Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શાળા સંચાલકોએ સરકાર સમક્ષ ભણતરને લઈને કરી મહત્વપૂર્ણ માંગણી ? જાણો શું..

શાળા સંચાલકોએ સરકાર સમક્ષ ભણતરને લઈને કરી મહત્વપૂર્ણ માંગણી ? જાણો શું..

0
6
  • કોઈ પણ એક જ પધ્ધતિથી સ્કૂલો ચાલુ રાખવામાં આવે તેવી શાળા સંચાલકોની માંગણી
  • રાજ્યમાં હાલમાં કોરોનાના કારણે સ્કૂલોમાં ઓફલાઈન અને ઓનલાઈન માધ્યમથી ચાલી રહયો છે અભ્યાસ

ગાંધીનગર: રાજ્યમાં હાલમાં કોરોનાના કારણે શાળાઓમાં ઓફલાઈન અને ઓનલાઈન માધ્યમથી અભ્યાસ ચાલી રહી છે, ત્યારે સંચાલક મંડળ દ્વારા સરકાર સમક્ષ કોઈ પણ એક જ પધ્ધતિથી સ્કૂલો ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરી છે. હાલમાં સ્કૂલોમાં બંને માધ્યમથી સારી રીતે શિક્ષણ ચાલી રહ્યું છે, પરંતુ કોઈ એક જ માધ્યમથી શિક્ષણ આપવામાં આવે તો સ્કૂલો અને વિદ્યાર્થીઓ બંને માટે હિતાવહ રહેશે તેમ સંચાલક મંડળનું માનવું છે. જેથી તેમણે સરકાર સમક્ષ કોઈ પણ એક પધ્ધતિથી જ શિક્ષણ ચાલુ રાખવામાં આવે તે માટે માંગણી કરી છે.

રાજ્યમાં કોરોનાના કેસો વધવા લાગતા સરકાર દ્વારા ધોરણ-1થી 9ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ પધ્ધતિ બંધ કરી માત્ર ઓનલાઈન માધ્યમથી જ શિક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ધોરણ-10થી 12માં હાલમાં ઓફલાઈન પધ્ધતિથી શિક્ષણ ચાલી રહ્યું છે. આમ, સ્કૂલો પ્રાથમિક માટે ઓનલાઈન પધ્ધતિથી શિક્ષણ આપી રહી છે જ્યારે બાકીના ધોરણોમાં ઓફલાઈન શિક્ષણ આપી રહી હોવાનું સામે આવ્યું છે.

દરમિયાન ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સરકાર સમક્ષ આગામી દિવસોમાં સ્કૂલોમાં કોઈ પણ એક જ પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવે તેવી માંગણી કરતાં જણાવ્યું છે કે, હાલમાં ઓનલાઈન અને ઓફલાઈન પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં ધોરણ-1થી 9ના વર્ગો ઓનલાઈનમાં ખુબ જ સારી રીતે ચાલી રહ્યા છે. જ્યારે ધોરણ-10થી 12માં ઓફલાઈન વર્ગો પણ ખુબ જ સારી રીતે ચાલી રહ્યા છે. જોકે, હવે બે પધ્ધતિથી શિક્ષણને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝવણમાં મુકાયા છે. જેથી સરકાર દ્વારા આગામી દિવસોમાં સ્કૂલો બંને પૈકી કોઈ પણ એક પધ્ધતિથી ચાલુ રાખવા માટે નિર્ણય લે તો તે સ્કૂલો અને વિદ્યાર્થીઓ માટે હિતાવહ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કૂલોમાં કોરોનાની ત્રીજી લહેર આવી તે પહેલા પ્રાથમિક સ્કૂલો પણ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે વખતે પણ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરી ખુબ જ પાંખી જોવા મળતી હતી. 60 વિદ્યાર્થીઓના એક વર્ગમાં માંડ 5થી 7 જેટલા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ માટે હાજર રહેતા હતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ ઓનલાઈન જ અભ્યાસ કરતા હતા. હાલમાં કોરોનાના કેસો ઘટ્યા છે, પરંતુ એટલા બધા પણ ઓછા નથી થયા કે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલે. આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ થોડોક સમય સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવે તેમ હિતાવહ હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat