નવી દિલ્હી : દેશમાં ઓમિક્રોનનો કોઈપણ કેસ હજી સુધી નોંધાયો ન હોવાનો દાવો સરકારી અધિકારીએ કર્યો હતો. જ્યારે કર્ણાટકમાં સાઉથ આફ્રિકાથી આવેલા બે પ્રવાસીમાં એકમાં ડેલ્ટાથી અલગ જ લક્ષણ જોવા મળ્યા હતા. દેશમાં કોરોનાના નવા 8,309 કેસો નોંધાયા હતા, તેની સાથે સક્રિય કેસોની સંખ્યા 544 દિવસના સૌથી નીચલા સ્તર 1,03,859 પર પહોંચી હતી, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
આ સાઉથ આફ્રિકામાં ગયા સપ્તાહે કોવિડ-19નો મળેલો નવો વેરિયન્ટ ઓમિક્રોન અંગે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ચેતવણી જારી કરી છે. કેન્દ્ર સરકારના વરિષ્ઠ અિધકારીએ જણાવ્યું હતું કે ભારતમાં હજી સુધી ઓમિક્રોનનો વેરિયન્ટ મળી આવ્યો નથી. પણ આ પ્રકારનો વાઇરસ ભારતમાં આવે નહી તે માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
હકારાત્મક સેમ્પલવાળા પ્રવાસીઓના જિનોમ સિકવન્સનું વિશ્લેષણ કરવામાં આવે છે. કોરોના વાઇરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે ચેપી હોવાની આશંકાની સાથે તે કેટલાય દેશોમાં ઝડપથી ફેલાયેલો હોવાના પગલે કેન્દ્રે જોખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકરી ગાઇડલાઇન્સ જારી કરી છે. તેની સાથે રાજ્યોને પણ ટેસ્ટિંગ અને સરવેલન્સની વધારવા અને આરોગ્યના મોરચે અપડેટ થવા જણાવ્યું છે.
કર્ણાટકના આરોગ્યપ્રધાન કે. સુધાકરે જણાવ્યું હતું કે બેંગ્લુરૂમાં સાઉથ આફ્રિકાથી આવેલા બેમાંથી એક વ્યક્તિના સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટથી અલગ છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ હાલમાં સત્તાવાર રીતે કશું કહી શકે તેમ નથી.
તેઓ આઇસીએમઆરના સંપર્કમાં છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા દૈનિક ધોરણે છેલ્લા 544 દિવસના નિમ્ન સ્તર 8,309 વધી 3,45,80,832 પર પહોંચી છે. સક્રિય કેસોની સંખ્યા પણ 544 દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચતા આ આંકડો 1,03,859 થયો છે.