Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું નવાબોની નગરી ગણાતું પાલનપુર હવે ગુલામોની નગરી બની ગયું છે?

શું નવાબોની નગરી ગણાતું પાલનપુર હવે ગુલામોની નગરી બની ગયું છે?

0
116

તુંવર મુુજાહિદ: પાલનપુર પાસે રહેલો નવાબોની નગરીની ઓળખ ધીમે-ધીમે નષ્ટ થઈ રહી છે. હવે પાલનપુરને એક નવી ઓળખ મળી રહી છે, તે છે ગુલામોની નગરી… પરંતુ આઝાદ ભારતમાં ગુલામોની નગરી કેવી રીતે તે એક પ્રશ્ન તમારા મનમાં ઉભો થાય તે સ્વભાવિક છે. પરંતુ આ કોઈ તાનાશાહી કે રાજાશાહીવાળી ગુલામી નથી, આ એક એવી ગુલામી છે,  જે સ્વેચ્છાએ સ્વીકારવામાં આવેલી છે. જે આળસને ખંખેરતા અને એક સંવેદનશીલ નાગરિક બનતા જ ખત્મ થઈ શકે છે. તો આવો જાણીએ એવું તો શું ચાલી રહ્યું છે પાલનપુરમાં કે તે પ્રતિદિવસ ગુલામીમાં ગુલામીમાં ધકેલાઈ જતો રહ્યો છે.

પાલનપુરનો ઈતિહાસ ખુબ જ રોમાંચક અને રસપ્રદ છે. તેને વિસ્તારપૂર્વક દર્શાવવા બેસીએ તો ચેપ્ટરના રૂપમાં સ્ટોરી રજૂ કરવી પડે તેમ છે. પરંતુ વિકીપિડીયા અનુસાર, પાલનપુરનો ઇતિહાસ પરમાર વંશ દ્વારા શાસિત ઐતિહાસિક નગર ચંદ્રાવતી સાથેના સંબંધથી શરૂ થાય છે. 13મી સદીમાં ચૌહાણો દ્વારા નગર ફરી વસાવવામાં આવ્યું હતું.

સત્તરમી સદીની શરૂઆતમાં પાલનપુર રાજ્યનું શાસન 1373માં જાલોરમાં પ્રસ્થાપિત પશ્તુન લોહાણી જાતિના શાસન હેઠળ આવ્યું હતું. આ વંશ ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્યની પડતી પછીના 18મી સદીના શરૂઆતના સમયગાળા દરમિયાન ઐતિહાસિક પ્રાધાન્ય ધરાવતો હતો.

તે પછી પાલનપુર  મરાઠા શાસન હેઠળ આવ્યું હતું. તે સમયના પ્રવાહને અનુસરી લોહાણીઓએ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો આશ્રય માગ્યો હતો અને છેવટે 1817માં પાલનપુર એજન્સી હેઠળ પાલનપુર અન્ય પડોશી રાજ્યો સાથે બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું હતું.1947માં ભારતની સ્વતંત્રતા પછી 1949માં રાજ્ય ભારત સંઘમાં બૃહદ મુંબઈ રાજ્યમાં ભળી ગયું હતું. છેવટે પાલનપુર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક બન્યું.

તમે છેલ્લા શબ્દો ઉપર કદાચ ધ્યાન આપ્યું હોય તો… “બનાસકાંઠાનું મુખ્ય મથક”, બનાસકાંઠાનો સરહદી વિસ્તાર તો ઘણો મોટો છે, જેમાં અન્ય શહેરો પણ છે પરંતુ સરકારની બધી જ કચેરીઓ પાલનપુરમાં સ્થિત છે. આ બધી જ કચેરીઓ રજવાડાઓ સમયથી પાલનપુરમાં સ્થિત છે.

પાલનપુર નવાબોની નગરી તરીકે પણ ઓળખાય છે, કારણ કે વર્ષો સુધી જાલોરી વંશના લોહાણી પુશ્તુન નવાબોએ રાજ કર્યું છે. જોકે, 1949માં પાલનપુર રાજ્યનું સ્વતંત્ર અસ્તિત્વ મટી ગયું અને તેને બોમ્બે પ્રેસિડેન્સીમાં ભેળવી દેવાયું. પાલનપુર મુંબઈ રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક બન્યું. મુંબઈ રાજ્યના જ્યારે 1960માં ભાષાવાર ભાગલા થયા ત્યારે તે ગુજરાતનો ભાગ બન્યું.

વર્તમાન સમયમાં પાલનપુર ધંધા-રોજગારનું હબ બની ગયું છે. પાલનપુર આસ-પાસના 50થી વધારે ગામડાઓના લોકો સવારે પાલનપુરમાં રોજી-રોટી માટે આવે છે અને સાંજ પડતાં પરત ઘરે પણ ફરી જાય છે. નવાબોની નગરી પાલનપુર અનેક લોકોને રોજગારી આપવા માટે સકારાત્મક વાતાવરણ પૂરુ પાડે છે. પરંતુ તે છતાં પાછલા 20થી પણ વધુ વર્ષોથી પાલનપુરના રોડ-રસ્તાઓને લઈને સ્થિતિ કથળી ગઈ છે.

બનાસકાંઠાનું મુખ્ય મથક હોવાના કારણે બધી જ સરકારી કચેરીઓ પાલનપુરમાં હોવા છતાં પણ પાલનપુર શહેરમાં એકપણ સારો રસ્તો નથી. પાલનપુર શહેરમાં પ્રવેશવા માટે અથવા અંદોરદર ફરવા માટેનો એકપણ રસ્તો એવો નથી કે જેમાં ખાડાઓ ના હોય. અરે ઘણા રસ્તાઓ તો એવા છે જ્યાં રોડ જ નથી, માત્રને માત્ર ખાડાઓ અને પથ્થરો જ જોવા મળે છે.

પાલનપુરની આવી સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા જોઈએ? સત્તાવાદી તંત્રનું નામ પહેલા લઈ શકીએ, તો બીજું નામ પોતે જનતા…

વર્તમાન સમયમાં પાલનપુર ઉપર ગંડૂ રાજાઓ રાજ કરતાં હોય તેવું લાગી રહ્યું છે, ભલે બધી ચીજ-વસ્તુઓનો ભાવ એક ના હોય પરંતુ બધા જ રસ્તાઓ એક જેવા ચોક્કસ છે. એકપણ રસ્તો એવો નથી કે, જેમાં ખાડા ના હોય. એમાં કેટલાક રસ્તાઓ તો એવા છે, જેમાં ખાડાઓમાં રોડ હોય તેવું લાગી રહ્યું છે. મજાની વાત તે છે કે, વર્ષોથી આટલા બિસ્માર્ક રસ્તાઓ ઉપર ચાલનારાઓ પણ આનો વિરોધ કરતાં નથી.

લોકશાહીને જીવંત રાખવા માટે યોગ્ય ‘વિરોધ’ કરવો જરૂરી છે. પરંતુ પાલનપુરની જનતાએ આંખે પાંટા બાંધીને તંત્રની ગુલામી સ્વીકારી લીધી હોય તેવું લાગી રહ્યું છે. આખો દિવસ ખાડાઓમાં રખડપટ્ટી કરવાની અને સાંજ સુધી અનેક ઠોકરો ખાઈને ઘરે આવીને સૂઈ જવાનું. આમ જાણે પાલનપુરમાં આત્માઓ વગરના માણસો ફરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે, બીજા શબ્દોમાં કહીએ તો ભૂતાવળ ફરતી હોય તેવું ભેંકાર ભાસી રહ્યું છે. પાલનપુર તંત્રના કારભારમાં કોઈ જ ઠેકાણા ના હોવા છતાં જનતાને કંઈ જ ફરક જ પડી રહ્યો નથી. જેના પરિણામ રૂવરૂપે ઉબડ-ખાબડ રસ્તાઓ અને આખલાઓ વચ્ચે જીવના જોખમે જીવન દોડતું જોવા મળી રહ્યું છે. ઘણી વખત જીવન પડીને પણ ભાગ પણ જાય છે.

વિસ્તારની દ્રષ્ટિએ પાલનપુરનો વિકાસ ચોક્કસ થયો છે, પરંતુ તેના રખરખાવમાં અને મેનેજમેન્ટમાં તંત્ર ખુબ જ મોટી બેદરાકીર દાખવતું નજરે પડી રહ્યું છે. દાખલા તરીકે જોઈએ તો માલણ ચાર રસ્તાથી અંદર જઈએ તો જે ડમ્પર સાઈડ પર કચરાનો જે મોટો પહાડ બન્યું છે, તેનો નિકાલ કરવો ખુબ જ જરૂરી છે કારણ કે તેની આજુબાજુ હવે અનેક સોસાયટીઓ થકી આબાદી વસવાટ કરી રહી છે. તેવામાં તેમના સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર પડે તે સ્વભાવિક છે, પરંતુ તંત્ર તેના ઉપર ધ્યાન જ આપતું નથી. જોકે, તંત્ર એકલા ઉપર કામ ના કરવાના આરોપ નાંખવો ખોટો રહેશે, કેમ કે પાલનપુરની કથળતી સ્થિતિ માટે જનતા પણ એટલી જ જવાબદાર છે.

જનતા વિરોધ કરશે નહીં અને જવાબ માંગશે નહીં તો સત્તામાં બેસેલું તંત્ર પોતાને રાજા ગણશે અને જનતાને પોતાની ગુલામ. આવું જ યથાવત રહેશે તો તંત્ર પાલનપુરને એકદમ અંધેર નગરી બનાવી દેશે. જ્યાં ચોર-ઉચ્ચકાઓ અને સજ્જન બધા સાથે એક સમાન વ્યવહાર થશે. અથવા તેમ કહો તો પણ ચાલશે કે, રાવડીઓનો જ સન્માન કરવામાં આવશે. જનતાને તો ચૂપચાપ દુ:ખ સહન કરવાના જ રહેશે.

વિકાસની પરિભાષામાં રોડ-રસ્તાઓને પણ આવરી લેવામાં આવતા હોય છે. આર્થિક સમુદ્ધિ ત્યારે જ શક્ય બને છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન સારૂ હોય છે. તે ઉપરાંત મોટા શહેરોની અંદર રસ્તાઓ સારા હોવા તે બાબત પણ લોકોના જીવન-ધોરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પાલનપુરમાં ખરાબ રોડ-રસ્તાઓના કારણે લોકોને અનેક હાલાકીઓ ભોગવવાનો વારો આવ્યો છે. અનેક વખત ખરાબ રસ્તાઓના કારણે લોકોને જીવ પણ ગુમાવવાના વારા આવ્યા છે. ખરાબ રસ્તાઓના કારણે સર્જાતા અકસ્માતમાં હવે તો સામાન્ય વ્યક્તિ ન્યાય મેળવવાની આશા પણ રાખતો નથી. જો ખરાબ રસ્તાઓના કારણે કોઈ વ્યક્તિનો જીવ જાય તો તેનો સીધો ગુન્હો તંત્ર ઉપર જ નોંધાવવાની કાયદામાં જોગવાઇ કરવી જોઈએ.

“બનાસકાંઠાના મુખ્ય મથક” પાલનપુરના રસ્તાઓની એવી દયનિય સ્થિતિ છે કે, તેમાં 10થી વધારે સ્પીડથી ગાડી ચલાવી શકાતી નથી. ચોમાસામાં પાલનપુરના રસ્તાઓ જીવલેણ બની જાય છે. નામ માત્ર રોડમાં ભરાયેલા પાણી વચ્ચે ક્યાં ચાલવું તેની સમજ પડતી જ નથી.

પાલનપુર અન્ય બે મુશ્કેલીઓ વચ્ચે પણ જીવી રહ્યું છે. 1. પારાવાર ગંદકી અને 2. આખલાઓનો ત્રાસ

જીવલેણ રસ્તાઓ ઉપરાંત અપાર ગંદકી અને આખલાઓના ત્રાસ વચ્ચે પાલનપુરવાસીઓ કોઈ જ વિરોધ નોંધાવ્યા વગર તંત્રના ગુલામ બનીને પોતાનું જીવન ચૂપચાપ પ્રસાર કરી રહ્યાં છે. જો ઉપરોક્ત ત્રણેય સમસ્યાઓનું ઉકેલ લાવવામાં આવે તો જનતાની હાલાકીઓનો અંત આવે અને ફરીથી પાલનપુરને નવાબી નગરી કહેવાનું મન થઈ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat