Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ના તોડવા પોલીસ અને કોર્પોરેશનની તોડની નવી તરકીબ

કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ના તોડવા પોલીસ અને કોર્પોરેશનની તોડની નવી તરકીબ

0
618

અમદાવાદ: કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરતા બિલ્ડરોનું બિલ્ડીંગ પણ ના તૂટે અને તોડ પણ થાય તેવી તરકીબ કોર્પોરેશન અને પોલીસના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ શોધી કાઢી છે. આ રીતે બિલ્ડરો સાથેની મિલીભગતથી ગેરકાયદેસર બાંધકામ અને તોડનું ગજબ રેકેટ ચાલી રહ્યું છે. અધિકારીઓના આ તોડ રેકેટને પગલે ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો કોટ વિસ્તારમાં ફુલ્યાફાલ્યા છે.કોટ વિસ્તારમાં તોડની આ નવી તરકીબથી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે.

કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો કરનાર બિલ્ડરોને કોર્પોરેશનના કેટલાક લેભાગુ અધિકારીઓ સાથે સેટિંગ ગોઠવ્યું છે. જે મુજબ ગેરકાયદેસર બાંધકામ માટે કોર્પોરેશન દ્વારા જે તે બિલ્ડરને ત્રણ નોટીસ આપવામાં આવે છે. જે દરેક નોટીસના જવાબ માટે 15-15 દિવસનો સમય આપવામાં આવી છે. આમ ત્રણ નોટીસના પત્ર વ્યવહાર અને તેના જવાબ આપવાના સમય દરમિયાન બિલ્ડર ગેરકાયદેસર બિલ્ડીંગનું 75 ટકા બાંધકામ કરી નાંખે છે.

આ પણ વાંચો: આશ્રય સ્કીમમાં બિલ્ડરે BU વિના કબ્જો આપતા ફ્લેટ સીલ, રહેવાસીઓ રસ્તા પર

બાંધકામ અંગે ખુલાસો કરવાની નોટીસ મળતાં બિલ્ડર બીજી નોટીસ જલ્દી ના કાઢવા માટે જે તે અધિકારીને વ્યવહાર કરે છે. આમ બિલ્ડરનું બાંધકામ મોટાપાયે થાય તે રીતે નોટીસ કાઢી કોર્પોરેશનના અધિકારીઓ રાહત આપતા હોય છે.

આ પ્રક્રિયા બાદ બિલ્ડીંગ તોડવાની તૈયારી સાથે કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત માંગતો લેટર જે તે પોલીસ સ્ટેશનના અધિકારીને મોકલવામાં આવે છે. પોલીસ અધિકારીનો વહીવટદાર જે બિલ્ડીંગ તોડવા માટે કોર્પોરેશન દ્વારા બંદોબસ્ત માંગવામાં આવ્યો હોય તે બિલ્ડિંગના બિલ્ડરનો સંપર્ક કરે છે.

પોલીસ જો કોર્પોરેશનને બંદોબસ્ત આપે તો બિલ્ડીંગ તૂટે અને બંદોબસ્ત ના આપે તો બિલ્ડીંગ ના તૂટે. આથી બિલ્ડર જે તે પોલીસ અધિકારી અને તેના વહીવટદાર ને રૂ.6 થી 7 લાખનો વ્યવહાર કરે છે. આ રીતે વ્યવહાર ચૂકવાયા બાદ જે તે પોલીસ અધિકારી વિવિધ બહાના બતાવી બંદોબસ્ત ન ફાળવી સમય પસાર કરે છે. આ દરમિયાનમાં બિલ્ડરો ગેરકાયદેસર બિલ્ડિંગમાં લોકોને મકાનો વેચી મારી રહેવા માટે ફાળવી દે છે.

આ પણ વાંચો: VIDEO : દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં સી-પ્લેનની મજા માણવાની તક

બિલ્ડિંગમાં લોકો રહેવા આવી ગયા બાદ સમગ્ર પ્રક્રિયા કાનૂની ગૂંચમાં આવી જાય છે. આમ ગેરકાયદેસર બિલ્ડીંગ તોડવુ મુશ્કેલ બની જાય છે. આ રીતે ચાલતા તોડના આયોજનબદ્ધ નેટવર્કથી સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ અજાણ છે. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ થાય તો ભ્રષ્ટ અધિકારીઓ અને લેભાગુ બિલ્ડરોની મોટી પોલ ખુલે તેમ છે.

(પ્રતિકાત્મક તસવીર)