સુરતના પાંડેસરામાં યુવકે પોતાની પત્નીને તેના વતને મોકલી હતી. જો કે, પત્નીએ વતનમાં આપઘાત કર્યાની જાણ તેના પતિને થતા તેણે પણ આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઈ લોકોમાં ભારે ચકચાર પણ જોવા મળી રહી છે. આપઘાત કરનાર આ બન્ને જણાએ બે મહિના પહેલા જ લગ્ન કર્યા હતા.
મૃતકના મામાએ આ અંગે જણાવ્યું છે કે, આજે ગુરુવારના રોજ સવારે પત્ની રીતુ સાથે પતિ પ્રદીપે 40 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. જો કે, ફોન કપાયા બાદ પત્નીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. આ બનાવની જાણ તેના પતિને કરતા તે આઘાતમાં જતો રહ્યો હતો અને તેણે પણ પત્નીના બે કલાક બાદ હાથની નસકાપી અને ફાંસા ખાધો હતો. પ્રદીપ બે કલાકના સમય ગાળામાં જ તેના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આજે સવારે બનેલી આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જોવા મળી રહ્યો છે. આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, પત્નીએ વતનમાં ફાંસો ખાઈ લીધો હોવાની ટેલિફોનિક જાણ થતા જ પ્રદીપે પણ પોતાના જ રૂમમાં હાથ કાપી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન છે. પ્રદીપ રીંગરોડ કાપડ માર્કેટની સાડીની દુકાનમાં કામ કરતો હતો. પાંડેસરા તેરે નામ ચોકડી મહાલક્ષ્મીનગરમાં બનેલી ઘટના બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.