Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 108 એમબ્યુલન્સ વગર કેટલાં દર્દીઓ દાખલ કરાયા ? જાણો..

108 એમબ્યુલન્સ વગર કેટલાં દર્દીઓ દાખલ કરાયા ? જાણો..

0
70
  • વાડ જ ચીભડા ગળે છે તેવી શારદાબેન હોસ્પિટલમાં સ્થિતિ સર્જાઇ

  • 108 વગર દાખલ નહીં કરવાના નિયમનો ખુદ હોસ્પિટલના RMO છડેચોક ભંગ કર્યો હોવાનો ઘટસ્ફોટ

ગાંધીનગર: 108 એમ્બ્યુલન્સ વગર દર્દીઓને દાખલ નહીં કરવાના અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નિયમના કારણે હોસ્પિટલોની બહાર લાંબી લાઇનો સર્જાતી હતી. તો દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડતી હતી. આ નિયમના કારણે અનેક દર્દીઓ રઝળતાં રહ્યાં હતા. તો કેટલાંકે દમ તોડી દીધો હોવાના કિસ્સાંઓ પ્રકાશમાં આવ્યા હતા. જેના કારણે ભારે હોબાળો સર્જાયો હતો. જેને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે કરેલા નિર્દેશના પગલે ગઇકાલે તા.28મી એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને દાખલ કરવાથી માંડીને આધાર કાર્ડ તેમ જ શહેરની હદનો મામલો દૂર કરવાની ફરજ પડી હતી. આ નિર્ણયનો આજથી અથવા તો ગઇકાલે જાહેર કરાયો ત્યારથી અમલ કરવામાં આવ્યો હોવાનું માની લેવામાં આવે તો પણ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને 108 એમ્બ્યુલન્સ વગર દાખલ કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવીR છે. હોસ્પિટલના રેકર્ડમાં આર.એમ.ઓ.ની સૂચનાથી દર્દીને દાખલ કરવામાં આવ્યા હોવાની નોંધ સ્પષ્ટપણે દેખાઇ રહી છે. આ કિસ્સાંએ વાડ જ ચીભડા ગળે છે કહેવતને યથાર્થ સાબિત કરી છે. ત્યારે સરકારે અથવા તો મ્યુનિ. કોર્પોરેશને આ અંગે ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલોમાં તપાસ કરાવીને સત્યતા ચકાસવી જોઇએ.

કોરોનાના કપરા કાળમાં અમદાવાદમાં આવેલી હોસ્પિટલોમાં 108 એમ્બ્યુલન્સ વગર દાખલ નહીં કરવાના નિયમનો અમલ કરવામાં આવતો હતો. આ નિયમ હેઠળ અનેક દર્દીઓને ગંભીર પરિસ્થિતિ હોવા છતાં એમ્બ્યુલન્સ વગર દાખલ કરવામાં આવતા ન હતા. શહેરના નરોડાની હરીદર્શન ચાર રસ્તા પાસે રહેતાં અને કેન્દ્ર સરકારના નિવુત્ત કર્મચારીને અચાનક રાત્રે શ્વાસ રુંધાવા લાગતાં તેમનો પુત્ર તેમને પોતાની કારમાં શારદાબેન હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ સિકયોરીટી ગાર્ડે તેમને હોસ્પિટલમાં પ્રવેશવા દીધા ન હતા અને હોસ્પિટલના આરએમઓએ મ્યુનિ. કમિશનરનો પત્ર બતાવીને દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આખરે યુવકે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતાં શહેરકોટડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અપીલ કરી હોવા છતાં સત્તાધીશો મ્યુનિ. કમિશનરના લેટરનું રટણ સતત ચાલુ રાખીને દર્દીને દાખલ કર્યા ન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તે જ રીતે આ જ હોસ્પિટલે યુવકને દાખલ નહીં કરતાં તેની માતા તેમના પુત્રને લઇને રસ્તે રઝળતી હાલતમાં બેઠી હોવાનો વીડીયો સોશિયલ મીડિયીમાં વાયરલ થયો હતો. આમ નિયમોનું ચુસ્ત પાલન કરતાં હોવાની શેખી મારતી શારદાબેન હોસ્પિટલના જ આરએમઓ ડો. નાયકના કહેવાથી 108 વગર બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.

એટલું જ નહીં તે બાબતની હોસ્પિટલના ચોપડામાં નોંધ કરવામાં આવી છે. જરૂરિયાત મંદ દર્દીને દાખલ કરવામાં આવ્યા તેનો કોઇ વિરોધ નથી તે પગલું આવકારદાયક છે. પરંતુ સત્તાધીશોના બેવડા ધોરણો છે તે યોગ્ય નથી. નિયમ બધાં માટે સરખાં છે.

શારદાબેન હોસ્પિટલના ચોપડામાં જોઇએ તો ચાંદખેડામાં રહેતાં 56 વર્ષીય મહિલાને તથા નવા નરોડામાં રહેતાં 60 વર્ષીય પુરુષને દાખલ કરવામાં આવ્યા હતા. આ બંનેને દાખલ કર્યાની ચોપડાંમાં નોંધ કરવામાં આવી હતી. આ કોર્પોરેશનના ચોપડામાં એક તરફ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, આરએમઓ નાયક સરના કહેવાથી 108 વગર તેમ જ રિટર્ન સીટ વગર દાખલ કરેલાં છે.

આ અંગે શારદાબેન હોસ્પિટલના આરએમઓ ડો. કુલભૂષણ નાયકે જણાવ્યું કે, એવું કશું ના હોય, ઇમરજન્સીમાં દર્દી આવ્યું હોય તો દાખલ કરી દીધાં હોય તેમ કહીને ફોન મૂકી દીધો હતો.

આ ઘટના અંગે અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ પરીખે જણાવ્યું છે કે, થોડાં દિવસ પહેલાં માં પોતાના દીકરાને લઇને આખી રાત રોડ પર બેસી રહેતી હોય ત્યારે એવું બહાનું કાઢવામાં આવતું હોય કે 108 વગર અમે કોઇને દાખલ નહીં કરીએ, બીજીબાજુ આવા નિર્દયી આરએમઓ કે જે પોતાના સગાંવ્હાલાંને દાખલ કરતાં હોય. આ શારદાબેન હોસ્પિટલ સ્લમ વિસ્તારમાં આવેલી છે. અહીંયા સોસાયટીઓ કરતાં ચાલીઓ વધારે છે. ગરીબ દર્દીઓની પડખે ઊભા ના રહેતાં હોય તેવા આરએમઓએ સ્વૈચ્છિક રાજીનામું આપવું જોઇએ, ના આપે તો તેમને સસ્પેન્ડ કરવા જોઇએ.

જયારે AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ સમસાદ પઠાણે જણાવ્યું હતું કે, આરએમઓ દ્વારા ગંભીરતા જોઇને દર્દીની સારવાર કરવામાં આવી હોય તો તે સારું કાર્ય છે. પરંતુ વ્હાલાંદવલાંની નિતી અપનાવીને કે રાજકીય દબાણ હેઠળ કોઇને દાખલ કર્યા હોય તો તેમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઇએ. કેમ કે તેમણે પોલીસી બ્રેક કરી છે. જો કે આવી પોલીસી હોવી જ ના જોઇએ. જરૂરિયાતમંદ વ્યક્તિ કે જેને મેડિકલ સારવારની જરૂર છે તો તે આપવાની સરકારની જવાબદારી છે. તે પુરી પાડવી જોઇએ. આરએમઓએ જેમને સારવાર આપી છે તે ખરેખર જરૂરિયાતમંદ છે, કે પછી રાજકીય દબાણ કે સગાંવાદને લીધે દાખલ કર્યા હોય તો તેમને હોદ્દા પરથી દૂર કરવા જોઇએ. તેમની સામે લાંચ રુશ્વત વિરોધી કાર્યવાહી કરવી જોઇએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat