Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > પોલીસના ગ્રેડ પે મુદ્દે સમાધાન નહી તો સરકારને ક્ષત્રિય સમાજની ઉગ્ર આંદોલનની ચિમકી

પોલીસના ગ્રેડ પે મુદ્દે સમાધાન નહી તો સરકારને ક્ષત્રિય સમાજની ઉગ્ર આંદોલનની ચિમકી

0
2368
  • ક્ષત્રિય સમાજના અગ્રણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધી સમાધાન કરી લેવા લેખિત રજુઆત

  • સોશિયલ મીડીયા ઝુંબેશની શરૂમાં અવગણના કરનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઊંઘ હરામ

દિપક મસલા,અમદાવાદ: ગુજરાત પોલીસના ગ્રેડ પે અને એસઆરપીના પડતર પ્રશ્નો સહિતની માંગણીઓ મુદ્દે ક્ષત્રિય સમાજના અગ્રણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધી સમાધાન કરી લેવા લેખિત રજુઆત કરતું આવેદન આણંદ કલેકટરને આપ્યું હતું. જો તેમ નહીં થાય તો રાજ્યભરમાં ક્ષત્રિય યુવા સેના ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે. આ ચિમકીને પગલે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત આઈબીએ તમામ પોલીસ કમિશનર,રેન્જના વડા અને એસપીને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે તકેદારી રાખવા સૂચના મોકલી છે. આમ પોલીસ માટે થતાં આંદોલનમાં અનિચ્છનીય બનાવ રોકવાની કામગીરી પોલીસના જ માથે આવી છે.

પોલીસના ગ્રેડ પે અને એસઆરપી જવાનોના પડતર પ્રશ્નોને લઈ રાતોરાત અચાનક એક ગુપ્ત ઝુંબેશ શરૂ થઈ હતી. સોશિયલ મીડીયા ઝુંબેશની શરૂમાં અવગણના કરનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. બીજી તરફ આ ઝુંબેશને રોકવા રાજ્ય સરકાર પણ વિચારમાં હોવાની વિગતો મળી છે. આ તબક્કે આજે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ પોલીસને ઉશ્કેરનાર (પોલીસ જવાનોની ભાષામાં જોડે રહેનાર) તત્વો અને પોલીસ જવાનોને સલાહ અને ચેતવણી એમ બે સૂરમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સલાહ અને ચેતવણીની ખાસ અસર ના થઇ હોય તેમ ક્ષત્રિય સેનાએ આ વિવાદમાં ઝુકાવ્યું છે.

આ પણ વાંચો: ગ્રેડ પે આંદોલનની અસર: ગુજરાતમાં પોલીસ પર સોશિયલ મીડિયા બંધી

ક્ષત્રિય સમાજના અગ્રણી અભિજિત બારડે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સંબોધી લેખિત રજૂઆતો કરી પોલીસ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે તત્કાલ અસરથી સમાધાન કરવા આણંદ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જો ઉપરોક્ત માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ક્ષત્રિય યુવા સેના દ્વારા રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

આણંદ જિલ્લા યુવા ક્ષત્રિય સેનાના પ્રમુખ વિજયસિંહ પરમાર અને ઉપ પ્રમુખ જયપ્રકાશ ચાવડાની આગેવાનીમાં 5ની સંખ્યામાં વિવિધ આંદોલનો કરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું. રાજ્ય પોલીસના સમગ્ર વિવાદમાં યુવા ક્ષત્રિય સેના દ્વારા અપાયેલી ઉગ્ર આંદોલનની ચિમકીને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા સ્ટેટ આઈબી દ્વારા સૂચના જારી કરાયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: પૂર્વ DGP ચિતરંજન સિંહ 4 મજૂરને ભરખી જનાર ચિરીપાલની વિશાલ ફેબ્રિક્સમાં ડાયરેક્ટર

આમ પોલીસ માટે લડત ચલાવતી ક્ષત્રિય સેનાની ચિમકીથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેનું ધ્યાન પોલીસે રાખવાનું છે. પોલીસ જવાનો આ પરિસ્થિતીમાં શું નિર્ણય લેશે તે તો આવનાર દિવસોમાં ખબર પડશે.