Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર, આણંદમાં આભ ફાટ્યું

ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર, આણંદમાં આભ ફાટ્યું

0
233

ગાંધીનગર: લાંબા સમયથી મધ્ય ગુજરાતને હાથતાળી આપી રહેલા મેઘરાજા હવે અહીં મહેરબાન થઈ રહ્યા છે. મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 238 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. એમાંય આણંદમાં આભ ફાટ્યું હોય તેમ 25 કલાકમાં 12.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના હવામાન વિભાગે અગાઉથી જ કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેના કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આણંદમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સર્જાઈ હતી.

મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં બારડોલીમાં 6.5 ઈંચ, માંડવીમાં 11 ઈંચ, વઢવાણમાં 6 ઈંચ, લખતરમાં 9 ઈંચ, ઉમરપાડા-અંકલાવમાં પોણા 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સિવાય જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ જિલ્લામાં અડધાથી 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા વરસાદના પગલે રાજ્યની મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે. રાજ્યના મોટાભાગના ડેમો છલકાયા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદ વરસી શકે છે.