Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નો રીપીટ થીઅરીનો અમલ મંત્રીઓના અંગત સ્ટાફની નિમણૂંકોમાં પણ થયો

નો રીપીટ થીઅરીનો અમલ મંત્રીઓના અંગત સ્ટાફની નિમણૂંકોમાં પણ થયો

0
115
  • કામચલાઉ ધોરણે અંગત સચિવ તથા અંગત મદદનીશની તાબડતોબ કરાઇ નિમણૂંકો

  • મંત્રીઓના સ્ટાફની બે મહિના સુધી કરાઇ નિમણૂંકો

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આજે રચાયેલા નવા મંત્રીમંડળમાં તાબડતોબ તેમના સ્ટાફની નિમણૂંકો અંગેના હુક્મો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. નો રીપીટ થીઅરીનો અમલ નવા મંત્રીમંડળની માફક તેમના સ્ટાફની નિમણૂંકમાં પણ કરાઇ હોવાનું જણાય છે. જો કે આ નિમણૂંક કામચલાઉ ધોરણે કરવામાં આવી છે. ત્યારબાદ મંત્રીઓ ઇચ્છશે તેમને તેમના અંગત સ્ટાફ તરીકે લાવી શકશે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા સાથે જ મંત્રીમંડળનું વિસર્જન થઇ ગયું હતું. તેની સાથે જ તેમના બંગલા તેમ જ ઓફીસો ખાલી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા હતા. તેમજ સરકારી ગાડી પણ જમા કરાવી દેવામાં આવ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળનું વિસર્જન થતાંની સાથે જ તેમના અંગત સચિવ તેમ જ મદદનીશ એવા 36 અધિકારીઓને મૂળ જગ્યા પર પરત મોકલી દેવામાં આવ્યા હતા.

આજે નવા મંત્રીમંડળની રચના થતાં જ સામાન્ય વહીવટ વિભાગે આજે મંત્રીઓના શપથવિધિ સમારોહ બાદ તેમના કાર્યાલયમાં વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે નવનિયુક્ત મંત્રીઓના કાર્યાલયમાં સેકશન અધિકારીઓની અંગત સચિવ તથા નાયબ સેકશન અધિકારીઓની અંગત મદદનીશની કામગીરી માટેની નિમણૂંકો અંગેના હુક્મો કર્યા છે. દરેક મંત્રીને એક અંગત સચિવ તથા એક અંગત મદદનીશ મળીને કુલ બે અધિકારીઓ ફાળવવામાં આવ્યા છે. 24 મંત્રીઓને ત્યાં 48 અધિકારીઓની નિમણૂંકો કરાઇ છે.

આ નિમણૂંકો આજે 16મી સપ્ટેમ્બરથી 15મી નવેમ્બર સુધી બે માસના નિશ્ચિત સમયગાળા માટે અથવા નિયમિત સ્ટાફની નિમણૂંક કરવામાં આવે ત્યાં સુધી અથવા તો પછી સંબંધિત મંત્રી ઇચ્છે એ ત્રણ પૈકી જે વહેલું હોય ત્યાં સુધી કામચલાઉ સ્ટાફ તરીકે નિમણૂંકો કરવામાં આવી છે. આ નિમણૂંકોમાં મહત્તમ અધિકારીઓ નવા મતલબ કે અગાઉના મંત્રીમંડળમાં નિમણૂંક પામેલા પૈકીના નહીં હોવાનું જાણવા મળ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat