Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે કેટલા પૈસા ખર્ચ કરી રહી છે?

ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે કેટલા પૈસા ખર્ચ કરી રહી છે?

0
114

ગુજરાત સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિ પટેલ દ્વારા વિધાનસભામાં 2021-22નું બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ. જેમાં આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે 32,710 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પાછલા વર્ષ કરતા આ વર્ષે 764 કરોડ વધુ શિક્ષણમાં ફાળવાયા છે. જોકે, આ વર્ષના બજેટમાં સ્કૂલો-કોલેજોના વિદ્યાર્થીઓને મોટા પાયે અસર કરે તેવી કોઈ મોટી યોજના કે જોગવાઈની જાહેરાત કરવામાં આવી નથી. મોટા ભાગની જુની બાબતોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગ માટે આ વખતના બજેટમાં કુલ 32719 રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ હેઠળ રાજ્યની 3400 સ્કૂલોમાં સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરવા પાંચ વર્ષ માટે 1207 કરોડના ખર્ચનું આયોજન કરાયુ છે.

તે ઉપરાંત ઐતિહાસકિ મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપ્ત ધરાવતી ખૂબ જુની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનિકરણ કરવા 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે. રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓમાં વિજળીકરણ અને પીવાના પાણી માટે 72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જેઈઈ અને નીટ સહિતની રાષ્ટ્રીય પરીક્ષાઓ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં 11-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગની સુવિધા આપવા 20 કરોડની જોગવાઈ કરવામા આવી છે. સંસ્કૃત પાઠશાળાઓના વિકાસ માટે 10 કરોડની જોગવાઈ થઈ છે. જ્યારે નવી શિક્ષણ નીતિ હેઠળ પૂર્વ પ્રાથમિક શિક્ષણના 16 લાખથી વધુ બાળકોના વિકાસ માટે પાંચ કરોડની જોગવાઈ સાથે પા પા પગલી યોજના શરૂ કરાવામાં આવી છે.

ઉચ્ચ અને ટેકનિલ શિક્ષણમાં આ વર્ષે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સહાય માટે 287 કરોડની જોગવાઈ કરાઈ છે. જે ગત વર્ષથી ઘણી ઘટી છે. ટેબ્લેટ યોજના અંતર્ગત 200 કરડોની જોગવાઈ અને સરકારી ઈજનેરી કોલેજો તથા આઈઆઈટી રામ અને સેપ્ટ માટે ગ્રાન્ટની ફાળવણી માટે 179 કરોડની જોગવાઈ છે.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે 20 કરોડની જોગવાઈ થઈ છે. સામાજિક પછાત વર્ગો અને આદિજાતિના વિકાસ અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસા મુંડા આદિજાતિ યુનિ.માટે 26 કરોડની જોગવાઈ અને ધોરણ 9ની 48 હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાશાધના હેઠળ સાયકલ માટે 19 કરોડની ફાળવણી થઈ છે.

ગોધરા અને મોરબી ખાતે બનાવવામા આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા 50 કરોડની જોગવાઈ થઈ છે. એકંદરે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં 764 કરોડ વધુ ફાળવાયા છે. જણાવી દઈએ કે, પાછલા વર્ષે 31,955 કરોડ રૂપિયા શિક્ષણક્ષેત્રે ફાળવવામાં આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat