Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જિલ્લાઓ થશે જળબંબાકાર

રાજ્યમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જિલ્લાઓ થશે જળબંબાકાર

0
5998
  • માછીમારોને પણ દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સૂચના

  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસશે

  • આગામી 48 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સતત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ફરી વાર ભારે વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસશે એટલે કે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમેહર જોવા મળશે.

આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસશે. ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ખેડામાં પણ વરસાદી ઝાપટાં પડશે. જ્યારે વલસાડ, નવસારી અને ભરૂચમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી અને મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

આ પણ વાંચોઃ અનલૉક-3: ઓગસ્ટમાં ખુલી શકે છે થિયેટર, જાણો શું હશે નિયમ?

જાણો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

તમને જણાવી દઇએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 38.26 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ ગત વર્ષે જુલાઇમાં જ સિઝનનો સરેરાશ વરસાદ 60 ટકાએ પહોંચી ગયો હતો. જ્યારે ગત વર્ષે જુલાઇમાં સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ 222.37 મિમી એટલે કે 9 ઇંચ જેટલો વરસ્યો હતો. પરંતુ આ વર્ષે 195.68 એટલે કે 8 ઇંચ સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રનાં ત્રણ જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકામાં 155 %, પોરબંદરમાં 106.91 %, સિઝનમાં જામનગરમાં 101 % વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 84.87 % વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં માત્ર 25 % જ વરસાદ વરસ્યો છે.