Gujarat Exclusive > દેશ-વિદેશ > ગુજરાતમાં પેટ્રોલમાં 10 અને ડીઝલમાં 17 રૂપિયાનો થયો ઘટાડો

ગુજરાતમાં પેટ્રોલમાં 10 અને ડીઝલમાં 17 રૂપિયાનો થયો ઘટાડો

0
71

કેન્દ્ર સરકાર બાદ કેટલાક રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી ગુજરાતમાં પેટ્રોલમાં 10.25 પૈસા અને ડીઝલના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ખેડૂતોને સૌથી મોટી રાહત મળી શકે છે. જણાવી દઈએ કે, પાછલા એક મહિનામાં પ્રતિદિવસ 35 પૈસાનો વધારો થતો હતો. તેથી એક મહિનાની અંદર જ સાત રૂપિયા જેટલો વધારો થઈ ગયો હતો. જોકે, હવે સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં સામાન્ય લોકોને આંશિક રાહત મળશે.

સરકારે ગયા વર્ષે માર્ચથી મે 2020 દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ ડયુટી પ્રતિ લિટર 13 અને 16 રુપિયા વધારી હતી, તેના પછી સરકાર દ્વારા કરાયેલો આ સૌથી મોટો ઘટાડો છે. સરકારે તે વખતે ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો ન હતો. હાલમાં દેશના બધા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને વટાવી ગયો છે. સરકાર આ ઘટાડા પૂર્વે પેટ્રોલમાં પ્રતિ લિટર 38.78 રૂપિયા એકસાઇઝ વસૂલતી હતી.

હવે એપ્રિલથી ઓક્ટોબરના વપરાશના આંકડા મુજબ સરકાર દ્વારા એક્સાઇઝમાં ઘટાડો કરવાના લીધે તેને પ્રતિ માસ 8,700 કરોડનો ફટકો પડશે એટલે કે વર્ષે એક લાખ કરોડનો ફટકો પડશે. હવે વર્તમાન નાણાકીય વર્ષમાં બાકીના છ મહિના બાકી છે તે જોતાં સરકારને વર્તમાન નાણાકીય વર્ષમાં 43,500 કરોડનો ફટકો પડશે.

ડીઝલ પરની એકસાઇઝ ઘટાડાતા ટ્રક અને કૃષિ ક્ષેત્રને સૌથી મોટો ફાયદો થશે. તેઓ ડીઝલનો સૌથી વધુ વપરાશ કરે છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં સરકારની પેટ્રોલિયમ પેદાશો પરની આવકમાં 33 ટકા વૃદ્ધિ થઈ છે. પેટ્રોલ-ડીઝલના વિક્રમજનક ભાવોના લીધે સામાન્ય માનવી પર તેની વિપરીત અસર થઈ રહી છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2021ના અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન સરકારને ઇંધણ પેદાશો પરની એકસાઇઝ આવક 1.71 લાખ કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.28 લાખ કરોડ હતી. તેની સામે એપ્રિલથી સપ્ટેમ્બર 2019 દરમિયાન એકસાઇઝ પેટે સરકારને 95,90 કરોડની આવક થઈ હતી.

આમ 2019ના સ્તરે જોઈએ તો સરકારની એકસાઇઝ આવકમાં 79 ટકાનો વધારો થયો છે અને ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 33 ટકા વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સરકારને એકસાઇઝ કલેક્શન પેટે 3.89 લાખ કરોડની આવક થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 2.39 લાખ કરોડ હતી. આ બતાવે છે કે સરકાર પાસે ભાવ ઘટાડાને પૂરતો અવકાશ છે.

મોદી સરકાર સત્તા પર આવી ત્યારે સરકારને પેટ્રોલ-ડીઝલ, ગેસ પરના વેરા પેટે 73000 કરોડની આવક થઈ હતી, આ આવક 2020-21ના નાણાકીય વર્ષના અંત વધીને 3.89 લાખ કરોડ થઈ ગઈ હતી. આમ તેમા રીતસરનો 500 ટકા વધારો નોંધાયો હતો.

સરકાર સત્તા પર આવી ત્યારે પેટ્રોલ પરની એકસાઇઝ ડયુટી પ્રતિ લિટર 9.42 રુપિયા હતી, જે પછી વધારીને 32.92 રુપિયા કરી દેવાઈ હતી. આમ તેમા સીધો 300 ટકાનો વધારો કરાયો હતો. હાલમાં સામાન્ય માનવી જે સ્થિતિમાં છે તે જોતાં આ ઘટાડો હજી પણ ઓછો છે તેમ જ કહી શકાય. આમ ભાજપ સરકાર સત્તા પર આવ્યા પછી પેટ્રોલ-ડીઝલ અને ગેસ પરના વેરા પેટે જ વીસ લાખ કરોડથી વધુ રકમ વસૂલી ચૂકી છે તેમ કહી શકાય.

પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ કરતાં વધારે બેઠક જીતતા સરકાર સફાળી જાગી હતી અને આ ભાવઘટાડો કરવો પડયો હતો. આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે આટલા ઊંચા ભાવવધારા પછી કેટલા રાજ્યોમાં ભાજપ ફરીથી સત્તા પર આવે તે જોવું મહત્ત્વનું રહેશે. ભાવમાં ઘટાડો થવાના પગલે અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર 6.25 રૂપિયા અને ડીઝલ 11.50 રૂપિયા સસ્તુ થશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat