગ્રામપંચાયત દ્વારા આ મામલે રજુઆત પણ કરી છે.તો ગામના લોકો અને બાળકોએ એમ જણાવ્યું હતું કે અમે નર્મદા જિલ્લા પંચાયતમાં મૌખિક રજુઆત કરી છે,અમારી એવી માંગ છે કે આ જગ્યાએ મોટો પુલ બનાવવામાં આવે જેથી શાળાએ જવામાં અમને કોઈ તકલીફ ન પડે.

કેવી રીતે ભણાવે? સ્માર્ટ ફોન વાપરતા ના આવડતા શાળાના આચાર્યએ આપ્યું રાજીનામું