Gujarat Exclusive > રાજનીતિ > હાથરસ કાંડ: પીડિતાના પરિવારને મળવા જતાં રાહુલ-પ્રિયંકાને અટકાવાયા

હાથરસ કાંડ: પીડિતાના પરિવારને મળવા જતાં રાહુલ-પ્રિયંકાને અટકાવાયા

0
124

લખનઉ: ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની (Hathras Gangrape) ઘટના બાદ દેશભરમાં ફિટકાર વરસી રહ્યો છે. કોંગ્રેસ (Congress) તરફથી સતત ઉત્તર પ્રદેશની યોગી સરકારની (Yogi Government) નીતિઓની ટીકા કરવામાં આવી રહી છે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi) હાથરસ માટે રવાના થયા હતા. જ્યાં તેઓ દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવાના છે.

જો કે UP સરકારે તેમના કાફલાને બોર્ડર પર જ અટકાવી દીધો છે. જે બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી કારમાંથી ઉતરીને પગપાળા જ હાથરસ જવા માટે રવાના થયા છે. કોંગ્રેસ નેતાઓને બોર્ડર પર રોકવા માટે સ્થાનિક વહિવટી તંત્રએ પોલીસને હાઈએલર્ટ પર રાખ્યા છે.

જિલ્લા વહીવટી તંત્રએ દુષ્કર્મ પીડિતાના ઘરે કોઈના પણ જવા પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે. આ સિવાય જિલ્લાની તમામ સરહદો સીલ કરીને સમગ્ર વિસ્તારમાં ધારા-144 લાગૂ કરી દેવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
ઉત્તર પ્રદેશના હાથરસમાં ઘટેલા જધન્ય કાંડ દેશને એક વખત ફરીથી નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે. નિર્ભયાની જેમ જ પીડિતા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ તેની જીભ કાપી નાંખવામાં આવી હતી અને તેની હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ગંભીર રીતે ઘાયલ પીડિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આટલું જ નહીં, પોલીસે પીડિતાના મૃતદેહને રાતોરાત અંતિમ સંસ્કાર કરતાં મામલો બીચક્યો છે.

આ પણ વાંચો: દીકરીઓ માટે કેટલો સુરક્ષિત દેશ? સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો

હાથરસ કાંડ બાદ રાજકારણ ગરમાયું
હાથરસમાં થયેલા જધન્ય કાંડના કારણે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાને લઈને વિરોધી પાર્ટીઓ યોગી સરકારની આલોચના કરી રહી છે. રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે,

હાથરસમાં ઘટેલી આ દુર્ઘટનાને લઈને જ્યાં સામાન્ય પ્રજાએ પોતાનો રોષ ઠાલવ્યો છે. તો બીજી તરફ બૉલિવૂડ સેલિબ્રિટીઝ પણ આ ઘટનાને અંજામ આપનારા નરાધમો માટે ફાંસીની સજાની માંગ કરી રહ્યાં છે.

પ્રિયંકા ગાંધીએ રોષ ઠાલવ્યો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, આવી ઘટનાઓ પર ગુસ્સો આવે છે. મારી પણ 18 વર્ષની દિકરી છે. દરેક મહિલાને ગુસ્સો આવે જ. આપણાં હિન્દુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે, અંતિમ સંસ્કાર પરિવાર વિના થાય.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રાજ્યની સુરક્ષા માટે મુખ્યમંત્રી જવાબદાર છે. દરરોજ રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સરકાર તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. તમે એવી સ્થિતિ બનાવી દીધી છે કે, એક પિતા પોતાની પુત્રીની અંતિમ ક્રિયા પણ નથી કરી શકતા.

આ મામલે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને આરોપીઓને આકરી સજા કરવા જણાવ્યું છે.