તુંવર મુજાહિદ, ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક જ સમયમાં યોજાશે. આ ચૂંટણીને લઇને વર્તમાનમાં બધા જ પક્ષ પોત-પોતાના કામોના પ્રચારમાં લાગ્યા છે. જોકે, આ વચ્ચે અમે તમને ગુજરાતના શિક્ષણ મોડલમાં આવી રહેલા ધરખમ પરિવર્તન વિશે માહિતી આપી રહ્યાં છીએ. અમે તમને અમારા પ્રથમ લેખમાં મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અંગેની માહિતી આપી હતી. હવે આ લેખમાં મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ કેવી કામગીરી કરવામાં આવશે તે અંગેની માહિતી આપીશું.
Advertisement
Advertisement
ગુજરાત શિક્ષણમાં ટ્રાન્શફોર્મેશન લાવવાની વાત કરવામાં આવી રહી છે. છેવાડાના ગામડાનો વિદ્યાર્થી પણ કોમ્પ્યુટર, લેપટોબ જેવા અધતન ગેજેટ પર જ શિક્ષણ મેળવે તેવી યોજનાનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની લોન્ચિંગ સાથે નંખાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં શિક્ષણ ક્ષેત્રે સમાયાંતર થોડા એવા સુધારાઓ સરકાર કરતી રહી છે, પરંતુ ગુજરાતની વિશાળ શિક્ષણ પ્રણાલી માટે તે પૂરતું થઇ રહ્યું નહતું. ગુજરાતમાં ઘણી એવી શાળાઓ છે, જ્યાં પૂર્વમાં સરકાર ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. પરંતુ હવે સરકાર દ્વારા વીસ હજારથી વધુ શાળાઓને અપગ્રેડ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ગુજરાતમાં કુલ લગભગ ચાલીસેક હજાર શાળાઓ છે.
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ સરકાર ભૌતિક સુવિધાઓમાં પણ વધારો કરવાનો પ્લાન બનાવી ચૂકી છે. કોઈપણ ભૌતિક ચીજ-વસ્તુના અભાવના કારણે વિદ્યાર્થીના શિક્ષણમાં મુશ્કેલી આવવી જોઇએ નહીં, તેવી વિચારસરણીને અનુસરીને આગામી દિવસોમાં ગુજરાતની શાળાઓને ભૌતિક ચીજ-વસ્તુઓના અભાવથી મુક્ત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આગામી દિવસોમાં સ્માર્ટ ક્લાસ રૂમ્સ, સ્ટેમ લેબ, આકર્ષક શાળા સંકૂલ સહિતની ભૌતિક વસ્તુઓને પ્રોજેક્ટ હેઠળ વસાવવામાં આવશે. જણાવી દઈએ કે, કોમ્પ્યુટર તો દરેક શાળાઓમાં ફરજિયાત રહેશે.
આ પણ વાંચો : #બેઠકપુરાણ બોટાદઃ અઢી દાયકામાં પાંચ વખત જીતેલા સૌરભ પટેલ હવે અહીં આયાતી ઉમેદવાર ગણાય છે
સ્કુલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટથી અંતર્ગત આગામી દિવસોમાં કુલ 20,000 સરકારી શાળાઓને વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડવામાં આવશે. તમામ 35,133 સરકારી શાળાઓ અને 5,847 ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ મળી કુલ આશરે 41,000 સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓને મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ પરિવર્તન કરવામાં આવશે.
આ શાળાઓમાં કુલ 50,000 નવા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવશે. તે ઉપરાંત 1,50,000 વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા, 20,000 નવી કમ્પ્યુટર લેબ, 5,000 સ્ટેમ લેબ / ટીકરીંગ લેબ વગેરે જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ તમામ સુવિધાઓ ઉપયોગ રાજ્યના 1 કરોડ વિદ્યાર્થીઓ કરી શકશે. રાજ્યના આ અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા 1 બિલિયન યુ.એસ. ડોલર એટલે કે લગભગ ₹7,500 કરોડનું ધીરાણ મંજૂર કરવામાં આવેલું છે.
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સૌથી મોટા શાળાકીય શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટેનો પ્રથમ પ્રોજેક્ટ છે. આટલા મોટા પાયે પ્રાથમિક શિક્ષણ સુધારનો પ્રયાસ અત્યાર સુધી કોઈપણ રાજ્યમાં એક સાથે થયો નથી. આ પ્રોજેક્ટના કારણે રાજ્યના એક કરોડથી વધુ વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ મળશે. તે ઉપરાંત આવનારી પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકામાં આવી જશે.
આ પણ વાંચો : #રિપોર્ટ: ગુજરાતના શાળાકીય શિક્ષણ વ્યવસ્થા સ્તરને સુધારવા રાજ્ય સરકારે કંઇ વિચાર્યું છે ખરૂ?
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર રાજ્યોના બાળકોને શું ફાયદો થશે?
મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સની ભલે સત્તાવાર રીતે શરૂઆત કરવામાં આવી ના હોય પરંતુ તેના વખાણ દેશ બહાર થવા લાગ્યા છે. વર્લ્ડ બેન્કના ગ્લોબલ એજ્યુકેશન ડાઇરેક્ટર હાઇમે સાવેદરા આ પ્રોજેક્ટથી એટલા તો પ્રભાવિત થયા કે, તેમને વિદ્યા સમીક્ષા કેન્દ્રનો અને શૈક્ષણિક સુધારાઓનાં ગુજરાત મોડેલનો જાતે અભ્યાસ કરી તેને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ તરીકે જાહેર કર્યો.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ થકી વિદ્યાર્થીઓને આપવામાં આવતા શિક્ષણમાં જેવી રીતના પરિવર્તન શરૂ કરવામાં આવ્યા છે, તે જોતા આગામી દિવસોમાં ગુજરાતના વિદ્યાર્થીઓ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ સાથે હરિફાઇ કરી શકશે. આ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર તેમની શક્તિ બનશે.
ક્રમશ:
Advertisement