Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BU પરમીશન વગરની શાળાઓ માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવા માટેની ભલામણ કરવાનો નિર્ણય

BU પરમીશન વગરની શાળાઓ માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવા માટેની ભલામણ કરવાનો નિર્ણય

0
34

ગાંધીનગર: બી.યુ. પરમીશન તથા ફાયર સેફટીના મામલે તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શાળાઓ સીલ કરી દેવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ શહેર અને ગ્રામ્યના શાળા સંચાલકોની યોજાયેલી મીટીંગમાં બીયુ પરમીશન નથી તેવી શાળાઓ માટે ટૂંક સમય માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવા માટેની ભલામણ કરવાનું નક્કી કરાયું છે. જે સ્કૂલો પાસે બીયુ પરમીશન નથી તેઓ સરકારમાં અરજી કરે અને તેમની પાસેથી દંડ અને ઈમ્પેક્ટ ફી લઈ બિલ્ડીંગ નિયમિત કરવામાં આવે તે માટે રજૂઆત કરાશે. ઉપરાંત સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે શાળાના સ્થળ તપાસ બાદનું પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવા માટે પણ ઠરાવ કરાયો છે. આ મિટીંગમાં બીયુ પરમીશન ઉપરાંત ફાયર સેફ્ટી અને વર્ગ સંખ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આજે અમદાવાદ શહેર અને ગ્રામ્યના શાળા સંચાલક મંડળની મિટીંગ મળી હતી. શાળા સંચાલનમાં પડતી વિવિધ મુશ્કેલીઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ બીયુ પરમીશન અંગે ચર્ચા કર્યા બાદ ઠરાવ કરાયો હતો. રાજ્ય સરકાર જેની પાસે બીયુ પરમીશન નથી, તેવી શાળાઓને એએમસી અથવા ઔડામાંથી સ્ટ્રક્ચરલ એન્જનિયર પાસે સ્થળ તપાસ કરાવી અને તેનું પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવું જોઈએ તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.

સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, આ ઉપરાંત અન્ય એક ભલામણ કરવાનું પણ નક્કી કરાયું છે, જે મુજબ આવા સંજોગોમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો ટૂંક સમય માટે અમલમાં લાવી શાળા સંચાલકો કે જેમની શાળાઓેને બીયુ પરમીશન નથી તેવી શાળાઓની અરજી લઈ દંડ અને ઈમ્પેક્ટ ફી ભરી મકાનો નિયમિત કરી આપવા જોઈએ. આ મુદ્દે પણ ચર્ચા બાદ સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરાયું છે.

ફાયર સેફ્ટી મુદ્દે 9 મીટર કરતા નાની શાળાઓમાં સેલ્ફ એફીડેવીટ આપી હોવા છતાં ડીઈઓ દ્વારા બિનજરૂરી મોટી કિંમતના ફાયરના સાધનો વસાવવા માટે દબાણ કરવામાં આવતું હોય છે. ખરેખર 9 મીટર માટે જે જોગવાઈ છે તે પરિપૂર્ણ કર્યા બાદ જ સંચાલકોએ સેલ્ફ એફીડેવીટ આપી છે, જેથી આ સંજોગોમાં ડીઈઓ કચેરીને જરૂરી સુચના આપવી જોઈએ. જ્યારે 9થી 15 મીટરની ઉંચાઈની શાળા છે, તેમાં મોટાભાગે ગ્રાન્ટેડ સ્કૂલો છે. ગ્રાન્ટેડ સ્કૂલો પાસે આવકના સ્ત્રોત ન હોવાથી આવી શાળાના કિસ્સામાં સરકારી રાહે ફાયર સેફ્ટીના સાધનો નાંખી આપે અને તેની જે રકમ હોય તે ગ્રાન્ટમાંથી ટુકડે ટુકડે હપ્તામાં વસુલ કરે તેવી લાગણી હતી.

જ્યારે કેટલાક સંચાલકોની લાગણી હતી કે, ફાયર સેફ્ટીના કુલ ખર્ચ સામે 50 ટકા સબસિડી સરકાર આપે અને 50 ટકા રકમ સંચાલકો ભોગવે. ફાયર સેફ્ટી મુદ્દે રાજ્ય સરકાર ધારે તો તેની પાસે અબાધિત સત્તા હોવાથી શૈક્ષણિક સંસ્થાઓને આમાંથી બાકાત કરી શકે છે. જે અંગે સરકારે વિચારવું જોઈએ તેવી સંચાલકોની લાગણી હતી.

ગતવર્ષે ધોરણ-9માં એક વર્ગ હોય તો ગ્રામ્યમાં 18 અને શહેરમાં 25 વિદ્યાર્થી માન્ય રાખ્યા હતા. જ્યારે બે વર્ગે ગ્રામ્યમાં 45+18 અને શહેરમાં 45+25 માન્ય રાખ્યા હતા. ગતવર્ષના વિદ્યાર્થીઓ 100 ટકા પરિણામને લીધે તમામ વિદ્યાર્થીઓ ધોરણ-10માં આવ્યા છે. આમ, ગતવર્ષની જે વિદ્યાર્થી સંખ્યા હતી તે જ વિદ્યાર્થી સંખ્યા ચાલુ વર્ષે પણ રાખવા માટે સંચાલકોએ માગણી કરેલી છે. આગામી સોમવારે સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat