-
યોગાનુયોગ હિતેષભાઇનો જન્મદિવસ અને સાક્ષરતા દિવસ એક જ દિવસે હોવાથી અનોખી રીતે ઉજવણી કરાશે
-
મુખ્યમંત્રી જનસંપર્ક અધિકારી હિતેષ પંડયાનો બુધવારે જન્મદિવસ
ગાંધીનગર: ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન, ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના અખિલ ભારતીય પ્રમુખ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારી હિતેષ પંડયાનો આવતીકાલે તા. 8મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ગુજરાત રાજ્યમાં ઈન્ડિયન લાયન્સ સંસ્થાની 80થી વધુ ક્લબો આવેલી છે. હિતેષ પંડ્યાના જન્મદિવસે જ યોગાનુયોગ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ હોવાથી અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવેલી કલબો દ્વારા નિરક્ષર મોટીવયના તેમ જ સ્લમ વિસ્તારમાં રહેતી મહિલા અને બાળકોને સાક્ષર કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
હિતેષ પંડ્યા વ્યવસાયે પત્રકાર છે અને તેમના પત્રકારત્વના અનુભવને આધારે તેઓ 2001થી ગુજરાતના મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીઓ સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
વડોદરામાં જન્મેલા હિતેષ પંડ્યાએ તેમનું પ્રારંભિક શિક્ષણ જામનગરમાં લીધું ત્યારબાદ તેઓનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયા પછી તેઓનું પ્રાથમિક શિક્ષણથી માંડીને સ્નાતક કક્ષાનું શિક્ષણ રાજકોટમાં જ પૂર્ણ થયું. પત્રકારિત્વની બારાખડી રાજકોટથી પ્રકાશિત થતાં ન્યૂઝ પેપર્સમાં ઘૂંટી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં હિતેષ પંડ્યાને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું હતું અને દેશના રાજકીય ઈતિહાસની દિશા બદલનાર નવનિર્માણ આંદોલનમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું હતું. આ આંદોલન દરમિયાન દેશભરમાં લદાયેલી કટોકટી દરમિયાન અગિયાર માસ સુધી જેલવાસ ભોગવ્યો હતો. જેથી તેઓ મીસાવાસી તરીકે પણ ઓળખાય છે.
હિતેષ પંડ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Municipal School Board)ના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. સને 2001માં તેઓએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટ (Intellectual Cell)ના પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે.
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી… જય રણછોડ માખણ ચોર…જેવી ધૂનને સૌરાષ્ટ્રમાં લોકપ્રિય બનાવી અને રાજકોટમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ રથયાત્રાની શરૂઆત કરી અને આ સાથે જ તેઓએ રાજકોટ સ્થિત બ્રહ્મ સોશિયલ ગ્રુપની સ્થાપના કરી.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્થાયી થયા બાદ તેમણે ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ, ગાંધીનગર ઘટકની સ્થાપના કરી હતી. હાલ, તેઓ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના વૈશ્વિક સંગઠન AGBS Federationના પ્રમુખપદે પણ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વિચારયાત્રાથી પ્રેરિત થઈને NATION FIRST FOUNDATION ની સ્થાપના કરી હતી. જે આજે સમગ્ર ભારતમાં એક રાષ્ટ્રવાદી ઓળખ ધરાવે છે, જેના તેઓ સ્થાપક ટ્રસ્ટીમાંના એક છે. તેમના સોશિયલ મીડિયામાં આજે વિવિધ ગ્રુપ ચાલે છે.
G to G Family Social Welfare Foundationની સ્થાપના કરી. જેના થકી વિશ્વ, ભારત અને ગુજરાતમાં વસતા વિવિધ લોકોને જોડીને વર્ષમાં એક ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ કરીને વોટ્સએપ મિત્રોને જોડીને અનોખી G to G Family બનાવી છે. હિતેષભાઈ પંડ્યા ગુજરાત સરકારમાં PRO to Chief Minister તરીકેની કામગીરી સાથે સાથે જ સમાજમાં સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે. તેમના ધર્મપત્ની આશાબેન પંડ્યા કે, જેઓ ગૃહિણી હોવાની સાથે સાથે જ સમાજ સેવામાં અગ્રેસર છે. જેઓ હાલમાં ઈન્ડિયન લાયન્સના નેશનલ ચેરપર્સન પદેથી નિવૃત્ત થયાં છે પણ જવાબદારી અહર્નિશ ચાલુ છે. જયારે હિતેષભાઈ પંડ્યા ઈન્ડિયન લાયન્સ, નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન, સરગમ ક્લબ, G2G જેવી સંસ્થાઓના હોદ્દેદાર તરીકે સેવા આપી રહ્યા છે.