Gujarat Exclusive > દેશ-વિદેશ > પ્લાઝમા થેરાપી પર સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, હજુ તે કોરોનાની સારવાર નથી

પ્લાઝમા થેરાપી પર સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, હજુ તે કોરોનાની સારવાર નથી

0
337

નવી દિલ્હી: કોરોના વાઈરસની સારવાર માટે પ્લાઝમા થેરાપીને કારગર માનવામાં આવી રહી છે. દિલ્હી સહિત અનેક રાજ્યોના દર્દીઓને આ થેરાપી આપવાની શરૂ પણ કરી દેવામાં આવી છે, પરંતુ હવે કેન્દ્ર સરકારે તેને લઈને સચેત કરતાં જણાવ્યું કે, આ થેરાપીને હજુ સુધી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી મંજૂરી નથી મળી. હાલ આ થેરાપીને માત્ર ટ્રાયલ અને રિસર્ચના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે. ગાઈડલાઈન્સનું યોગ્ય રીતે પાલન નહીં કરવામાં આવે, તો ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.

આ અંગે માહિતી આપતી સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, કોરોના વાઈરસની સારવારને લઈને હજુ સુધી વિશ્વમાં કોઈ એપ્રુવ થેરાપી નથી, પ્લાઝમા થેરાપી પણ નહીં. હાલ તે માત્ર પ્રયોગના સ્તર પર જ છે. તેને લઈને કોઈ સાબિતી નથી કે, તેનો ટ્રીટમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી શકે છે. અમેરિકામાં પણ તેને એક્સપેરિમેન્ટ તરીકે જ લેવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, IMCRએ એક નેશનલ સ્ટડી લોન્ચ કરી છે. જે અંતર્ગત પ્લાઝમા થેરાપીની અસરનો અભ્યાસ કરવામાં આવશે. જ્યાં સુધી તે પૂર્ણ ના થાય અને IMCR મંજૂરી ના આપે, ત્યાં સુધી તેનો ઉપયોગ રિસર્ચ અને ટ્રાયલ તરીકે જ કરવામાં આવે.

લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, જો આપણે પ્લાઝમા થેરાપીનો યોગ્ય રીતે અને ગાઈડલાઈન અંતર્ગત ઉપયોગ નહીં કરીએ, તો દર્દીનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. જ્યાં સુધી તેની અસર સિદ્ધ ના થાય અને એપ્રુવ ના થાય, ત્યાં સુધી તેને લઈને કોઈ દાવો કરવો ખોટો છે.

શું છે પ્લાઝમાં થેરાપી?
પ્લાઝમા થેરાપી જૂની પદ્ધતિ છે. ગઈ સદીમાં જ્યારે સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો, ત્યારે તેનો ઉપયોગ સફળ સાબિત થયો હતો. આ થેરાપી અંતર્ગત સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીના લોહીમાંથી પ્લાઝમા લઈને બીમાર વ્યક્તિને ચઢાવવામાં આવે છે. સ્વસ્થ થઈ ચૂકેલા દર્દીના એન્ટીબોડીથી બીમાર લોકોને રિકવરીમાં મદદ મળે છે. જેથી દર્દીના શરીરમાં વાઈરસ નબળો પડવા લાગે છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કેવી રીતે જીતાશે જંગ? કોરોના ટેસ્ટમાં પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકાથી પણ પાછળ ભારત