Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં લેવામાં આવ્યા મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો શું..

રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં લેવામાં આવ્યા મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો શું..

0
4
  • ખેડૂતો પાસેથી ચણા, તુવેરની ટેકાના ભાવે ખરીદી નેવુ દિવસ સુધી કરાશે : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
  • રાજ્યમાં 14,500 કિ.મી.લંબાઇના માર્ગોના રિસરફેસ-નવીનીકરણની કામગીરી ડિસેમ્બર- 2022 સુધી પૂર્ણ કરાશે
  • તારાપુર-બગોદરા હાઇવેના ફેઝ-૨ના રૂા.650 કરોડના કામો મંજૂર

ગાંધીનગર: રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ચણા-તુવેરની ટેકાના ભાવે ખરીદી 90 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જનહિતકારી માટે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે એની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી વધુ 90 દિવસ કરાશે. આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે તો વધુને વધુ ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ પણ કરાઇ છે. અત્યાર સુધીમાં 2.52 લાખ ખેડૂતોએ ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યભરમાં 12 હજાર કિ.મી.ના માર્ગોના રિસરફેસના તથા 2,500 કિ.મી.ના નવા માર્ગો મળી કુલ 14,500 કિ.મી. લંબાઇના માર્ગોની રીસરફેસ નવીનીકરણની કામગીરી આગામી ડિસેમ્બર- 2022 સુધીમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે.

જીતુ વાઘાણીએ ઉમેર્યુ કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો સૌરાષ્ટ્ર-તારાપુર માર્ગનું કામ પૂર્ણ થયુ છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે જ્યારે તારાપુર-બગોદરા ફેઝ- 2ના રૂા.650 કરોડના કામો મંજૂર કર્યા છે જે કામો સત્વરે શરૂ કરાશે.

તેમણે ઉમેર્યુ કે, જળસંચય અભિયાનને વધુ બળ આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રયાસો હાથ ધર્યા હતા તેને આગળ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આગામી સમયમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમયસર હાથ ધરવાનું નક્કી કર્યુ છે જેના પરિણામે ગ્રામ્યસ્તરે પાણીની સુવિધા વધશે અને પાણીના સ્તર ઉંચા આવશે તેમજ તળાવોમાંથી નીકળતી ફળદ્રુપ માટી પણ ખેડૂતોને તેમના ખેતરમાં નાખવા વિના મૂલ્યે અપાશે જેથી જમીનની ફળદ્રુપતા વધશે.

પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવતાં એફિડેવિટમાંથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે. આ વ્યવસ્થાનો સત્વરે અમલ થાય અને નાગરિકોને કોઈ તકલીફ ના પડે તેવી કડક સૂચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટર સહિત સંબંધિત કચેરીઓને આપવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, વિધાનસભામાં સમયાંતરે નવા એકટ-કાયદા પસાર કરવામાં આવે છે. આ નવા કાયદાના બાકી રહેલા નિયમો સત્વરે બની જાય તેવી સૂચનાઓ આજે મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિભાગોને આપવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, આગામી માર્ચ 2022માં ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ પૂર્ણ થાય, તેની પૂરેપૂરી ગ્રાન્ટ વપરાય અને તેનો મહત્તમ લાભ પ્રજાને મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. જેથી નવા બજેટમાં નવી યોજનાઓનો મહત્તમ લાભ મળી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.

રમતવવીરોને પ્રોત્સાહિત કરવા ખેલ મહાકુંભનું આયોજન

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ગુજરાતના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપી વૈશ્વિકસ્તરે તૈયાર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં ખેલ મહાકુંભ-રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તેમજ રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીના રોજ સાંજે શક્તિ ગ્રીન્સ એન્ડ કન્વેન્શન સેન્ટર ગોતા-અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં નોંધણી માટે ‘કર્ટેન રેઈઝર’ પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે.

આવતીકાલે યોજાનાર ખેલ મહાકુંભ ‘કર્ટેન રેઈઝર’ કાર્યક્રમનું વંદે ગુજરાત ચેનલમાં અંદાજે 9,000 ગામોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. જિલ્લાઓમાં 150 રમતવીરો 252 તાલુકામાં તાલુકા દીઠ 50 જેટલા રમતવીરો જોડાશે. આમ રાજ્યભરમાંથી અંદાજે 5.50 લાખ લોકો વિવિધ માધ્યમોથી ઓનલાઇન કાર્યક્રમમાં જોડાશે. આ ખેલ મહાકુંભમાં વિવિધ કુલ ચાર કેટેગરીમાં ખેલાડીઓ ભાગ લઈ શકશે. આગામી સમયમાં યોજાનાર ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી અંદાજે 45 લાખ રમતવીરો ભાગ લેશે તેવી સંભાવના છે. રાજ્યભરમાંથી વધુમાં વધુ ખેલાડીઓ આ ખેલ મહાકુંભમાં જોડાઈને પોતાનું રમત કૌશલ્ય બતાવે તેવો મંત્રીએ ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat