Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ

હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ

0
176
  • કર્મચારીઓ ફરજ પર હાજર થશે નહીં તો કડક કાર્યવાહી કરાશે

  • રાજયમાં કોવિડ-19ના 2.5 લાખ કરતા વધુ કેસ અને 4700થી વધુ મૃત્યુ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19નું સંક્રમણ અટકાવવા તથા તેને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય તકેદારી રાખવામાં ન આવે તો કોવિડ-19ના પોઝિટિવ કેસોની સંખ્યા વધી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા કોવિડ-19 રસીકરણના મહાઅભિયાન અંતર્ગત ગુજરાતમાં તબકકાવાર હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન કાર્યકર અને વયોવૃધ્ધ વ્યકિતઓને વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આમ આ તમામ આરોગ્યલક્ષી કામગીરી નિયમિત સુચારૂ રીતે થાય તે માટે આરોગ્યના તમામ ડોકટર્સ, કર્મચારીઓ પોતાની ફરજ બજાવે તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાને લઈ અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આદેશ કર્યાં છે.

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેના જણાવ્યા મુજબ, વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓ અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરે તો, દર્દીઓને સારવાર આપવામાં તેમજ રસીકરણમાં મોટી મુશ્કેલીઓ ઉભી થઇ શકે તેમ છે. આથી સામાન્ય પ્રજાને તેમજ દર્દીઓને કોઇ હાલાકી ન ભોગવવી પડે તે માટે જે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, તેઓની સેવાઓ લેવી જરૂરી હોઈ એપીડેમીક ડીસીઝ એકટ-1897 હેઠળ મળેલ સત્તાની રૂએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને તાત્કાલીક ફરજ પર હાજર થવા જરૂરી હુકમ કરવામાં આવ્યા છે. જો, કર્મચારીઓ ફરજ પર હાજર થશે નહીં તો કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

આ પણ વાંચો: ગાંધીધામના કિડાણામાં જૂથ અથડામણ: હત્યા સહિત 3 ફરિયાદ નોંધાઇ, 40 લોકોની અટકાયત

શિવહરેએ ઉમેર્યું કે, હાલની કોવિડ-19ની પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં રાજયમાં કોવિડ-19ના 2.5 લાખ કરતા વધુ પોઝિટિવ કેસ અને 4700થી વધુ મૃત્યુ નોંધાયા છે. કોવિડ-19ના રોગચાળાને નાથવા માટે આરોગ્ય વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યો છે. કોવિડ-19 રોગના અટકાવવા અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત સર્વેલન્સ, કોન્ટેકટ ટ્રેસીંગ, રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ, ધન્વંતરી રથ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટરના માધ્યમથી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ અથાગ પ્રયત્નોને કારણે કોવિડ-19ના કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરી શકાયો છે.

હાલની સ્થિતિ વચ્ચે આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓ તા.12 જાન્યુઆરી 2021થી અચોકકસ મુદ્દતની હડતાલ પર છે. આ તમામ કર્મચારીઓએ તેઓની મૂળભૂત ફરજના સ્થળે તાત્કાલિક બિનશરતી હાજર થવાનું રહેશે. જો કર્મચારી આદેશનું પાલન ન કરે તો ધ એપીડેમીક ડીસીઝ એકટ-1897ના જાહેરનામાની જોગવાઇ મુજબ સંબંધિત કલેકટરોને આ અંગેની કાર્યવાહી કરી સંબંધિત કર્મચારીઓને હાજર કરાવવા આદેશ અપાયો છે. જેની તાત્કાલિક અમલવારી કરવાની રહેશે. તે ઉપરાંત તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને ગેરહાજર તમામ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને અનઅધિકૃત રીતે ફરજ પર ગેરહાજર ગણી સર્વિસ બ્રેક મુજબના પગલાં લેવા આદેશ આપ્યા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9