Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન, ખનીજ માફિયાઓ બેલગામ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન, ખનીજ માફિયાઓ બેલગામ

0
208
  • અગાઉ આદિવાસી મ્યુઝિયમ માંથી કરોડો રૂ.નું માટી ચોરી કૌભાંડ ઝડપાયું હતું
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિકાસનાં નામે માટી ચોરી, સરકારને રોયલ્ટીમાં કરોડોનું નુકશાન
  • અનેક પ્રોજેકટમાં ગેરકાયદે રીતે રેતી અને ગ્રેવલો નંખાતા હોવાની બુમો


વિશાલ મિસ્ત્રી રાજપીપળા:
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) નજીક પ્રવાસીઓને આકર્ષવા માટે સરકારે અનેક પ્રોજેક્ટો હાથ ધર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ને જોડતા રોડ, વિશ્વ કક્ષાનો રેલ્વે પ્રોજેકટ સહિત અનેક પ્રોજેકટમાં ગેરકાયદેસર રીતે માટી, રેતી અને ગ્રેવલો નંખાતા હોવાની બુમો ઉઠી છે. તંત્ર કોરોના કહેરને કાબુ લેવા મથી રહ્યું છે તો બીજી બાજુ એનો જ ફાયદો ઉઠાવી ખનીજ માફિયાઓ બેલગામ બન્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ચાંદોદ કેવડિયા રેલ્વે લાઈનનું કામ પૂર ઝડપી ચાલી રહ્યું છે ત્યારે કેવડિયા વિસ્તારમાંથી માટીનું ખોદકામ મોટે પાયે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે. તાજેતરમાં રેલવે લાઈનની કામગીરી માટે કે કોઈ અન્ય બાંધકામની જરૂરિયાત માટે ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામની સુખલી ખાડીમાંથી કોઈ પણ મંજૂરી વગર રેતી ગ્રેવલ કેટલાંક તત્વો કાઢી રહ્યાં હોવાની જાણ ગ્રામ પંચાયતને થઈ હતી.

આ પણ વાંચોઃ Mumbai Rains VIDEO : મુંબઇ પાણી પાણી, મરીન ડ્રાઈવ પર મોજા ઉછળ્યાં

તપાસ દરમિયાન પંચાયતની માલિકી હોવા છતાં પરવાનગી લીધી ન હોવાનું તથા મોડી રાત્રે બારોબાર હાઇવા ઓવરલોડ ભરી ગ્રેવલ કાઢી જતા હોવાનું પંચાયતનાં ધ્યાને આવ્યું હતું. છેલ્લાં ત્રણ ચાર દિવસમાં 700થી વધુ હાઇવા ગ્રેવલ કાઢી ગયા હોવાનો પંચાયતે અંદાજ બાંધ્યો હતો. ગેરકાયદેસર ગ્રેવલ ચોરીને રોકવા માટે આમદલા ગામના મહિલા સરપંચ શીતાબેન તડવી અને સભ્યો ભેગા મળી મામલતદાર ગરુડેશ્વરને લેખિત આવેદન આપી આ લોકો સામે સખ્ત કાર્યવાહી કરવાની સાથે ઊંચો દંડ પણ ફટકારવાની માંગ કરી રહ્યાં છે.

અમે તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી : સરપંચ શીતાબેન તડવી

આ બાબતે આમદલા સરપંચ શીતાબેન તડવીએ જણાવ્યું હતું કે,

“અગાઉ પણ આ તત્વો કેટલીયે વાર રેતી-માટી-ગ્રેવલ કાઢી ગયા હતાં. અમે તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. હાલમાં અમે 31 જુલાઈ 2020ના ગ્રામ પંચાયતમાં પંચક્યાસ કરી સરપંચ સહીત ડે. સરપંચ અને અન્ય સભ્યો ગામના આગેવાનોની હાજરીમાં ગ્રેવાલની ચોરી કરી હોવાની વાત લખી જરૂરી દંડની પણ જોગવાઈ કરી છે. જો હવે કોઈ પણ જાતની ખનીજ ચોરી થઇ તો એમને અમે છોડીશું નહીં.”

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિકાસના નામે માટી ચોરી થવાથી સરકારને રોયલ્ટીમાં કરોડો રૂપિયાનું નુકશાન થાય છે ત્યારે બેલગામ બનેલા ખનીજ માફિયાઓ પર કાર્યવાહી જરૂરી બની છે. અગાઉ PM મોદીનો પ્રોજેકટ આદિવાસી મ્યુઝિયમ માંથી કરોડો રૂપિયાની માટી ચોરી કૌભાંડ ઝડપાયું હતું એ તપાસ ક્યાં સુધી પહોંચી એ મોટો પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ સુનિતાએ ભાંગરો વાટ્યો, ‘સરકારે નિયમ બનાવ્યાં, બાકી માસ્કની જરૂર જ નથી’