Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > વિધાતાએ સાતમાં ધોરણથી અભ્યાસ છોડાવ્યો, શોખે અરવિંદભાઈના ચિત્રોને દ્વારકાધીશ મંદિર સુધી પહોંચાડ્યા

વિધાતાએ સાતમાં ધોરણથી અભ્યાસ છોડાવ્યો, શોખે અરવિંદભાઈના ચિત્રોને દ્વારકાધીશ મંદિર સુધી પહોંચાડ્યા

0
62

800થી વધારે ચિત્રો બનાવનારા અરવિંદભાઈના ચિત્રે આ વર્ષે માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતાં દીપોત્સવી અંકમાં પણ સ્થાન મેળવ્યું

ગાંધીનગર: માણસમાં ગમે તેવી આવડત હોય તો પણ પરિસ્થિતિ સામે તેને ઝુકવું પડે છે. પરંતુ તેને તાબે થઈને બેસી રહેવાના બદલે સતત ઝઝૂમતા રહેવાથી વ્યક્તિ સફળતા જરૂર મેળવે છે તે પણ એક નિર્વિવાદ સત્ય હોવાના અનેક કિસ્સાઓ છે. આવો જ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમાજને પ્રેરણા આપે એવો કિસ્સો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકામાંથી મળી આવ્યો છે.

જામ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં અરવિંદભાઈ દેવરાજભાઈ ખાણધર રહે છે. અરવિંદભાઈના ઘરનો વ્યવસાય ખેતી છે. બા-બાપુજી ખેતી કરે છે. ઘણી વખત અમુક આર્ટ ભગવાન તરફથી માણસને ગોડ ગિફ્ટ તરીકે મળ્યાં હોય છે.

અરવિંદભાઈના કેસમાં પણ એવું જ છે. તેમને નાનપણથી જ ચિત્રકલામાં ખૂબ જ રસ. સાતમા ધોરણમાં હતા એ વખતે નાના-મોટા ઘણાં ચિત્રો બનાવ્યા કરે. અરવિંદભાઈ ઘરમાં એકમાત્ર દિકરા, તેમનાથી મોટી 3 મોટી બહેનો હતી. ત્રણેય બહેનો સાસરે ગયા પછી ખેતીની જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી.

એ સમય એવો વિચિત્ર હતો કે અરવિંદભાઈ માટે ખેતી, અભ્યાસ અથવા ચિત્ર ત્રણેયમાંથી એકની પસંદગી કરવી જરૂરી હતી. આખરે પરિવારના નિર્વાહ અને જવાબદારીના લીધે અરવિંદભાઈએ ખેતીની પસંદગી કરવી પડી. થોડા સમય સુધી તેમણે ખેતી કરી, પણ અંતરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો શોખ રહી રહીને દેખા દીધે રાખતો હતો. ધીરે ધીરે અરવિંદભાઈએ ખેતીની સાથે સાથે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું.

અત્યાર સુધીમાં અરવિંદભાઈએ 800થી વધારે ચિત્રો બનાવ્યાં છે. અનેક વ્યક્તિ, મહાનુભાવોના ચિત્રો ઉપરાંત રાજ્યો અને દેશના નકશા અને સંસ્થાઓના લોગો પણ અરવિંદભાઈએ બનાવ્યા છે. ઝાંસી ખાતે યોજાયેલી મણિકર્ણિકા આર્ટ ગેલેરીમાં યોજાયેલ એક્ઝિબિશનમાં કુલ 14 દેશના 181 કલાકારોની કૃતિઓમાં અરવિંદભાઈની 2 કૃતિનો પણ સમાવેશ થયો છે.

ઓઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ ઉપરાંત પેન્સિલ વર્કથી પણ ચિત્રો બનાવવામાં માહેર એવા અરવિંદભાઈની કેટલીય કૃતિઓ વિવિધ અખબારો અને પ્રકાશનોમાં પણ ચમકી ચૂકી છે. ગુજરાત સરકારે 2021ની દિવાળી સમયે માહિતી ખાતાનો જે દિપોત્સવી અંક બહાર પાડ્યો તેમાં પણ અરવિંદભાઈના ચિત્રો પ્રકાશિત થયાં છે.

અરવિંદભાઈએ પોતાના શોખને તેને રોજીરોટીની સાથોસાથે સતત જીવતો રાખ્યો અને તેના લીધે જ આજે તેમના ચિત્રો અનેક જગ્યાએ સ્થાન પામ્યા છે અને વખણાયા છે. આજે દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરમાં પણ અરવિંદભાઈના ચિત્રો સ્થાન પામ્યા છે, જે તેમની ચિત્રો દોરવાની કાબેલિયત દર્શાવે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat