Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું હિન્દુસ્તાને કેજરીવાલ નામના પરિવર્તનની પસંદગી કરી છે?

શું હિન્દુસ્તાને કેજરીવાલ નામના પરિવર્તનની પસંદગી કરી છે?

0
130

દેશના નાયક કોણ છે? જવાહરલાલ નહેરૂ બાદ ભારતીય રાજનીતિમાં જે પણ શક્તિશાળી બન્યું, તેમણે દેશની મૂળ આત્મા પર વાર કર્યા છે. પછી તે ઈન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય, અટલજી હોય કે નરેન્દ્ર મોદી. ઈન્દિરા ગાંધીએ કેન્દ્રીય સત્તાનો દૂરૂપયોગ કરીને સરકારો ભંગ કરવા, ચૂંટણીમાં કોમવાદનું કાર્ડ રમવા, ખાલિસ્તાની આતંકવાદ, ગુંડાતંત્ર અને ઈમરજન્સી જેવી ભૂલો કરી.

પંજાબ હોય કે 1982માં જમ્મુ-કાશ્મીરની ચૂંટણી હોય, તેમણે સરેઆમ સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કરીને ચૂંટણીમાં લાભ લીધો. તેમના બાદ રાજીવ ગાંધી આવ્યા, તો તેમણે પણ ઈન્દિરા ગાંધીના ભૂલોની પરંપરાને આગળ વધારી. સ્વતંત્ર ભારતમાં સૌથી મોટો બહુમત રાજીવ ગાંધીને મળ્યો હતો. જેમાં તેમને 543માંથી 415 બેઠકો મળી હતી, પરંતુ તેમણે નહેરૂની ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક પરંપરાને આગળ વધારવાની જગ્યાએ ધર્મની રાજનીતિ કરી.

રાજીવ ગાંધીએ 1989માં રામરાજ્યના વાયદા સાથે અયોધ્યાથી ચૂંટણી અભિયાન શરૂ કર્યું હતું. હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતા મંદિરનો શિલાન્યાસ કરવો, મંદિરનું તાળું ખોલવું અને શાહબાનો કેસમાં પોતાનો નિર્ણય લેવો. રાજીવ ગાંધીના આવા નિર્ણયોએ ભારતીય રાજનીતિને કોમવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. જે રામરથ પર અડવાણી અને અટલજી સવાર થઈને સત્તા પ્રાપ્ત કરવા નીકળ્યા હતા, તેમનો રસ્તો રાજીવ ગાંધીએ જ તૈયાર કર્યો હતો. કોમવાદની આગ સળગાવવામાં રાજીવ ગાંધી પણ એટલા જ દોષી છે, જેટલા અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી કે પછી નરેન્દ્ર મોદી.

31 ઓક્ટોબરના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા થઈ, તે દિવસે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા અને એજ દિવસથી લઈને 3 નવેમ્બર સુધી સમગ્ર દેશમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા. એવા આરોપ છે કે, કોંગ્રેસીઓ ભીડને નેતૃત્વ પૂરુ પાડ્યું. પોલીસ નિષ્ક્રિય બની અને શીખોના ઘરોને આગને હવાલે કરવામાં આવ્યા અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. સરકારી આંકડા પ્રમાણે, આ નરસંહારમાં 2800 લોકો માર્યા ગયા હતા. વાસ્તવિક આંકડા તો હજું તેનાથી પણ વધારે દર્શાવવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસે ભલે માફી માંગીને અને મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવીને પોતાની છબી સુધારવાનો પ્રયત્ન કર્યો હોય, પરંતુ એ સમયે રાજીવનો મત અનુસાર- “જો મોટુ વૃક્ષ ધરાશાયી થાય, તો જમીનમાં કંપન અનુભવાય છે.” રાજીવ ગાંધીની કોંગ્રેસની જિન્નાછાપ ધર્મની રાજનીતિને ભાજપે આંચકી લીધુ, જેનું નેતૃત્વ અટલ-અડવાણીની જોડીના હાથમાં હતું.

અટલજી પોતાની ઉદાર છબી આગળ ધરીને એક સાંપ્રદાયિક પાર્ટીનો પ્રભાવ વધારતા ગયા. જ્યાં જરૂરત પડી, ત્યાં પોતાના શાનદાર ભાષણ રજૂ કર્યા. આથી જ્યારે ગુજરાતમાં ગોધરા કાંડ વખતે હિંસા ફાટી નીકળી, ત્યારે તેમણે નરેન્દ્ર મોદીને “રાજધર્મ”નું પાલન કરવા જણાવ્યુ, પરંતુ પોતે “રાજધર્મ”ના નીભાવ્યો. ગોધરા કાંડ તરફ ત્યારે જ ધ્યાન આપવામાં આવ્યું, જ્યારે સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા. શીખ રમખાણોની જેમ આ વખતે પણ એવા આરોપ લાગ્યા કે, ગુજરાત હિંસા વખતે પણ પોલીસ નિષ્ક્રિય રહી અને પાર્ટીના નેતાઓએ હિંસક ટોળીનું નેતૃત્વ કર્યું.

કોંગ્રેસ અને ભાજપની સત્તા માટે લોકોને અંદરોદર લડાવવાની ભૂમિકા સરખી જ રહી છે. બન્ને પાર્ટીઓ હિંદૂ-મુસ્લિમોને મુર્ખ બનાવતી આવી છે. કોંગ્રેસ પડદા પાછળ રહીને રાજકારણ રમતી આવી છે, તો ભાજપ ખુલ્લેઆમ હિન્દુત્વનો ખેલ ખેલી રહી છે. જેમાં આરએસએસ  સહિત અન્ય કેટલીક ભગવો અને લીલા કલરના વસ્ત્રો ઓઢીને બેસેલી સંસ્થાઓ સામાન્ય લોકોનો ઉપયોગ પોતાની રાજકીય આકાંક્ષાઓને પૂરી કરવા માટે કરી રહી છે.

સ્વતંત્રતા સેનાનીઓએ પોતાનું બલિદાન આપીને જે ભારતનું નિર્માણ કર્યુ, તેને આઝાદી બાદના નેતાઓએ કલંકિત કર્યું છે. ગાંધી-નહેરૂ વગેરેના ખાતામાં અનેક નિષ્ફળતા છે, પરંતુ તે પણ સ્પષ્ટ છે કે, તેમના ઈરાદાઓ નેક હતા. આજના નેતા ગાંધી, આંબેડકર, સરદાર પટેલ અને ભગત સિંહની વાતો કરે છે, પરંતુ તેમની અંદરના જિન્ના અને ગોડસે સામે આવી જાય છે. તેમના માટે મશહૂર શાયર અદમજીએ યોગ્ય જ કહ્યું છે કે…

“ जो ‘डलहौजी’ न कर पाया वो ये हुक्काम कर देंगे।

कमीशन दो तो हिन्दुस्तान को नीलाम कर देंगे।” 

પરંતુ પરિવર્તન એક સનાતન સત્ય છે. વર્ષોથી અડીખમ ભારત સતત પરિવર્તનશીલ રહ્યું છે. આ દરમિયાન અનેક શક્તિશાળી નેતા આવ્યા અને જતા રહ્યાં. અનેક નેતાઓએ પોતાના એકચક્રિયા શાસનથી લોકોના હકોનું હનન પણ કર્યું. એક સમયની શક્તિશાળી પાર્ટી કોંગ્રેસ આજે નમાલી થઈ ગઈ છે. તો જેને કોઈ જાણતું નહતું તેવી બીજેપીનો સૂર્ય આજે મધ્યાહને છે. એક પછી એક રાજ્યને જીત્યા પછી બીજેપી દેશની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

બીજેપીનો સૂર્ય મધ્યાહને હતો, ત્યારે જ વધુ એક પાર્ટીનો ઉદય થયો હતો. જે દેશમાં વર્તમાન સમયમાં કાચબાની ગતિએ પરિવર્તનને પોતાની સાથે લઈને આગળ ચાલી રહી છે. લોકોમાં નવી વિચારશક્તિ અને ઉત્સાહ ઉમેરી રહી છે. આઝાદી પછી હિન્દૂ-મુસ્લિમોમાં પ્રસરેલી નફરતની રૂઢ વિચારસરણીને તોડી રહી છે. લોકોમાં કાટની જેમ જામી ગયેલી નફરત-ધૃણાને કાઢી રહી છે.

કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે, આ પાર્ટી અરવિંદ કેજરીવાલની “આમ આદમી પાર્ટી” છે. આપ પોતાના વર્ચસ્વને ધીમે-ધીમે દેશભરમાં પ્રસરાવી રહી છે. આમ આદમી પાર્ટી હંમેશા વિકાસના મુદ્દા ઉપર દેશભરમાં પોતાની પાર્ટીને જીત અપાવતી રહી છે. લોકો પરિવર્તનને સ્વીકારી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે મોદી લહેર છતાં પણ દિલ્હીની ગાદીને પોતાના નામે કરી લીધી હતી.

અરવિંદ કેજરીવાલ એકમાત્ર એવા નેતા છે, જેમને હિન્દુત્વના કાર્ડને વિકાસના સાચા મુદ્દા થકી માત આપી છે. જોકે, હવે તેઓ એક સ્ટેપ આગળ વધ્યા છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમને ચમત્કાર કરીને બતાવ્યો છે. જેઓ ક્યારેય એક થતા નહતા, તેવા લોકોને તેઓ એક મંચ પર લઈ આવ્યા છે.

વર્ષોથી કોંગ્રેસ-બીજેપીના રહેલા મતદાતાઓના મનોવલણને તેઓ બદલવામાં સફળ રહ્યાં છે. ગુજરાતમાં બીજેપી વર્ષોથી ઓબીસી જ્ઞાતિઓની શક્તિ પર બહુમતી મેળવતી આવી છે. ગુજરાતમાં પ્રજાપતિ, દરજી, મોદી, સુથાર, સથવારા, ગઢવી, બ્રહ્મભટ્ટ, મોચી, ચૌધરી, પટેલ વગેરે જેવી જ્ઞાતિઓએ પોતાના લોહીથી સિંચિને બીજેપીનો વિકાસ કર્યો છે. જોકે, આ બધી જ જ્ઞાતિઓનો વિકાસ અત્યાર સુધી રૂંધાતો જ આવ્યો છે.

તો બીજી તરફ મુસ્લિમ, પરમાર, દરબાર અને હિન્દુઓની કેટલીક અન્ય જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓ હંમેશા કોંગ્રેસને ટેકો આપતી આવી છે. તેમાંથી મુસ્લિમોની તો પ્રતિદિવસે અધોગતિ જ થતી આવી છે.

તેવામાં આમ આદમી પાર્ટીએ ઉપરોક્ત બધી જ જ્ઞાતિઓને એક કરવાની કામગીરી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરી છે. તે એક ઐતિહાસિક પરિવર્તન છે. સુરતમાં આમ આદમી પાર્ટીની જીત પરિવર્તનની શરૂઆતનો એક પુરાવો છે. તેવી જ રીતે આગામી દિવસોમાં યોજાનાર ગુજરાતની બાકી અન્ય નગરપાલિકાઓ સીટો પરની ચૂંટણીમાં પણ AAP અપસેટ સર્જિ શકે તેવા એંધાણ છે.

ભારત વર્ષ ઉપર અનેક નાયકોએ રાજ કર્યો. અનેક નેતાઓએ હિન્દુસ્તાનને પોતાની મુઠ્ઠીમાં બંધ કરવાની કોશિશ કરી. પરંતુ હંમેશા હિન્દુસ્તાનની માટી તેમના હાથમાંથી સરકી ગઈ અને તેમના નકારાત્મક કામોના કારણે તેઓ એક નવા પરિવર્તનનો ભોગ બન્યા.

અનેક નાયકોએ દેશને પ્રેમ-ભાવનાથી સજાવ્યું તો કેટલાક નાયકોએ તેને નફરતથી લૂંટાવ્યું. પરંતુ અત્યારે પણ હિન્દુસ્તાન હિમાલયની જેમ અડીખમ ઉભું છે. સમયે-સમયે હિન્દુસ્તાનના લોકોએ પરિવર્તનને પસંદ કર્યું છે અને પોતાની સદીઓ જૂની પ્રેમ-ભાવનાની જૂની સ્કૃતિને આગળ ધપાવી છે. આ વખતે હિન્દુસ્તાને કેજરીવાલ નામના પરિવર્તનની પસંદગી કરી હોય તેવું લાગી રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat