Gujarat Exclusive > રાજનીતિ > હરિયાણા ચૂંટણી: શિવસેનાએ ઉમર ખાલિદ પર હુમલાના આરોપીને આપી ટિકિટ

હરિયાણા ચૂંટણી: શિવસેનાએ ઉમર ખાલિદ પર હુમલાના આરોપીને આપી ટિકિટ

0
138

નવી દિલ્હી: JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર ગત વર્ષે હુમલો કરનારા બે આરોપીઓમાં સામેલ નવીન દલાલને શિવસેનાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી છે. 21 ઓક્ટોબરે થનારા મતદાન માટે શિવસેનાએ તેમને બહાદૂરગઢ બેઠક પરથી પોતાની પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. પોતાને ગૌ રક્ષક બતાવનાર દલાલ 6 મહિના પહેલા જ શિવસેનામાં સામેલ થયો હતો. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રવાદ, ગૌરક્ષા અને સ્વતંત્રતા સેનાનીઓના સમ્માનની વિચારધારાને પગલે હું શિવસેનામાં સામેલ થયો છે.

29 વર્ષના દલાલે જણાવ્યું કે, ભાજપ અને કોંગ્રેસ પાસે ખેડૂતો, શહીદો, ગાય અને ગરીબો માટે કશું જ નથી. તે માત્ર રાજકારણ રમે છે. હરિયાણા (દક્ષિણ)થી શિવસેના પ્રમુખ વિક્રમ યાદવે દલાલને પાર્ટીમાંથી ટિકિટ મળી હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ ગાયોની રક્ષા કરવા અને દેશ વિરોધી સુત્રોચાર કરનારા વિરૂદ્ધ અવાજ ઉઠાવવા જોવા મુદ્દાઓ પર કામ કરે છે. આથી જ અમે તેમની પસંદગી કરી છે.

ઓગસ્ટ 2018માં દલાલ અને દરવેશ શાહપુર નામનો એક શખ્સ ઉમર ખાલિદ પર નિષ્ફળ હુમલો કરવામાં સામેલ હતા. આ હુમલો નવી દિલ્હીની કૉન્સ્ટીટ્યૂશન ક્લબની બહાર થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, બંદૂક જામ થઈ ગયા બાદ ખાલિદે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. દલાલ અને શાહપુર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે વીડિયો સામે આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બન્ને ખાલિદ પર હુમલાને દેશને એક ભેટ ગણાવી હતી. હાલ દલાલ જામીન પર મુક્ત છે અને કેસ સેસન્સ કોર્ટમાં પેન્ડિંગ છે.

ખાલિદ પર હુમલા અંગે પૂછવામાં આવતા દલાલે જણાવ્યું કે, હાલ હું આ અંગે કોઈ વાત કરવા નથી માંગતો. શિવસેનાના યાદવે દલાલનો બચાવ કરતા જણાવ્યું કે, આ દેશભક્તિ દેખાડવાની તેમની રીત હતી. તેમની ઉમર ખાલિદ સાથે કોઈ અંગત દુશ્મની નથી. તે દેશનીની રાજધાનીમાં આવેલ યુનિવર્સિટીમાં દેશ વિરોધી સુત્રોચારથી દુખી હતા.

પોતાના ચૂંટણી સોગંધનામામાં દલાલે લખ્યું છે કે, તેમના વિરૂદ્ધ ત્રણ ગુનાહિત કેસો નોંધાયેલા છે. ખાલિદ કેસ ઉપરાંત દલાલ પર બહાદૂર ગઢમાં હિંસા ફેલાવવાનો અને ભાજપની હેડ ઓફિસમાં ગાયનું કપાયેલુ માથુ લઈ જવા મામલે અનેક કલમો અંતર્ગત કેસ દાખલ થયા છે. ચૂંટણી પોસ્ટરમાં દલાલે પોતાના નામની આગળ ગૌ-રક્ષક પણ જોડ્યું છે.

અમેરિકાની સખ્તી બાદ ચીન લાચાર, ભારત પાસે મદદનો હાથ લંબાવ્યો